IMG-20221103-WA0099

ભાઇકાકા યુનિવર્સિટી , કરમસદ દ્વારા મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને હૃદયાંજલિ અર્પણ

ભાઇકાકા યુનિવર્સિટી , કરમસદ દ્વારા મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને હૃદયાંજલિ અર્પણ 

દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા શોક સભા યોજવામાં આવી 

આણંદ
મોરબીમાં તાજેતરમાં બનેલી કેબલ બ્રિજ દુર્ઘટના ખુબ જ દુઃખદાયક છે . આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં તા .૦૨ નવેમ્બરના રોજ રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે . ભાઇકાકા યુનિવર્સિટીના એન.એસ.એસ. યુનિટ અંતર્ગત પ્રમુખસ્વામી મેડીકલ કૉલેજના લેક્ચર હૉલ -૨ ખાતે બપોરે ૩ કલાકે દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા શોક સભા યોજવામાં આવી હતી . જેમાં યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ.હરીશ દેસાઇ , યુનિવર્સિટી સંલગ્ન તમામ કૉલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા . ડૉ.દેસાઇએ જણાવ્યું હતુ કે , મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ૧૩૪ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ૫૦ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે . વાસ્તવમાં આ દુર્ઘટના ખુબ જ ગંભીર અને દુઃખદ છે . દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગત આત્માઓને સમગ્ર ભાઇકાકા યુનિવર્સિટી પરિવાર વતી પ્રાર્થના પૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે . તેમજ આ સર્વ શોકગ્રસ્ત પરિવારના સભ્યોને પરમકૃપાળુ પરમાત્મા આ આકસ્મિક આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ અને બળ આપે . ઇજાગ્રસ્ત લોકો જલ્દીથી સાજા થઇ જાય તેવી સભામાં ઉપસ્થિત સર્વએ પ્રભુને પ્રાર્થના કરી હતી . એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઑફીસર અને કૉમ્યુનિટી મેડીસીન વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ.ઉત્કર્ષ શાહે શોકસભામાં ઉપસ્થિત તમામને ૧ મિનિટનું મૌન પાડવા વિનંતી કરતા સર્વેએ ઉભા થઇ મૌન પાડીને હૃદયાંજલિ સમર્પિત કરી હતી .