IMG-20221128-WA0037

આળસ કરીશ નહી… ફરજથી ડગીશ નહી… મતદાન ચુકીશ નહિ..

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ 

આળસ કરીશ નહીફરજથી ડગીશ નહીમતદાન ચુકીશ નહિ..

આણંદ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી સાથે જોડાયેલા પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના ૨૩૭૭ અધિકારી-કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

આણંદ, 

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લાની ૭ બેઠકો ઉપર આગામી તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. મતદાનની આ પ્રક્રિયા દરમિયાન ચૂંટણીલક્ષી કાર્ય સાથે જોડાયેલા જિલ્લાના સાતેય મતદાર વિભાગના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના અધિકારી- કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતુ.  

આણંદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ હાઈસ્કુલ ખાતે યોજાયેલા આ પોસ્ટલ બેલેટથી મતદાનમાં જિલ્લાના તમામ મતદાર વિભાગના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના અધિકારી- કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોસ્ટલ બેલેટથી મતદાન કરી તેમની ફરજ અદા કરી હતી.

પેટલાદના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.કે.દીયોરાએ ઉપસ્થિત રહી તેમનો કિમતી મત આપ્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતુ કે, હું દરેક ચૂંટણીઓમાં મતદાન અવશ્ય કરૂં છું, ફરજમાં હોવા છતાં પણ પોસ્ટલ બેલેટથી મત આપી મતદાન કરવાનું ચુકતો નથી. અને તેથી જ લોકોને કહું છું કે, આપણે મતદાનના અધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઇએ.

પોલીસ વિભાગની નોકરીમાં જોડાયા બાદ બીજીવાર મતદાન કરી રહેલા બોરસદના યુવા મહિલા કોન્સ્ટેબલ શિલ્પાબેન પરમાર જણાવે છે કે, મતદાન મારો હક્ક છે અને એ હું ક્યારેય ચુકીશ નહિં. મતદાન એ લોકશાહીનો આત્મા છે. અને તેથી જ હું મતદાન રૂપી મારી ફરજ અદા કરવા આવી છું. 

આવી જ કઈંક વાત મત આપવા આવેલા અને હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંજયકુમાર સોલંકી કહે છે. તેઓ કહે છે કે, જ્યારથી મને મતાધિકાર મળ્યો છે ત્યારથી હું ક્યારેય મતદાન કરવાનું ચુક્યો નથી, મેં આજે મારા મતાધિકારનો ઉપયોગ કર્યો તે બદલ મને સંતોષ છે.

ઉમરેઠના રહેવાસી અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા ૩૯ વર્ષીય કલ્પેશકુમાર પરમારે જણાવ્યું હતુ કે, હું મારી હોમગાર્ડની ફરજની સાથે ભારતના નાગરિક તરીકેની ફરજ પણ મતદાન કરી અદા કરૂ છું, તો આમ જનતાને મારી અપીલ  છે કે દરેક વ્યક્તિએ પણ અચુકપણે મતદાન કરવું જોઇએ.  

પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની આ પ્રક્રિયામાં ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા સામરખા ગામના જયશ્રીબેન પટેલ, ચેતનાબેન દરજી અને રેખાબેન પટેલે પણ આજે ઉત્સાહપુર્વક તેમના મતાધિકારનો ઉપયોગ કરી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

લોકશાહીના આ પર્વમાં સહભાગી બનવા જિલ્લાના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના અધિકારી- કર્મચારીઓએ મળી પોસ્ટલ બેલેટથી ખુબ જ ઉત્સાહભેર મતદાન કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો.

નોંધનીય છે કે, આણંદ જિલ્લાના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના ૩૦૧૫ અધિકારી-કર્મચારીઓ પૈકી ૨૩૭૭ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી તેમની ફરજ અદા કરી હતી. સાતેય મતદાર વિભાગના અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કરેલ મતદાન પૈકી ખંભાત મતદાર વિભાગના ૫૪૯ પૈકી ૪૫૪, બોરસદ મતદાર વિભાગના ૮૫૮ પૈકી ૬૮૮, આંકલાવ મતદાર વિભાગના ૨૨૮ પૈકી ૧૯૪, ઉમરેઠ મતદાર વિભાગના ૪૬૦ પૈકી ૩૬૦, આંણંદ મતદાર વિભાગના ૩૦૮ પૈકી ૨૫૦, પેટલાદ મતદાર વિભાગના ૧૫૯ પૈકી ૧૨૬ અને સોજીત્રા મતદાર વિભાગના ૪૫૩ પૈકી ૩૦૫ અધિકારી-કર્મચારીઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

*****