IMG_20231009_181501

BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું રૉબિન્સવિલ, ન્યૂજર્સીમાં શાનદાર ઉદ્ઘાટન

હિન્દુ આધ્યાત્મિકતા અને સ્થાપત્યના અભૂતપૂર્વ સંગમ સમા ભવ્યાતિભવ્ય

BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું રૉબિન્સવિલ, ન્યૂજર્સીમાં શાનદાર ઉદ્ઘાટન

18 ઓક્ટોબરથી BAPS સ્વામિનારાયણ અક્ષરધામ તમામ મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે.

‘અક્ષરધામ સનાતનમ્..’  -
કાર્યક્રમના અંતમાં ભવ્ય આતશબાજીથી અક્ષરધામ પરિસર તેજરશ્મિઓથી ઝળહળી ઉઠ્યું

12, 500 સ્વયંસેવકોના લાખો માનવકલાકોના અપાર ભક્તિસભર શ્રમથી સર્જાયો ચમત્કાર

અર્વાચીન યુગમાં નિર્મિત વિશ્વના પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર એવા અક્ષરધામના સર્જનમાં 12 વર્ષ લાગ્યા

ન્યુયોર્કમાં ભારતના કોન્સલ જનરલ રણધીર જયસ્વાલે પ્રધામમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તરફથી અભિનંદન પાઠવ્યા

“અક્ષરધામ ભૂતકાળથી ભવિષ્યને જોડનારો, ભારત અને અમેરિકાને જોડનારો, એક સમુદાયને અન્ય સમુદાય સાથે જોડનારો સેતુ છે.”  - ડેલવેરના ગવર્નર જ્હોન કાર્ને

“હું અવશ્ય માનું છું કે જો નેલ્સન મંડેલા અને મહાત્મા ગાંધી જેવા મહાન વ્યક્તિઓ આ જુએ તો અહીંના સુંદર કળા, સ્થાપત્ય અને મૂલ્યોને જરૂર બિરદાવે”  - નેલ્સન મંડેલાના સૌથી મોટા પૌત્રી નદિલેકા મંડેલા

“અહીં આવનાર સૌ કોઈ, તેમના જીવનમાં પરમ શાંતિ અને પરમ આનંદનો અનુભવ કરે તેવી પ્રાર્થના.”
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ

આણંદ ટુડે

BAPS સ્વામિનારાયણ અક્ષરધામ, ન્યુ જર્સીનું ઉદ્ઘાટન તારીખ આઠમી ઓક્ટોબર 2023 ના રોજ  BAPSના આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અભૂતપૂર્વ અવસરે પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને ભવ્ય લોકાર્પણ સમારોહમાં હજારો ભક્તો-ભાવિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ અનુસાર નિર્મિત આ અક્ષરધામ સનાતન હિન્દુ ધર્મના શાંતિ, સંવાદિતા અને એકતાના વૈશ્વિક મૂલ્યોને ઉજાગર કરતું,  સાંસ્કૃતિક અભિવ્યક્તિ, કલા, સ્થાપત્ય અને શિક્ષણનું બેજોડ સ્થાન બની રહેશે. હજારો હરિભક્તોએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને તેઓના 90 માં જન્મદિને ભક્તિઅર્ધ્ય અર્પણ કર્યું હતું.  

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પ્રાણપ્રતિષ્ઠા બાદ આશીર્વચનમાં જણાવ્યું,
“અહીં આવનાર  સૌ કોઈ, તેમના જીવનમાં પરમ શાંતિ અને પરમ આનંદનો અનુભવ કરે તેવી પ્રાર્થના.” 

આ અક્ષરધામનું સર્જન 2011 માં શરૂ થયું હતું. ભગવાન સ્વામિનારાયણને અંજલિરૂપ આ અક્ષરધામ સનાતન હિન્દુ ધર્મના વિવિધ પૂજનીય સ્વરૂપોની પ્રતિષ્ઠા સાથે કુલ 13 ગર્ભગૃહ ધરાવે છે. 

પ્રાચીન હિંદુ શાસ્ત્રોમાં વર્ણવેલ પરંપરાગત મંદિર સ્થાપત્યશસ્ત્ર અનુસાર નિર્મિત આ અક્ષરધામ આવનારી અનેક સહસ્ત્રાબ્દીઓ સુધી અડીખમ રહેશે. ઇટાલી, ગ્રીસ, તુર્કી, બલ્ગેરિયા, ભારત અને અન્ય દેશોના પત્થરોમાંથી લાવીને ભારતમાં સેંકડો કુશળ કારીગરો દ્વારા જટિલ-બારીક કોતરણીકામ કરવામાં આવ્યું અને અમેરિકા અને સમગ્ર વિશ્વમાંથી 12,500 સ્વયંસેવકો દ્વારા રૉબિન્સવિલમાં એક વિરાટ જિગ-સૉ પઝલની જેમ આ મંદિર આકાર પામ્યું.

ઉદ્ઘાટન નિમિત્તે 30 સપ્ટેમ્બરથી ચાલી રહેલાં નવદિવસીય વિશિષ્ટ કાર્યક્રમ શૃંખલામાં સેંકડો મહાનુભાવો અને સ્વયંસેવકોએ અક્ષરધામ વિશે પોતાનો અહોભાવ રજૂ કર્યો. આ ઉપરાંત છેલ્લાં 75 કરતાં વધુ દિવસથી ચાલી રહેલાં ‘ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ’ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત મહાનુભાવો અને  મુલાકાતીઓએ અક્ષરધામના દર્શન-મુલાકાત દ્વારા તેઓની ગહન અનુભૂતિઓને રજૂ કરી. અક્ષરધામ દ્વારા ન્યૂજર્સીમાં અત્યાર સુધીના સૌથી મોટા રકતદાન અભિયાનોમાંના એક એવા રકતદાન યજ્ઞ હેઠળ છેલ્લાં 10 અઠવાડિયામાં 10,000 જેટલી વ્યક્તિઓ માટે ઉપયોગી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.  
આજના કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ તેઓની અક્ષરધામ અનુભૂતિ રજૂ કરી હતી. 

મેરીલેન્ડના કોંગ્રેસમેન સ્ટેની હોયરે તેઓના સંબોધનમાં જણાવ્યું,
“ આ મંદિરની ભવ્યતા અને કોતરણી તો અસામાન્ય છે જ, પરંતુ સૌથી વિશેષ બાબત છે સ્વયંસેવકોનું સમર્પણ. આ ફક્ત હિન્દુ સંસ્કૃતિનું જ નહીં, પરંતુ વૈશ્વિક માનવમૂલ્યોનું સ્થાન છે.” 

ડેલવેરના ગવર્નર જ્હોન કાર્નેએ તેમના સંબોધનમાં જણાવ્યું,
“આ અક્ષરધામ અકલ્પનીય ભક્તિનું સ્થાન છે. અક્ષરધામ ભૂતકાળથી ભવિષ્યને જોડનારો, ભારત અને અમેરિકાને જોડનારો, એક સમુદાયને અન્ય સમુદાય સાથે જોડનારો સેતુ છે. “

સપ્ટેમ્બરમાં અક્ષરધામની મુલાકાત બાદ એનબીએ (NBA) ચેમ્પિયન એરોન ગોર્ડને જણાવ્યું હતું,
“સ્વયંસેવકોમાં અદભૂત એકતા છે. આટલાં વૈવિધ્ય ભરેલાં બેકગ્રાઉન્ડમાંથી આવવું અને તમારા વ્યક્તિગત જીવનથી ઉપર ઊઠીને આ મહાન કાર્ય માટે સમર્પિત થવું, એ અભિભૂત કરે તેવી વાત છે... હું આગામી NBA ચેમ્પિયનશીપ માટે અક્ષરધામમાંથી પ્રેરણા લઈને જઉ છું.”


રોબિન્સવિલ પોલીસ વિભાગના સાર્જન્ટ સ્કોટ કિવેટે જણાવ્યું,
“અહીં અક્ષરધામમાં પ્રવેશતાં જ શુભ મૂલ્યોથી ધબકતાં સ્થાનની અનુભૂતિ થાય છે. મેં અહીં જોયું કે ડોકટરો ટ્રાફિક સંચાલનમાં કાર્ય કરી રહ્યા છે, વાસણો ધોઈ રહ્યા છે, એન્જિનિયર્સ ટ્રક ચલાવી રહ્યા છે! આ સંકુલમાં ક્યાંય અહંકાર નથી. બધા સેવા કરી રહ્યા છે. ભગવાનની કૃપા કે આ સ્થાનમાં હું આવ્યો, તમને મળ્યો અને તમારી સંસ્કૃતિને સમજવાની તક મળી.”  
 
નેલ્સન મંડેલાના સૌથી મોટા પૌત્રી  નદિલેકા મંડેલાએ અક્ષરધામમાં અગાઉ યોજાયેલા મહિલા કાર્યક્રમમાં જણાવ્યું હતું,
“સંવાદિતા, એકતા અને સર્વસમાવેશકતા દ્વારા, તમે તમારા આધ્યાત્મિક ગુરુઓના માર્ગદર્શન હેઠળ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. મને ખાતરી છે કે નેલ્સન મંડેલા અને મહાત્મા ગાંધી જેવા મહાન વ્યક્તિઓ જો આ જુએ તો અક્ષરધામની આ સુંદર કળા અને સ્થાપત્યને જરૂર બિરદાવે. એટલું જ નહીં, અક્ષરધામના પાયામાં જે શાંતિ, સંવાદિતા અને એકતાના મૂલ્યો છે તેને અવશ્ય પ્રોત્સાહિત કરે.”

બેથ અલ સિનાગોગ ખાતેના વરિષ્ઠ રબ્બી જય એમ. કોર્ન્સગોલ્ડે આંતર્ધર્મીય સંવાદિતા દિવસના કાર્યક્રમમાં  જણાવ્યું,
“ જ્યારે મેં આ ભવ્ય સર્જન સમક્ષ જોયું, ત્યારે લેવિટિકસના વાયકરાના શબ્દો મને યાદ આવ્યા કે : તમારા પાડોશીને તમારી જેમ પ્રેમ કરો. આપણે સૌ આ પૃથ્વી પર હળીમળીને કાર્ય કરી તેને એક સુંદર સ્થળ બનાવવા માટે છીએ તે ભાવના આ સ્થાન સુદ્રઢ કરાવે છે.”  

પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર એવા અક્ષરધામમાં હિંદુ શાસ્ત્રોમાંથી સંદેશાઓ ઉપરાંત અબ્રાહમ લિંકન, કન્ફ્યુશિયસ, બુદ્ધ, મીરાબાઈ, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, અને અન્ય અનેક મહાપુરુષોના અવતરણો મહામંદિરના વિઝડમ પ્લિન્થમાં મૂકવામાં આવ્યા છે. 

પ્રાણપ્રતિષ્ઠા વખતે પ્રત્યક્ષ ઉપસ્થિત અને વર્ચ્યુઅલ લાભ લઈ રહેલાં લાખો હરિભક્તો-ભાવિકોએ દીપ પ્રાગટ્ય કરી મહાઆરતીનું અર્ઘ્ય અર્પણ કર્યું હતું. BAPS સંસ્થાના આંતરાષ્ટ્રીય સંયોજક પૂ. ઈશ્વરચરણદાસ સ્વામીએ સેવા-સહયોગ આપનાર સૌ કોઈનો BAPS સંસ્થા વતી આભાર માન્યો હતો.  ‘અક્ષરધામ મહોત્સવની જય..’ ના બુલંદ જયઘોષથી સમારોહનું સમાપન થયું હતું. 

માત્ર હિન્દુ અમેરિકાનો માટે જ નહીં, પરંતુ સમગ વિશ્વના લોકો માટે, અક્ષરધામ, હિન્દુ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિને સમજવાનું સ્થાન છે. કળા અને સ્થાપત્યના જિજ્ઞાસુઓ માટે આ અક્ષરધામ જ્ઞાન અને શિક્ષણનું ધામ બની રહેશે.