આણંદમાં ખાણી પીણીની લારી પર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા
આણંદમાં ખાણી પીણીની લારી પર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા
આણંદ ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા ખાણીપીણીની ૧૭ લારીઓની તપાસ
રૂ. ૩,૨૦૦ની કિંમતના બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓના ૩૮ કિ.ગ્રા. જથ્થાનો નાશ કરવામાં આવ્યો
આણંદ,
આણંદ જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા નગરપાલિકાની આરોગ્ય શાખા સાથે સંયુક્ત રીતે આણંદ ટાઉન હોલ સામે આવેલ ખાણી-પીણીની લારીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં કુલ ૧૭ ખાણીપીણીની લારીઓની તપાસ હાથ ધરી આશરે ૩૮ કિ.ગ્રા. બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓના લગભગ રૂપિયા ૩,૨૦૦ની કિંમતના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
વધુમાં તપાસ દરમિયાન લારીવાળાઓને સેનિટેશન અને હાઈજીન અંગે જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા લારીવાળાઓને કેપ, એપ્રોન અને કીટનું સ્થળ ઉપર જ વિતરણ કરી તેનો ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી હતી.
આ તપાસ સમયે નગરપાલિકાની ટીમ દ્વારા ગંદકી તેમજ પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા બાબતે કુલ રૂપિયા ૮,૫૦૦ નો દંડ પણ કરવામાં આવ્યો હતો. આગામી તહેવારોને અનુલક્ષીને આ પ્રકારની વધુ તપાસ હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી અધિકારીએ જણાવ્યું છે.
********