IMG-20220929-WA0034

ગણતરીની સેકન્ડમાં દૂધની અંદરની આઠ પ્રકારની ભેળસેળને પકડી શકાશે.

સંશોધન

ગણતરીની સેકન્ડમાં દૂધની અંદરની આઠ પ્રકારની ભેળસેળને પકડી શકાશે.

કામધેનુ યુનિવર્સિટી, અમરેલીની ટીમ દ્વારા દૂધમાં ભેળસેળ ચકાસણી કરવા માટેની નેનો ટેકનોલોજી આધારિત ડીપ સ્ટીકનું સંશોધન

આણંદ ખાતે નેનો ટેકનોલોજી આધારિત ડીપ સ્ટિક હંસ પટ્ટીકાનું નિદર્શન યોજાયું

આણંદ,

કામધેનુ યુનિવર્સિટીની પ્રથમ અંગભભૂત કોલેજ, કોલેજ ઓફ ડેરી સાયન્સ, અમરેલી દ્વારા ડીપ સ્ટિક વિકસિત કરવામાં આવી છે જેની મદદથી દૂધની અંદર ભેળસેળ કરવામાં આવી છે કે કેમ તેની જાણકારી મેળવી શકાય છે. નેનો ટેકનોલોજી દ્વારા આધારિત આ ડિવાઇસની મદદથી ગણતરીની સેકન્ડમાં દૂધની અંદરની આઠ પ્રકારની ભેળસેળને પકડી શકાશે.

આણંદ ખાતે આજે કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને પશુપાલન રાજ્ય મંત્રીશ્રી દેવાભાઈ માલમ કામધેનુ યુનિવર્સિટીના રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત વિવિધલક્ષી પશુચિકિત્સાલયનું ભૂમિ પૂજન કરવા આવ્યા હતા ત્યારે દૂધમાં ભેળસેળ ચકાસણી કરવા માટેની નેનો ટેકનોલોજી આધારિત ડીપ સ્ટિક હંસ પટ્ટીકાનું નિદર્શન પણ મંત્રીશ્રીએ નિહાળ્યું હતું.
મંત્રી શ્રી એ આ અંગે જાણકારી મેળવી હતી, મંત્રીશ્રીને જાણકારી આપતા કામધેનુ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી એ જણાવ્યું કે દૂધમાં ૨૦ થી વધારે પ્રકારની ભેળસેળ થઈ શકે છે. સ્ટાર્ચ, યુરિયા, ડિટર્જન્ટ, બોરીક એસિડ, હાઈડ્રોજન પ્રોક્સાઈડ, એમોનિયા સલ્ફેટ વગેરે. દૂધમાં પાવડરની મદદથી સિન્થેટિક દૂર તૈયાર કરવામાં આવે છે અથવા તો સામાન્ય દૂધમાં યુરિયા, બોરિક એસિડ, સ્ટાર્ચ વગેરે ઉમેરવામાં આવે છે પરંતુ આવા પદાર્થો દૂધમાં ભેળસેળ કરવામાં આવતા માનવીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ તરફથી કૃતજ્ઞ હેકેથોન ૨.૦ સ્પર્ધાનું રાષ્ટ્રીય સ્તર પર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧૯૭૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાંથી આ સંશોધનને સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મળ્યો હતો. સ્પર્ધાનું પરિણામ ૧૩ મી એપ્રિલ ૨૦૨૨ ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર, ડેરી પશુપાલન અને ફીસરીઝ કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા તથા આઈ. સી. એ. આર. ના ડાયરેક્ટર જનરલના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમ કામધેનુ યુનિવર્સિટીના અધિકારી દ્વારા જણાવાયું છે.
પેટન્ટ ઓફિસ ઓફ ઇન્ડિયા દ્વારા આ સંશોધનની પેટન્ટને માન્યતા આપવામાં આવેલ છે તેમ જણાવતા કોલેજ દ્વારા આ ટેકનોલોજીને કોમર્શિયલ પ્રોડક્શન થઈ શકે તે માટેની કાર્યવાહી પણ ચાલુ છે તેમ જણાવી હવે ગામડાઓમાંથી દૂધ એકત્રી કરતા હોય ત્યારે અથવા તો શહેરી વિસ્તારમાં લોકો દૂધવાળા પાસેથી દૂધ લેતા હોય ત્યારે આ ડીપ સ્ટિકની મદદથી ઝડપથી જાણી શકાશે કે દૂધમાં ભેળસેળ થઈ શકે નહીં.
હાલમાં લેબોરેટરીમાં જઈને દૂધની શુદ્ધતાની ચકાસણી કરી શકાય છે પરંતુ આ પ્રક્રિયા ઘણી લાંબી અને ખર્ચાળ છે તેમજ તેમાં નિષ્ણાતના માર્ગદર્શનની જરૂરી હોય છે. આ ડીપ સ્ટિકની ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ સરળ છે, તાત્કાલિક પરિણામ પણ મળી જાય છે અને ખર્ચ પણ ઓછો આવે છે.
કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને પશુપાલન રાજ્ય મંત્રી શ્રી દેવાભાઈ માલમે આ સંશોધન માટે કોલેજ ઓફ ડેરી સાયન્સ, કામધેનું યુનિવર્સિટી, અમરેલીને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સ્વપ્નને તમે ચરિતાર્થ કરવા જઈ રહ્યા છો.  આ પ્રકારનું સંશોધન કરીને કામધેનુ યુનિવર્સિટીની ટીમે ગુજરાતનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે.  યુનિવર્સિટીની સમગ્ર ટીમને મંત્રી શ્રી અને મહાનુભાવોએ અભિનંદન પાઠવ્યા હતા.
આ નિદર્શનમાં મંત્રીશ્રીની સાથે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.બી.કથીરિયા, યુનિવર્સિટીના ડિન ડો. પી.એચ.ટાંક, ડો. સી.કે.ટીંબડીયા, ડો. ડી.બી.પાઠક, ડો. એમ.કે.ઝાલા, કામધેનુ યુનિવર્સિટી અને આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ જોડાયા હતા.
*****