IMG-20231130-WA0044

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની જાપાનમાં નિચિકોન કોર્પોરેશનના પ્રતિનિધિઓ સાથે બેઠક

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની  જાપાનમાં નિચિકોન કોર્પોરેશનના પ્રતિનિધિઓ સાથે બેઠક

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને ગુજરાત ગ્રીન ગ્રોથની દિશામાં અગ્રેસર છેઃ મુખ્યમંત્રીશ્રી

આણંદ ટુડે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના ચોથા દિવસે જાપાનના અગ્રણી ઊદ્યોગગૃહ નિચિકોન કોર્પોરેશનના પ્રતિનિધિઓ સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં કંપનીના પ્રતિનિધિઓએ ભારતમાં કાર્યરત કંપનીના પ્રોજેક્ટ્સ વિશે માહિતી શેર કરી હતી. ઈલેક્ટ્રિક વાહનો અને એનર્જી સ્ટોરેજ ઈન્ડસ્ટ્રીમાં કંપનીના પ્રોડ્કટ્સ વિશે પણ તેમણે મુખ્યમંત્રીશ્રીને વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત ઈ.વી. મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકાસ કરી રહ્યું છે. ઈ.વી. સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતે ઈ.વી. પોલિસી પણ અમલમાં મૂકેલી છે. ગ્રીન મોબિલિટીને વેગ આપવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિચારને સાકાર કરી ગુજરાતમાં ઈ-વ્હિકલને વધુ પ્રેરિત કરવામાં આ પોલિસી ઉપયુક્ત બની છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

શ્રી ભૂપેન્દ્ર પટેલે કંપનીના પ્રતિનિધિઓને ગુજરાતમાં રહેલી અપાર તકોનો અને ભારતભરમાં ઊભરી રહેલા ઈ.વી. માર્કેટનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત અને ગુજરાત ગ્રીન ગ્રોથની દિશામાં અગ્રેસર છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ કંપનીના પ્રતિનિધિઓને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં સહભાગી થવા માટે આમંત્રણ પણ આપ્યું હતું.

આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવશ્રી રાજકુમાર તથા ગુજરાત ડેલિગેશનના અન્ય સભ્યો પણ જોડાયા હતા.
***