ચારૂતર આરોગ્ય મંડળ કરમસદ દ્વારા ચરોતરના પાટીદારોની ગૌરવગાથા પુસ્તકનું વિમોચન
ચારૂતર આરોગ્ય મંડળ કરમસદ દ્વારા "ચરોતરના પાટીદારોની ગૌરવગાથા " પુસ્તકનું વિમોચન
આ પુસ્તકના વિમોચનનો હેતુ આજની પેઢીને પાંચ ગામ, છ ગામ અને સત્તાવીસ ગામના પાટીદારોના ઈતિહાસ વિશેની જાણકારી પ્રાપ્ત કરવાનો છે.
આ પુસ્તકની આવકમાંથી ફંડ એકત્રિત કરીને ચારૂતર આરોગ્ય મંડળ હેઠળ કાર્યરત આરોગ્ય અને શિક્ષણની સંસ્થાઓમાં ખર્ચ પેઠે ઉપયોગ કરવાનો છે.
આ પુસ્તક થકી અત્યાર સુધીમાં એક કરોડ જેટલું દાન પ્રાપ્ત થયું છે. દેશ-વિદેશમાં વસતા પાટીદારો સુધી આ પુસ્તક પહોંચાડવામાં આવશે.
આણંદ ટુડે I આણંદ
ચારૂતર આરોગ્ય મંડળ, કરમસદ ખાતે “ચરોતરના પાટીદારોની ગૌરવગાથા પુસ્તક”ના વિમોચનનો કાર્યક્રમ ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ શ્રી કૃષ્ણ હોસ્પિટલના ભીખાભાઈ ઑડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો. જેનું વિમોચન પ.પૂ. સંત ભગવંત સાહેબ, અનુપમ મિશન, મોગરી દ્વારા તથા મંચ પર ઉપસ્થિત મહાનુભાવો ચારૂતર આરોગ્ય મંડળના અધ્યક્ષ શ્રી અતુલ પટેલ, મંડળના ટ્રસ્ટી ડૉ. અમૃતા પટેલ, ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલ, શ્રી બારિન્દ્રભાઈ પટેલ (યુ.કે.), ચારુસેટના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નગીનભાઈ પટેલ, રિટાયર્ડ આઈ.એ.એસ. ઑફિસર અને લેખક શ્રી ભાગ્યેશ જહા અને ચિત્રકાર શ્રી કનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પુસ્તકના પ્રકાશનમાં લેખક શ્રી ભાગ્યેશ જહા અને ચિત્રકાર શ્રી કનુભાઈ પટેલનો મુખ્ય ફાળો રહેલો છે. ચરોતરના પાટીદારોની ગૌરવગાથા પુસ્તકમાં શ્રી જાગૃત ભટ્ટ (ચારુત લર આરોગ્ય મંડળના માનદ મંત્રી), શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (યુ.કે.), શ્રી બારિન્દ્રભાઈ પટેલ (યુ.કે.) શ્રી એન.સી. પટેલ (યુ.એસ. એ.), શ્રી યોગેન્દ્રભાઈ પટેલ (યુ.કે.), ડો. બારિન્દ્ર દેસાઈ (યુ.એસ.એ.), શ્રી પરેશ ઠાકર, શ્રી વિનોદભાઈ પટેલ (યુ.કે.), શ્રી કિરણ વી.સી. પટેલ (યુ.કે.), શ્રી કિરણભાઈ આઈ. પટેલ (કોમ્ફી), શ્રી ઉઘમ અમીન (યુ.કે.), શ્રી રવિ પટેલ (યુ.એસ.એ.), શ્રી નગીનભાઈ પટેલ (ચકલાસી), શ્રી વિષ્ણુભાઈ પટેલ (મહેળાવ), શ્રી પુષ્યંત એસ. પટેલ (યુ.કે.), શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી મફતભાઈ પટેલ અને શ્રી રીકેશભાઈ પટેલનું સૌજન્ય પ્રાપ્ત થયું છે.
શ્રી અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ પુસ્તકના વિમોચનનો હેતુ આજની પેઢીને પાંચ ગામ, છ ગામ અને સત્તાવીસ ગામના પાટીદારોના ઈતિહાસ વિશેની જાણકારી પ્રાપ્ત થાય તે છે. તથા પુસ્તકની આવકમાંથી ફંડ એકત્રિત કરીને ચારૂતર આરોગ્ય મંડળ હેઠળ કાર્યરત આરોગ્ય અને શિક્ષણની સંસ્થાઓમાં ખર્ચ પેઠે ઉપયોગ કરવાનો છે. ચારુતર આરોગ્ય મંડળ જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક અથવા નજીવા દરે આરોગ્યની સેવાઓ પ્રદાન કરે છે જેને લીધે દર વર્ષે કરોડોની ખાધ સંસ્થા ભોગવે છે. આ પુસ્તક થકી અત્યાર સુધીમાં એક કરોડ જેટલું દાન પ્રાપ્ત થયું છે. દેશ-વિદેશમાં વસતા પાટીદારો સુધી આ પુસ્તક પહોંચાડવામાં આવશે. આ પ્રોગ્રામનું સંચાલન શ્રી કનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી બારિન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે શાંતાબેન સૂર્યકાંતભાઈ દેસાઈ (વસો) ડાયગ્નોસ્ટિક સેન્ટરના લાભાર્થે અને પરમમિત્ર શ્રી વિરેન્દ્રભાઈ સી. પટેલના અધૂરા સ્વપ્રને સાકાર કરવા તેમના મિત્રો દ્વારા આ પુસ્તક તેમને અર્પણ કરવામાં આવ્યું છે. આજની પાટીદારની નવી પેઢી વૈભવમાં જન્મી છે. તેમના પૂર્વજોએ કેટલો સંઘર્ષ કર્યો છે તેનાથી તેઓ અજાણ છે. જેથી આ પુસ્તક તેમના માટે પ્રેરણાદાયક સાબિત થશે.
ડૉ. ભાગ્યેશ જહાએ જણાવ્યું કે, આ પુસ્તકમાં ચરોતરના ગામોના પાટીદારોના ઈતિહાસને વાર્તારૂપે રજૂ કરવામાં આવ્યો છે. જેમાં સપ્તપદીના સાત ફેરાની જેમ પાટીદારોની સાત મુખ્ય ભૂમિકાઓ જેવી કે પશુપાલન ક્ષેત્રે વિકાસ, શિક્ષણમાં યોગદાન, સહકારની ભાવના, આરોગ્યક્ષેત્રે યોગદાન, ટૅકનોલૉજી અને ઔદ્યોગિકરણમાં ફાળો, વિવિધ સંસ્થાઓની રચના દ્વારા પરોપકારી વૃત્તિમાં યોગદાન, ધાર્મિક સંસ્થાઓની રચના દ્વારા આધ્યાત્મિક સેવાના કેન્દ્રોની રચનામાં યોગદાન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પૂજ્ય શ્રી સાહેબ દાદાએ જણાવ્યું કે, ચરોતરના વિકાસમાં યોગદાન આપનાર સરદાર પટેલથી માંડીને ભાઈકાકા, ભીખાભાઈ, ઍચ. ઍમ. પટેલ જેવા દિગ્ગજોને ટાંકીને કેટલાક પ્રસંગોની વાત કરી હતી. તેઓએ જણાવ્યું કે, નવી પેઢી માટે આ પુસ્તક પ્રેરણા પૂરી પાડશે તથા આ પુસ્તકના વિમોચનનો હેતુ આરોગ્યલક્ષી
સેવાઓમાં ઉપયોગ કરવાનો છે.