SAVE_20240601_201228

બ્રિટનમાં 14 વર્ષ બાદ સત્તા પરિવર્તન,ઋષિ સુનકની કારમી હાર

આજની 10 મહત્વની ખબર

બ્રિટનમાં 14 વર્ષ બાદ સત્તા પરિવર્તન,ઋષિ સુનકની કારમી હાર

લેબર પાર્ટીએ 400 સીટના આંકડાને પાર કરીને શાનદાર બહુમતિ સાથે જીત નોંધાવી છે.પાર્ટીએ વધુમાં વધુ સીટો મેળવવાના ઘણા જૂના રેકોર્ડ તોડીને 400નો આંકડો પાર કર્યો છે. બ્રિટનના 650 સભ્યોના હાઉસ ઓફ કોમન્સમાં બહુમતી માટે 326 બેઠકો જરૂરી હોય છે. ત્યારે કીર સ્ટારમરના નેતૃત્વમાં લેબર પાર્ટીએ 410 સીટો જીતી છે. 2019ની ચૂંટણીની સરખામણીમાં પાર્ટીએ બમણી સીટો મેળવી છે. જ્યારે ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીની સીટોમાં 250 સીટોનો ઘટાડો થયો છે. આ ચૂંટણીમાં કન્ઝર્વેટિવ 119 સીટો સુધી સીમિત જણાય છે. આ પાર્ટીની સૌથી ખરાબ હાર છે. આ બે મુખ્ય પક્ષો સિવાય લિબરલ ડેમોક્રેટ્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું અને 71 બેઠકો જીતી.લેબર પાર્ટીના કીર સ્ટાર્મર બ્રિટનના નવા વડાપ્રધાન બનવાના છે.

બિહારમાં છેલ્લા 18 દિવસમાં ભ્રષ્ટાચાર ના ભારથી 12 પુલ ધરાશાયી થયા

છેલ્લા કેટલાક દિવસોમાં બિહારમાંથી એક સમાચાર વારંવાર આવી રહ્યા છે અને તે છે પુલ તૂટી પડવાના સમાચાર. વાસ્તવમાં બિહારમાં છેલ્લા 18 દિવસમાં 12 પુલ ધરાશાયી થયા છે. આ વર્ષે, બિહારમાં પુલ તૂટી પડવાની શ્રેણી 18 જૂનથી શરૂ થઈ હતી, જ્યારે અરરિયા જિલ્લાના સિક્તી બ્લોકમાં પ્રથમ પુલ તૂટી પડ્યો હતો. આ પછી, પુલ તૂટી પડવાની શ્રેણી શરૂ થઈ અને એક પખવાડિયામાં 10 જેટલા પુલ ધરાશાયી થયા.

સમુદ્રમાં બોટ પલ્ટી 89 લોકોના મોત,70થી વધુ લોકો ગુમ

આફ્રિકન દેશ મોરિટાનિયામાં એક ભયાનક અકસ્માત થયો છે. એટલાન્ટિક મહાસાગરમાં પ્રવાસી માછીમારોથી ભરેલી બોટ પલટી ગઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 89 લોકોના મોત થયા છે. નૌકાદળના કર્મચારીઓએ તમામ 89 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.5 વર્ષની બાળકી સહિત નવ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા.બચાવાયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 70થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે, જેમના માટે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી

આસામમાં પૂરથી 21 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા 

આસામના 29 જિલ્લાઓમાં કુલ 21,13,204 લોકો પૂરથી પ્રભાવિત છે, જ્યારે 57,018 હેક્ટર ખેતીની જમીન ડૂબી ગઈ છે. રિપોર્ટ અનુસાર, સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં ધુબરીનો સમાવેશ થાય છે, જ્યાં 6,48,806 લોકો પ્રભાવિત થયા છે. જ્યારે દારાંગમાં 1,90,261 લોકો, કચરમાં 1,45,926, બારપેટામાં 1,31,041 અને ગોલાઘાટમાં 1,08,594 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. હાલમાં 39,338 અસરગ્રસ્ત લોકો 698 રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે. વિવિધ એજન્સીઓએ બોટનો ઉપયોગ કરીને એક હજારથી વધુ લોકો અને 635 પ્રાણીઓને સલામત સ્થળે ખસેડ્યા છે.

અંબાજી મંદિરમાં અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો
 
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં તારીખ 07 જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આરતી સવારે - 7.30 થી 8.00
દર્શન સવારે - 8.00 થી 11,30
બપોરે આરતી બંધ કરવામાં આવી છે
બપોરે દર્શન - 12.30 થી 16.30
સાંજે આરતી -19.00 થી 19.30
દર્શન સાજે - 19.30 થી રાત્રી ના 21.00 સુધી મંદિર ખુલ્લુ રહેશે

પત્નીની આત્મહત્યા બાદ પતિએ પુત્રની હત્યા કરીને ટ્રેન નીચે મોતની છલાંગ લગાવી

ભરૂચ શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. આડા સબંધના વહેમના કારણે એક પરિવાર વિખેરાય ગયો છે.આ ઘટનામાં પત્ની અને પુત્રનો ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે પતિનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો છે.પોલીસ ફરિયાદ અનુસાર,મૂળ રાજકોટના વતની ભરૂૂચ રેલવેમાં સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની તૃપલે રેલવે કોલોની સ્થિત કવાટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.ત્યાર બાદ જતીને તેના 10 વર્ષીય પુત્ર વિહાંગનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા બાદ ઘરને બહારથી તાળુ મારી પોતે ભરૂૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.

રાહુલ ગાંધી આવતીકાલ ગુજરાતની મુલાકાતે આવશે.

આવતીકાલે 6 જુલાઈએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ પાલડી ખાતે રાજીવ ગાંધી ભવન ખાતે આવશે. રાજીવ ગાંધી ભવન ખાતે તેઓ  કાર્યકરોને મળશે. પથ્થરમારા મામલે કોંગ્રેસના જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે, તેમને પણ મળવા જશે. રાહુલ ગાંધી જગન્નાથ મંદિર પણ જશે, જ્યાં રથનું કોંગ્રેસ દ્વારા દર વર્ષે પૂજન કરવામાં આવે છે, તેમાં ભાગ લેશે.

NEET PGની નવી પરીક્ષાની તારીખ જાહેર

મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBEMS) એ NEET PGની નવી પરીક્ષા તારીખની નોટિસ બહાર પાડી છે. આ પરીક્ષા હવે 11 ઓગસ્ટ 2024ના રોજ લેવામાં આવશે. પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે. SOP અને પ્રોટોકોલની સમીક્ષા કર્યા પછી, NEET PGની નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે.બે શિફ્ટમાં લેવાનારી NEET PG પરીક્ષા સંબંધિત વધુ માહિતી ટૂંક સમયમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર આપવામાં આવશે.

વડોદરાની સયાજી હોસ્પિટલની પી. જી. હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો

વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવેલ પી. જી. હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવને લઈ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. હાલમાં વિદ્યાર્થીના આપઘાત પાછળ કારણ અકબંધ છે.પોલીસની પ્રાથમિક વીગતો અનુસાર, વિદ્યાર્થી ચેન્નાઈનો રહેવાસી છે અને તેનું નામ ડો. સહાય ઝરીન (28 વર્ષ) હોવાનું સામે આવ્યું છે. આ બનાવ સાડા અગ્યાર વાગ્યે બનતા પોલીસ કંટ્રોલ નંબર પર વર્દી મળી હતી. તે એનેસ્થેસિયાનો એમ. ડી. વિદ્યાર્થી હતો. પોલીસે આ મામલે પોતાની ટીમે આધારે તપાસ કરી રહી છે.

વડોદરામાં રથયાત્રાના રૂટ પર પોલીસ રિહર્સલ યોજાયું

વડોદરામાં રથયાત્રાના રૂટ પર શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં રિહર્સલ યોજાયું છે. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ જોડાયા છે. પોલીસનો કાફલો રૂટ પર ફર્યો છે. અને સુરક્ષાના બંદોબસ્તનું બારીકાઇ પૂર્વક નિરીક્ષણ કર્યું છે. મોટી સંખ્યામાં પોલીસના કાફલાને જોતા લોકોમાં ઉસ્તુકતા જાગી હતી. પોલીસ કમિશનરે જણાવ્યું કે , કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી રૂટ પરના સીસીટીવી , બોડી વોર્ન કેમેરા તથા ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે.