IMG-20230613-WA0021

વલ્લભ વિદ્યાનગર ખાતે ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે તા. ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ના અધ્યક્ષસ્થાને મળેલ બેઠક

આ વર્ષે "વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ" અને "હર ઘરના આંગણે યોગ"ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી 

આણંદ, 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સંયુકત રાષ્ટ્ર સંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરવામાં આવેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવતા પ્રતિ વર્ષ તા.૨૧મી જૂનના “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા જી-૨૦ ની "એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય" થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે "વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ" અને "હર ઘરના આંગણે યોગ"ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તા.૨૧મી જૂન, ૨૦૨૩ના રોજ ઉજવણી કરવામાં આવનાર છે. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપનાના અધ્યક્ષસ્થાને આણંદના સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર જિલ્લા સહિત જિલ્લાના મુખ્ય મથક ખાતે ઉજવવામાં આવે તે રીતે તેનું સુચારૂં આયોજન કરવા સંબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું. તેમણે આણંદ જિલ્લામાં આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે કરવામાં આવનાર છે તેમ જણાવી તમામ તાલુકા અને નગરપાલિકાના અધિકારીઓને તાલુકાકક્ષા તથા નગરપાલિકા કક્ષાએ ઉજવણીના સૂચારૂ આયોજન માટે સૂચન કર્યુ હતું. 

આ બેઠક દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપી યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાનોની સાથે સમાજના વિવિધ સામાજિક-સેવાભાવી-ધાર્મિક-સ્વૈચ્છિક-વ્યાપારી સંગઠનો તથા રમત- ગમત મંડળો સહિતના તમામ વર્ગો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સંમેલિત થાય તે પ્રકારનું આયોજન કરવા સુચવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નગરપાલિકા, તાલુકા, ગામ, શાળા, વોર્ડ સહિત રમત-ગમતના મેદાનો, બાગ-બગીચાઓમાં પણ કરવામાં આવે અને તેમાં નાગરિકો સ્વયં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાય તે જોવાનું સૂચન કરી નાગરિકોને પણ "માનવતા" થીમ આધારિત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાવા અપીલ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજેન્સીના નાયબ નિયામકશ્રી જે.વી.દેસાઇ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમતગમત અધિકારીશ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી સહિત વિવિધ વિભાગના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

**********