શ્રી કૃષ્ણ હૉસ્પિટલ, કરમસદમાં પ્રથમવાર થયેલું અંગદાન,બે દર્દીઓને મળ્યું નવજીવન
શ્રી કૃષ્ણ હૉસ્પિટલ, કરમસદમાં પ્રથમવાર થયેલું અંગદાન,બે દર્દીઓને મળ્યું નવજીવન
અકસ્માતગ્રસ્ત ૮૧ વર્ષીય સદ્દગૃહસ્થે કર્યું અંગદાન
અમદાવાદ ખાતે બે કિડનીનું એક દર્દીમાં અને
લીવરનું બીજા દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું
દિવંગત દર્દીના પાર્થિવ દેહને સન્માન સાથે તેમના કુટુંબને સોંપવામાં આવ્યો
આણંદ ટુડે | આણંદ
અંગદાન એ માનવતાની શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે. ઘણી વખતે દુર્ભાગ્યવશ અકસ્માત પામતા માણસોને ફક્ત મગજની ઈજા થતી હોય છે જ્યારે બાકીના શરીરના અવયવો સંપૂર્ણપણે સાબૂત રહેતા હોય છે, જ્યારે મગજની ઈજા અત્યંત ગંભીર હોય છે. ત્યારે મગજ સંપૂર્ણપણે કામ કરતું અટકી જાય છે તથા તેમાં સુધારાનો કોઈ અવકાશ રહેતો નથી. આ પરિસ્થિતિને 'બ્રેઈન ડેડ” અવસ્થા કહેવાય છે. આ પ્રકારની ઈજા સાથે દર્દી પીમે ધીમે મૃત્યુના મુખ તરફ જતો જાય છે. આ સંજોગોમાં તેના અન્ય અવયવો જેવા કે કિડની, લીવર, હૃદય, ફેફસાં વગેરે સમયસર શરીરમાંથી કાઢી લઈને, અન્ય દર્દીઓ કે જેમને આ અવયવોની જરૂર હોય છે, તેમના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવે, તો એક બુઝાતી જિંદગીમાંથી અનેક નવી જિંદગીઓના દીવા ઝળહળી ઊઠે છે.
થોડા દિવસો પહેલાં આવા જ એક અકસ્માતગ્રસ્ત ૮૧ વર્ષીય સદ્દગૃહસ્થને શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે દાખલ કરવામાં આવેલ જેને મગજની ખુબ ગંભીર ઈજા થયેલ. સારવારના તમામ શક્ય પ્રયાસો પછી, સુધારાનો કોઈ જ અવકાશ ન જણાતાં, દર્દીના પત્ની તથા સમગ્ર કુટુંબને અંગદાન વિશે હોસ્પિટલમાંથી સમજાવવામાં આવેલ જે બાબતે સમગ્ર કુટુંબ સહમત થઈ જતાં, અમદાવાદ IKD હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમે શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદમાં આવીને દર્દીના શરીરમાંથી લીવર તથા બે કિડનીનું અનુદાન સ્વીકારી, આ અવયવો લઈને, જરૂરિયાતમંદ દર્દીઓના શરીરમાં પ્રત્યારોપણ કરવા અમદાવાદ રવાના થયા હતા અને અમદાવાદ ખાતે બે કિડનીનું એક દર્દીમાં અને લીવરનું બીજા દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ થઈ ગયું છે. દિવંગત દર્દીના પાર્થિવ દેહને સંપૂર્ણ સન્માન સાથે તેમના કુટુંબને સોંપવામાં આવેલ.
પોતાના જીવન દરમ્યાન સત્કર્મો કરીને, મૃત્યુના સમયે પણ અનેક જીંદગીઓને ઉજાળનાર આવા વિરલ મનુષ્યોનો સમાજ હમેશાં ઋણી રહેશે. તેમનો અંતિમકાળ સમાજની દરેક વ્યક્તિઓને દિશાસૂચક અને પ્રેરણાદાયક બનશે જેને તેઓ અનુસરી શકે છે.