074a8b0f-df38-4a1c-9426-5a1eed68cf1f_1667728359567

આણંદ જિલ્લામાં ચૂંટણી દરમિયાન ૮૮૭ લાયસન્સવાળા હથિયારો જમા લેવાયા, ૪ લાયસન્સ કેન્સલ કરાયા

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨

આણંદ જિલ્લામાં ચૂંટણી દરમિયાન ૮૮૭ લાયસન્સવાળા હથિયારો જમા લેવાયા, લાયસન્સ કેન્સલ કરાયા 

આણંદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં શાંતિપૂર્ણ યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે પોલીસ વિભાગની સઘન કામગીરી

આણંદ, 
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી મૂકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને મતદારો કોઈપણ જાતના ભય વિના નિર્ભય બની મતદાન કરી શકે તે માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ડી. એસ. ગઢવી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવિણકુમારના માર્ગદર્શન નીચે જિલ્લાના ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારી - કર્મચારીશ્રીઓ તેમજ પોલીસ વિભાગના અધિકારી - કર્મચારીઓ તેમજ હોમગાર્ડસના જવાનો દિવસ રાત નિષ્ઠાથી ફરજ બજાવી રહયાં છે. 

વિધાનસભાની આ સામાન્ય ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય અને કાયદો વ્યવસ્થા જળવાય તથા કોઈપણ પ્રકારનો અનિચ્છનિય બનાવ બનવા ન પામે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સૂચનાથી આણંદ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ઘરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લાના હથિયાર પરવાનો ધરાવતા હથિયાર પરવાનેદારોના ૮૮૭ લાયસન્સવાળા હથિયારો જમા લેવામાં આવ્યા છે.

જિલ્લાભરના હથિયાર પરવાનેદારોના જમા લેવાના થતાં ૧૨૯૨ હથિયારો પૈકી ૨૮૭ હથિયારો અગાઉથી પોલીસ સ્ટેશનમાં જમા હતા, જયારે ૧૦૨ હથિયારો બેંક, સીકયુરીટી/સંસ્થાઓના હોય જેને જમા લઈ શકાય નહી જેને ધ્યાને લઈ સમગ્ર આણંદ જિલ્લાના ૯૦૩ હથિયારો જમા લેવાના થતાં હતા. જેમાંથી આજદિન સુધીમાં ૮૮૭ હથિયારો જમા લેવામાં આવ્યા છે. જયારે ૪ લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યા છે. 

ક્યાં કેટલા હથિયાર જમા લેવાયા

આણંદ જિલ્લામાં જમા થયેલ આ ૮૮૭ હથિયારોમાં આણંદ શહેરના ૨૦૫, આણંદ ગ્રામ્યના ૪૫, વિદ્યાનગરના ૧૦૦, વાસદના ૧૦, ખંભોળજના ૫૨, ઉમરેઠના ૧૭, ભાલેજના ૧૦, પેટલાદ શહેરના ૧૪, પેટલાદ ગ્રામ્યના ૨૨, બોરસદ શહેરના ૩૦, બોરસદ ગ્રામ્યના ૨૨, મહેળાવના ૨૭, ભાદરણના ૧૧, આંકલાવના ૧૭, ખંભાત સીટીના ૭૧, ખંભાત ગ્રામ્યના ૬૫, વિરસદના ૭, સોજીત્રાના ૧૧ અને તારાપુરના ૧૫૧ લાયસન્સવાળા હથિયાર જમા લેવામાં આવ્યા છે. 
*****