SAVE_20240601_201228

લોકસભાના ઈતિહાસમાં પહેલી વખત સ્પીકર પદ માટે ચૂંટણી થશે

આજની 10 મહત્વની ખબર

લોકસભાના ઈતિહાસમાં પહેલી વખત સ્પીકર પદ માટે ચૂંટણી થશે

લોકસભાના અધ્યક્ષપદ મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે છેલ્લી ઘડી સુધી ચર્ચાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી. પરિણામે હવે લોકસભાના ઈતિહાસમાં પહેલી વખત અધ્યક્ષપદ માટે ચૂંટણી થશે. લોકસભા અધ્યક્ષપદે માટે એનડીએએ પૂર્વ અધ્યક્ષ ઓમ બિરલાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ઈન્ડિયા અલાયન્સ તરફથી કે.સુરેશે અધ્યક્ષપદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.બુધવારે સવારે 11 વાગ્યે લોકસભા અધ્યક્ષપદ માટે મતદાન થશે. આ પછી નક્કી થશે કે આગામી લોકસભા સ્પીકર કોણ બનશે.

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા

અમેરિકામાં વસતા ગુજરાતીની હત્યા થતાં ભયનો માહોલ સર્જાયો છે. નવસારીના હેમંત મિસ્ત્રીની નજીવી બાબતે હત્યા કરવમાં આવી છે. પોલીસે CCTVના ફૂટેજ લઈ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.અમેરિકામાં આવેલા ઓકલાહોમાં શહેરમાં નવસારી જીલ્લાના બીલીમોરાના વતની હેમંત મિસ્ત્રીની સામાન ઉઠાવવા બાબતે થયેલી માથાકૂટમાં હત્યા કરી દેવાતાં ચકચાર મચી છે.માહિતી મુજબ વૃદ્ધ મોટેલ ચલાવતા હતા. ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને હોસ્પિટલ સારવાર માટે લઈ જવાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઊંટ પર બેસીને સંસદ જવા નીકળ્યા સાંસદ પોલીસે તેમને રસ્તામાં રોકી દીધા

18મી લોકસભાનું પ્રથમ સત્રનો આજે બીજો દિવસ છે. ભારતીય આદિવાસી પાર્ટી (BAP)ના એકમાત્ર સાંસદ રાજકુમાર રૌત ઊંટ પર બેસીને સંસદ જવા માટે રવાના થયા હતા. સાંસદે જિદ કરી હતી કે તે ઊંટ પર બેસીને  સંસદ જશે અને શપથગ્રહણ કરશે. જોકે, દિલ્હી પોલીસે તેમને રસ્તામાં જ રોકી દીધા હતા. મહત્ત્વપૂર્ણ છે કે રાજકુમાર રૌત રાજસ્થાનના બાંસવાડાથી સાંસદ ચૂંટાયા છે.મહત્ત્વપૂર્ણ છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ બાંસવાડાના સાંસદે ઊંટની સવારી કરી હતી તે બાદ ચૂંટણી પંચે તેમને નોટિસ પણ ફટકારી હતી. ડિસપ્લે ઓફ એનિમલ ઇન રોડ શો નિયમ હેઠળ જાનવરોનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં કરી શકાતો નથી.

વ્યાજખોરોએ પત્નીની નજર સામે પતિની હત્યા કરી નાંખી

જુનાગઢ જિલ્લાના કેશોદના બામણાસા ગામે વ્યાજખોરોએ કેશોદના દંપતીને રસ્તામાં માર માર્યો હતો. બાદમાં પોતાના ઘરે બોલાવી અને હુમલો કરી પત્નીની નજર સામે પતિની હત્યા કરી નાંખી હતી. આ હુમલામાં ગંભીર ઈજા થતાં મહિલાને જુનાગઢ સારવારમાં ખસેડવામાં આવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કેશોદના પીપળીયા નગરમાં રહેતા નિલેશભાઈ હાજાભાઇ વાઢીયાના પિતાએ બામણાસા ગામના હરદાસ પીઠા નંદાણીયા પાસેથી રૂપિયા પાંચ લાખ વ્યાજે લીધા હતા.

અફઘાનિસ્તાન બાંગ્લાદેશને 8 રને હરાવીને સેમી ફાઇનલમાં,ઓસ્ટ્રેલિયા બહાર

T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 તબક્કાની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને 8 રને હરાવીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 27મીએ અફઘાનિસ્તાન ત્રિનિદાદમાં સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે

નોકરીમાંથી કાઢી મુકતા ખંડણીનો પ્લાન બનાવ્યો

વડોદરા શહેરમાં વોર્ડ નંબર-2ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહને ફોન પર ખંડણી માગવાના કેસમાં ક્રાઈમ બ્રાંચે રામનિવાસ બિશનોઈ અને પ્રહલાદ બિશનોઈની ધરપકડ કરી છે પોલિસને આરોપી પાસેથી પિસ્તોલ અને 6 કારતૂસ મળી આવ્યા છે.નોકરીમાંથી કાઢી મુકતા ખંડણીનો પ્લાન બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે.

રાજકોટ અગ્નિકાંડ સ્વયંભુ અને સજજડ બંધ

રાજકોટના નાના મવા રોડ પર ટીઆરપી ગેમઝોનમાં આજથી બરાબર એક મહિના પહેલા તા. રપ મેના રોજ લાગેલી આગમાં 27 નિર્દોષ લોકોના જીવતા સળગી જવાથી મૃત્યુ થયાની ઘટના અંગે સીટ, ખાસ તપાસ સમિતિ સહિતની એજન્સીઓ તપાસ કરી રહી છે ત્યારે આજે આ ર7 પરિવારના દુ:ખમાં ભાગીદાર બનવા કોંગ્રેસે આપેલા અર્ધો દિવસ બંધના એલાનને રાજકોટમાં સ્વયંભુ અને સજજડ પ્રતિસાદ મળ્યો છે.આજે સવારથી ચા-પાનની દુકાનો, બજારો, શૈક્ષણિક સંસ્થાઓ બંધમાં જોડાયા હતા અને ન્યાય માંગતા પરિવારજનો સાથે પોતાની લાગણી હોવાની પ્રતિતિ કરાવી હતી.

વેરાવળના યુવકોને ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ભારે પડ્યા

વેરાવળ નજીકના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનના ઇરાદે પ્રવેશેલા ત્રણ યુવકોને સિંહ દર્શનનો ઇરાદો ભારે પડ્યો હતો વન વિભાગે ત્રણેય ઇસમોને ઝડપી પાડ્યા છે. જેમા વેરાવળના બહાર કોટ વિસ્તારમાં રહેતા મુસ્લિમ કાકાસીયા અબદુલાહ અંજુમ ઉં.વ 21, કાપડિયા અંબાર સોયબ ઉં.વ 17, અને પંજા અબ્દુલ્લા આરીફ ઉં.વ 17 નો સમાવેશ થાય છે.

અમદાવાદમાં ત્રણ ઇલેક્ટ્રિક બસમાં લાગી

જનમાર્ગ બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર ચાલતી આમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્રણ બસોમાં સોમવારની રાત્રે આગ લાગી હતી.બસો તમામ ઇલેક્ટ્રિક હતી. તેઓને વરસાદ દરમિયાન આગ લાગી હતી. ખાનગી ઓપરેટર જેબીએમ દ્વારા સંચાલિત વસ્ત્રાલના જડેશ્વર બસ ડેપોમાં આ ઘટના બની હતી.
જ્યારે એક બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જ્યારે આગ નજીકમાં પાર્ક કરેલી બે બસોમાં ફેલાઈ ગઈ હતી.બસો પાર્ક કરેલી અને ખાલી હોવાથી, નુકસાન મર્યાદિત હતું. અમદાવાદ શહેરમાં ઇલેક્ટ્રિક બસો પ્રમાણમાં નવી છે, અને વહીવટીતંત્ર તેમની જાળવણી વિશે સતત પાઠ શીખી રહ્યું છે.

પરીક્ષામાં પેપર લીંક -યોગી સરકાર કડક બની

ઉત્તર પ્રદેશમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા અને RO-ARO પરીક્ષામાં પેપર લીકને જોતા યોગી સરકાર કડક બની છે. યોગી સરકાર હવે યુપી પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024 લાવી છે. આ અંતર્ગત જો પેપર લીકમાં દોષી સાબિત થશે તો આજીવન કેદ અને 1 કરોડ રૂપિયાનો દંડ થશે. યોગી કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જો પેપર લીક અથવા અન્ય કારણોસર પરીક્ષાને અસર થાય છે, તો તેના પર થયેલા ખર્ચની ભરપાઈ સોલ્વર ગેંગ પાસેથી વસૂલાત દ્વારા કરવામાં આવશે.