IMG-20230605-WA0020

આણંદમાં દબાણકર્તાઓ તંત્રને ગાંઠતા નથી.. !

છેલ્લા બે દાયકાથી દૂધ નગરીમાં દબાણકર્તાઓનું રાજ..!

દબાણકર્તાઓ તંત્રને ગાંઠતા નથી.. !

સરકારી અધિકારીઓ બેફામ બન્યા, ચૂંટાયેલી પાંખને ગાંઠતા નથી તો આમ પ્રજાનો શું ?

પાલિકાના દબાણ હટાવ અભિયાનનું વારંવાર સૂરસુરીયું

પોલીસ-પાલિકા અને દબાણ કરનારા વચ્ચે  ઉંદર બિલાડી જેવી  રમાતી રમત


આણંદ ટુડે I આણંદ
સમગ્ર વિશ્વમાં મિલ્ક સિટીના હુલામણા નામથી જાણીતા આણંદ શહેરમાં છેલ્લા બે દાયકા ઉપરાંતથી ગેરકાયદે દબાણોનોની સમસ્યા શહેરીજનો માટે માથાના દુખાવા રૂપ બની છે.
શહેરમાં જુના બસસ્ટેન્ડ, ટુંકી ગલી  વિસ્તાર,અમૂલ ડેરી રોડ,વિદ્યાનગર રોડ,વેરાઈ માતા વિસ્તાર અને ખાસ કરીને દાંડીમાર્ગ સહિતના અનેક વિસ્તારોમાં લારી ગલ્લા અને પાથરણાં રૂપી દબાણોની સમસ્યા જટીલ બની છે. જેના કારણે મુખ્ય રોડ 5 ફૂટ જેટલો બંને બાજુથી દબાઇ જાય છે. તેથી એસટી બસ તથા અન્ય વાહનચાલકોને પસાર થવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. ક્યારેક વાહન ચાલક દ્વારા લારીને ટક્કર વાગે તો તુ તુ મે મે...તો ક્યારેક નાના મોટો ઝઘડો થાય છે. ત્યારે ટુંકી ગલીમાં વહીવટદારના શાસન દરમ્યાન પાકો રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ પાલિકાતંત્ર દ્વારા કોઇ તકેદારી રાખવામાં આવી નથી. તેના કારણે રોડ પર લારીઓ વાળા અને પાથરણાવાળા દબાણ કરીને બેસી જાય છે. જેથી ચાલીને જવું પણ મુશ્કેલ બને છે. તો વળી ખરીદી માટે આવેલ મહિલાઓ અહીંથી પસાર થાય ત્યારે કેટલાક તત્વો મશ્કરીઓ પણ કરતાં હોય છે.ખાસ કરીને શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ફૂટપાટોને તો કેટલાક  દુકાનદારોએ બાનમાં લઈ લીધી છે.
શહેરમાં વકરેલી ગેરકાયદે દબાણની સમસ્યા અંગે છેલ્લા કેટલાય વર્ષથી શહેરના જાગૃત નાગરિકો અને સિનિયર સિટીઝનો દ્વારા પાલિકા અને જિલ્લા કલેકટર સુધી રજુઆત કરવા છતાં પ્રશ્ન ઠેરનો ઠેર રહેવા પામ્યો છે. દર વર્ષે એકાદવાર બે-ત્રણ દિવસ સુધી દબાણ હટાવો ઝુંબેશ પાલિકા અને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે. પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળે છે. માત્ર હપ્તા વધારવા માટે દબાણ હટાવવાનું નાટક થતું હોય તેવો ભાસ નગરજનોમાં થઇ રહ્યો છે.
શહેરના જૂના બસ સ્ટેન્ડ અને ટૂંકી ગલી વિસ્તારના બજારોમાં લોકોને વાહન પર જવા તો દૂરની વાત ચાલતા જવાની પણ જગ્યા રહેતી નથી.આવી જ હાલત શહેરના દાંડી માર્ગની  થઈ છે.બોરસદ ચોકડીનો  બ્રિજ ઉતરતાની સાથે જ દાંડી માર્ગ પર ઝુપડપટ્ટી ના કેટલાક લોકોએ કબજો જમાવી દીધો છે.જેના કારણે અત્રેથી પસાર થતાં નાના મોટા વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો.આ સ્થળે દબાણની સમસ્યા એકાદ બે દિવસ પૂરતી નથી પરંતુ કાયમી બની ગઈ છે. છતાં તંત્ર આમ મામલે અકળ મૌન સેવી રહ્યું છે.

હપ્તાનો વહીવટ.. તંત્ર વતી અસામાજિક તત્વો દ્વારા કરાતો હોવાનો આક્ષેપ

આણંદ શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુ:ખાવો બની છે, બીજી તરફ બજારના ભરચક વિસ્તાર ટુંકી ગલી વિસ્તારમાં આખો રસ્તો પાથરણાંવાળાએ રોકી લીધો છે.આજ રીતે બોરસદ ચોકડી નજીક જીટોડીયા તરફ જવાના  રોડ પર  નરી આંખે દેખાતા દબાણો હટાવવામાં પોલીસ અને પાલિકા ઉણી ઉતરી રહી છે. પરંતુ હકિકત એવી છે કે, દબાણો માટે ખાસ હપ્તા વસુલવામાં આવી રહ્યા હોવાનો જાગૃતોએ આક્ષેપ કર્યો છે.અને તેનો હવાલો સત્તાધિશોએ લુખ્ખા અને અસામાજીક તત્વોને સોંપ્યો છે.

સરકારી બાબુઓ રાજકીય નેતાઓના સૂચનોને પણ ઘોળી પી ગયા.

આણંદ જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાતી જીલ્લા સંકલન તેમજ ફરીયાદ સમિતિની અનેક વખતની બેઠકમાં સાંસદ અને ધારાસભ્યોએ સબંધિત અધિકારીઓને દબાણો સહિતની સમસ્યાઓનો ઉકેલ લાવવા સુચન કર્યા હતા. છત્તા પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે.શું ? સાંસદ સભ્ય અને ધારાસભ્યના સૂચનો વામણાં પુરવાર થયા છે કે પછી જાડી ચામડીના બનેલા સરકારી બાબુઓ રાજકીય નેતાઓના સૂચનોને પણ ઘોળી પી ગયા છે.તંત્રના અધિકારીઓ રાજકીય નેતાઓનું સાંભળતા નથી તો પછી આમ પ્રજાની  સમસ્યાઓનો કઈ રીતે ઉકેલ લાવશે.?તેવો પ્રશ્ન ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

દબાણોની સમસ્યાને કાયમી ધોરણે દુર કરાય તેવી લોકમાંગ

આણંદ શહેરના જૂના બસ મથક વિસ્તાર, સુપર માર્કેટ તથા ટૂંકી ગલી સહિતનો આસપાસનો વિસ્તાર વર્ષોથી ગેરકાયદેસર દબાણથી ઘેરાયેલો છે. ભૂતકાળમાં અનેક વાર ટૂંકી ગલીમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.પરંતુ ગણતરીના દિવસોમાં જ પરિસ્થિતિ પુનઃ જૈસે-થે થઈ જવા પામે છે. ત્યારે તંત્ર દ્વારા આગામી દિવસમાં  શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી દબાણોની સમસ્યાને કાયમી ધોરણે દુર કરાય તેવી લોકમાંગ ઉઠી છે.