શિક્ષણ મનુષ્યના જીવનને નવી દિશા આપે છે - પ્રાથમિક શિક્ષણ નિયામક એમ. આઈ. જોષી
શિક્ષણ મનુષ્યના જીવનને નવી દિશા આપે છે - પ્રાથમિક શિક્ષણ નિયામક એમ. આઈ. જોષી
આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો શુભારંભ
પેટલાદ તાલુકાની વિરોલ (સી.), ફાંગણી અને દંતાલી પ્રાથમિક શાળામાં જઈને આંગણવાડી, બાલવાટિકા અને શાળામાં બાળકોનું નામાંકન કરાવતા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી
આણંદ,
સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવ - કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ થયો છે. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી એમ. આઈ. જોષીએ તાલુકાની વિરોલ (સી.), ફાંગણી અને દંતાલી પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ્સ આપી આંગણવાડી, બાલવાટિકા અને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી જોષીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ મનુષ્યના જીવનને નવી દિશા આપે છે. તેથી જ ગુજરાત સરકારે શિક્ષણને પ્રાધાન્ય આપીને રાજયમાં શિક્ષણ ક્ષેત્રે આમુલ પરિવર્તન આવે, શૈક્ષણિક સ્તરમાં સુધારો થાય અને ડ્રોપઆઉટ રેટ ઘટે તેવા બહુહેતુક ઉદ્દેશ સાથે ગુજરાતમાં ૨૦૦૨-૦૩ થી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હાથ ધર્યો છે. સાતત્યપૂર્ણ રીતે કામ કરવામાં આવે તો તેના સારા પરિણામો મળે જ છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ થકી આપણને જોવા મળ્યું છે. શાળા પ્રવેશોત્સવના કારણે ગુજરાતમાં ડ્રોપ રેટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે આ વર્ષથી દરેક શાળામાં બાલવાટિકાની શરૂઆત કરવામાં આવી છે, તેમ જણાવતા વધુમાં ઉમેર્યું હતું કે, કોઈ પણ બાળકને તેના જન્મના પાંચ વર્ષ સુધીની ઉંમરમાં આપેલા સંસ્કાર તેના જીવનમાં આજીવન રહે છે. તેને ધ્યાને લઈને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ૩ થી ૫ વર્ષના બાળકોમાં આંગણવાડીના માધ્યમથી સુ-સંસ્કારોનું સિંચન થાય તથા પાંચ વર્ષથી વધુ અને છ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાલવાટિકામાં યોગ્ય શિક્ષણ - સંસ્કાર મળી રહે તે માટેની હિમાયત કરવામાં આવી છે.
શિક્ષણ નિયામકશ્રીએ ઉપસ્થિત વાલીઓને તેમના બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત બની શાળાના શિક્ષકો સાથે બાળકના શૈક્ષણિક વિકાસ સંદર્ભે સમયાંતરે વાર્તાલાપ કરીને તે વધુ સારું જ્ઞાન મેળવી આગળ વધે તે માટે કાર્ય કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, શાળા સાથે જો સમાજનો અનુબંધ બંધાય તો જ શાળાની સાથે તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થઈ શકે છે.
શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી એમ. આઇ. જોષીએ પેટલાદ તાલુકાની વિરોલ (સી.), ફાંગણી અને દંતાલી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ આંગણવાડી, બાલવાટિકા અને શાળામાં પ્રવેશપાત્ર બાળકોને કુમકુમ તિલક કરી, પાટી-પેન તેમજ શૈક્ષણિક કીટ્સ આપી આંગણવાડી, બાલવાટિકા અને શાળામાં તેમનું નામાંકન કરાવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિને વિરોલ (સી.) શાળા ખાતે ૨૫ બાળકોને આંગણવાડીમાં, ૩૬ બાળકોને બાલવાટિકામાં અને ૧ બાળકને ધોરણ - ૧ માં પ્રવેશ અપાયો હતો, તેવી જ રીતે ફાંગણી પ્રાથમિક શાળા ખાતે ૫ બાળકોને આંગણવાડીમાં, ૩૦ બાળકોને બાલવાટિકામાં અને ૧ બાળકને ધોરણ - ૧ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે દંતાલી પ્રાથમિક શાળા ખાતે ૧૬ બાળકોને આંગણવાડીમાં, ૨૪ બાળકોને બાલવાટિકામાં અને ૨ બાળકોને ધોરણ - ૧ માં પ્રવેશ અપાયો હતો.
આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ તથા તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓને સન્માનમાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે વાર્તાલાપ કરી શાળામાં અપાતા શિક્ષણ બાબતે વિશદ ચર્ચા - વિચારણા કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિ, પેટલાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.સી-સી.આ.સી કોર્ડીનેટર, સંબંધિત શાળાના આચાર્ય-શિક્ષકો, એસ.એમ.સીના અધ્યક્ષ-સભ્યો, દાતાશ્રીઓ સહિતના મહાનુભાવો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****