IMG_20240507_070302

આણંદ 7 ખેડામાં 12 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થશે

લોકસભા ચૂંટણી-2024 ,ચરોતરમાં આજે ખરાખરીનો જંગ - 

આણંદ 7 ખેડામાં 12 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થશે

આણંદ લોકસભાની ચૂંટણીમાં 17.80 લાખ મતદારો 7 ઉમેદવારોનું ભાવિ ઘડશે 

આણંદ જિલ્લામાં ૪૦૦૦ જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો ઉપરાંત પેરામિલેટરી ફોર્સની ૧૨ અને એસઆરપીની ૦૨ કંપની  ચૂંટણીમાં ફરજ બજાવશે

 ખેડા બેઠક પર 20.01 લાખ મતદારો 12 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

આણંદ -888 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરાશે

આણંદ ટુડે | આણંદ, ખેડા
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ નું મતદાન આણંદ જિલ્લામાં આજે તારીખ ૭ મી મેના રોજ કરવામાં આવનાર છે. લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની લોકસભા બેઠકની સાથે ૧૦૮ - ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અન્વયે મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના અને જિલ્લા પોલિસ અધિકારીશ્રી ગૌરવ જસાણી દ્વારા મતદારોને અવશ્ય મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે.

આણંદ લોકસભા બેઠક પર  9,07,934 પુરુષ અને 8,72,117 મહિલા મતદારો અને 131 થર્ડ ઝેન્ડર મતદારો સહિત કુલ 17,80,182 મતદારો આજે 7 મે મંગળવાર 2024 ના રોજ જિલ્લાના 8 તાલુકામાં 7 વિધાનસભા બેઠકો પર 1773 મતદાન મથક ઉપર મતાધિકારનો ઉપયોગ કરશે . આણંદ લોકસભા બેઠકની સાથે સાથે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. જિલ્લામાં બંને ચૂંટણી માટે 8,078 પોલિંગ સ્ટાફ, 19 નોડલ ઓફિસર અને 161 માઈક્રો ઓબ્ઝર્વર્સ ફરજ બજાવશે. જ્યારે ભાજપ કોંગ્રેસ અન્ય પક્ષ અને અપક્ષ સહિત કુલ7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

ખેડા લોકસભા બેઠકની વાત કરીએ તો ખેડા લોકસભામાં સમાવિષ્ટ દસક્રોઈ, ધોળકા, માતર, મહેમદાવાદ, નડિયાદ, કપડવંજ અને મહુધા બેઠક મળી કુલ ૨૦.૦૧ લાખ મતદારોના હાથમાં ૧૨ ઉમેદવારનું ભવિષ્ય છે. આમ તો છેલ્લા અઢી દાયકાથી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ સીધી ટક્કર થઈ રહી છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ બંને પક્ષ વચ્ચે સીધો જંગ છે. ત્યારે હવે ૨૦.૦૧ લાખ મતદારો પૈકી કેટલા મતદારો મતદાન મથક સુધી પહોંચે છે, તેની પર સૌની નજર છે. છેલ્લી ત્રણ ચૂંટણીની વાત કરીએ તો વર્ષ ૨૦૧૯માં ૬૧.૦૪ ટકા, વર્ષ ૨૦૧૪માં ૫૯.૮૬ ટકા અને વર્ષ ૨૦૦૯માં ૪૧.૦૬ ટકા મતદાન નોંધાયું હતું. સામાન્ય રીતે મતદાન વધતુ ગયું છે. ત્યારે વર્ષ ૨૦૦૯માં ૬.૦૨ લાખ લોકોએ, વર્ષ ૨૦૧૪માં ૯.૫૭ મતદારોએ અને વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૧૦.૯૮ લાખ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરંતુ આ વખતે તા. ૭મી મેના દિવસે તાપમાનનો પારો ૪૨ ડિગ્રી રહેશે, ત્યારે આ આકરા તાપ વચ્ચે કેટલુ મતદાન થાય છે, તેની પર સૌની નજર છે. તો વળી, આ મતદાન કરનારા મતદારો કોને ખેડા લોકસભામાંથી દિલ્હી મોકલશે, તે પરીણામ આવ્યા બાદ જ જાણ થશે.

આણંદ -સાત ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

આણંદ લોકસભા બેઠક પર કુલ 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જેમાં ભાજપના મિતેશ પટેલ, કોંગ્રેસના અમિત ચાવડા, BSP ના સુરેશ પટેલ, ગરીબ કલ્યાણ પાર્ટીના ધીરજકુમાર ક્ષત્રિય, રાઈટ ટુ રીકોલ પાર્ટીના સુનીલકુમાર ભટ્ટ તથા અપક્ષમાંથી કેયુર પટેલ અને આશિષકુમાર ભોઈનો સમાવેશ થાય છે.

ખેડા -ભાજપ,કોંગ્રેસ સહિત 12 ઉમેદવારો વચ્ચે ટક્કર

ખેડા લોકસભા બેઠકની યોજાનાર ચુંટણી માટે કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં
1. દેવુસિંહ જેસિંગભાઈ ચૌહાણ - ભાજપ
2. કાળાભાઈ રઈજીભાઈ ડાભી - કોંગ્રેસ
3. અનિલ કુમાર ભાઈલાલભાઈ પટેલ - રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી
4. ભાઈલાલભાઈ કાળુભાઈ પાંડવ - બહુજન સમાજ પાર્ટી
5. કમલેશભાઈ પોપટભાઈ પટેલ - ભારતીય જન પરિષદ
6. ઈન્દીરાદેવી હિરાલાલ વોરા - ગરીબ કલ્યાણ પાર્ટી
7. ઈમરાનભાઈ બિલાલભાઈ વાંકાવાલા - રાઈટ ટુ રિકોલ પાર્ટી
8. કાદરી મોહંમદ સાબીર અનવરહુસેન - ભારતીય જન નાયક પાર્ટી
9. દશરથભાઈ હરજીવનભાઈ કાંટીયા - ન્યુ ઇન્ડિયા યુનાઈટ પાર્ટી
10. ઉપેન્દ્રકુમાર વલ્લભભાઈ પટેલ - અપક્ષ
11. પરમાર હિતેશ કુમાર પરસોતમભાઈ - અપક્ષ
12. સોઢા સંજયકુમાર પર્વતસિંહ - અપક્ષ

4 જુને વલ્લભ વિદ્યાનગર ખાતે મતગણતરી થશે

લોકસભાની સામાન્ય ચૂંટણીના મતદાન બાદ આગામી તારીખ ૪ જૂન, ૨૦૨૪ના રોજ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ બીજેવીએમ કોમર્સ કોલેજ, નલીની અરવિંદ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજ, ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે

મતદારયાદીમાં નામ છે પણ વોટર ID નથી ,આ માન્ય દસ્તાવેજથી થઈ શકશે મતદાન

PAN કાર્ડ

આધારકાર્ડ

પાસપોર્ટ

ડ્રાઈવિંગ લાયસન્સ

મનરેગા જોબકાર્ડ

શ્રમ મંત્રાલય તરફથી મળેલું આરોગ્ય વીમાકાર્ડ

ફોટો સાથેનું પેન્શનકાર્ડ

NPR તરફથી જારી કરાયેલું સ્માર્ટકાર્ડ

સરકારી કર્મચારી હોય તો કંપનીનું ફોટો ID કાર્ડ

સાંસદ, ધારાસભ્ય કે પાર્ષદ તરફથી મળેલું ઓળખપત્ર

પોસ્ટ ઓફિસ, બેંક તરફથી જારી કરાયેલી પાસબુક