સોલાર પેનલ લગાવી વીજ ઉત્પાદક બન્યા
સોલાર પેનલ લગાવી વીજ ઉત્પાદક બન્યા
સોલર પેનલ લગાવવાથી વીજળીનું બિલ આવતું જ નથી- નીતિનભાઈ પટેલ, અજયભાઈ પટેલ, વિજયભાઈ કાછિયા પટેલ, કિરણભાઈ શાહ (તપસ્વી બંગ્લોઝ, જીટોડીયા રોડ,આણંદ)
આણંદ જિલ્લો પણ સોલર પેનલ થકી વીજળી મેળવવામાં અગ્રેસર છે.
આણંદ
5મી જૂનના રોજ વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વાત કરવી છે સોલર રૂફટોપ સિસ્ટમની...
ગુજરાત રાજ્ય સોલર પેનલના ઉપયોગથી વીજ ઉત્પાદન કરવામાં અગ્રતા ધરાવતું રાજ્ય છે, ત્યારે આણંદ જિલ્લો પણ સોલર પેનલ થકી વીજળી મેળવવામાં અગ્રેસર છે.
સોલર પેનલ લગાવીને લાભ મેળવતા આણંદ ખાતેની જીટોડિયા રોડ ઉપર આવેલી તપસ્વી બંગલો સોસાયટીના રહીશો શ્રી નીતિનભાઈ હરમાનભાઈ પટેલ, શ્રી અજયભાઈ પટેલ, કિરણભાઈ શાહ અને શ્રી વિજયભાઈ કાછિયા પટેલ પર્યાવરણનું જતન તો કરે જ છે સાથો સાથ વીજ બિલમાંથી પણ તેમને રાહત મળી છે. તેઓ જણાવે છે કે સોલર પેનલ લગાવવાથી વીજળીનું બિલ ઝીરો આવે છે. સુર્ય ગુજરાત યોજના થકી તેઓને હવે દર મહિને લાઈટ બિલ આવતું હતું તે ઝીરો થયું છે અને ઉનાળાના દિવસોમાં તો વીજ ઉત્પાદક બની એમજીવીસીએલને વીજળી વેચી રહ્યા છે.
પર્યાવરણ અને પ્રકૃત્તિને સારી રીતે સમજતા આણંદ ના આ નાગરિકોએ પોતાના ઘર ઉપર સોલાર પેનલ્સ લગાવી પર્યાવરણના સંરક્ષણમાં પોતાનો મહામૂલો ફાળો આપ્યો છે.
સમગ્ર ભારતમાં પ્રસ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા ધરાવતા ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાતે દ્વિતીય ક્રમ હાંસિલ કર્યો છે.
સોલાર રૂફટોપના અનેકવિધ ફાયદાઓના કારણે આજે તે ગામડા તથા શહેરના લોકો માટે પસંદગીનું ઊર્જા ઉત્પાદન સાધન બની ગયુ છે. ગ્રાહક દ્વારા વીજળી બિલમાં બચતની સાથે સોલર પેનલમાં ઉપલબ્ધ ખાલી છતની જગ્યાનો ઉપયોગ થતો હોવાથી વધારાની જગ્યાની જરૂર રહેતી નથી.
ઉલ્લેખનીય છે કે રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘સૂર્ય-ગુજરાત યોજના’ની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનામાં વીજ ગ્રાહક પોતાના ઘરની છત ઉપર ૧ કિલોવૉટ કે તેથી વધુ કોઈપણ ક્ષમતાની સોલાર સિસ્ટમ સ્થાપિત કરી શકે છે. તેના માટે તેના કરારીય વિજભાર(સેંક્શન લૉડ)ની મર્યાદા લાગુ પડશે નહીં. જોકે સબસિડી વધુમાં વધુ ૧૦ કિલોવૉટની ક્ષમતા સુધી મર્યાદિત રહેશે.
આ યોજના અંતર્ગત રહેણાંક ક્ષેત્રમાં રૂફટોપ સોલાર સિસ્ટમના મોટાપાયે પ્રોત્સાહન આપવા માટે, સ્થાપિત અને કાર્યાન્વિત થયેલ સોલાર રૂફટોપ સિસ્ટમ માટે રાજ્ય સરકારે સબસિડી આપવાનું નક્કી કર્યું છે. જેમાં ૩ કિલોવૉટ સુધી નિયત કરેલ કિંમતના ૪૦ ટકા સબસિડી તથા ૩ કિલોવૉટથી વધુ અને ૧૦ કિલોવૉટ સુધી ૨૦ ટકા સબસિડી આપવામાં આવે છે. અગાઉ કાર્યાન્વિત કરેલ સોલાર સિસ્ટમની ક્ષમતા ૧૦ કિલોવૉટ કરતા ઓછી હોય તો, અગાઉ કાર્યાન્વિત કરેલ સોલાર સિસ્ટમની ક્ષમતામાં વધારો કર્યા સાથેની સોલાર સિસ્ટમની કુલ ક્ષમતા ૩ કિલોવૉટ સુધી હોય તો માત્ર વધારેલી સોલાર ક્ષમતા પર ૪૦ ટકા સબસિડી મળવાપાત્ર છે અને જો વધારો કર્યા સાથેની સોલાર સિસ્ટમની કુલ ક્ષમતા ૩ કિલોવૉટથી વધુ અને ૧૦ કિલોવૉટ કે તેથી ઓછી હોય તો માત્ર વધારેલ સોલાર ક્ષમતા પર ૨૦ ટકા સબસિડી મળવા પાત્ર છે.
એક મુલાકાતમાં જીટોડીયા રોડ ખાતે તપસ્વી બંગ્લોઝમાં રહેતા નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે મેં મારા દીકરા માટે બીજું મકાન બાકરોલ વડતાલ રોડ ઉપર ની સોસાયટીમાં ખરીદ કર્યું છે તેમાં પણ મેં અત્યારથી જ સોલાર સિસ્ટમ લગાવી દીધી છે. મને તો એવું લાગે છે કે હું આ સોલર સિસ્ટમ લગાવવામાં ઘણો મોડો પડ્યો છું. હું તો મારા પડોશીઓ કુટુંબીજનો મિત્રોને પણ જણાવું છું કે તમને લોકો પણ વહેલામાં વહેલી તકે સોલર સિસ્ટમ લગાવી દો અને પર્યાવરણનું રક્ષણ કરવું તથા લાઈટ બિલ માં રાહત મળશે ઉપરથી તમારી પાસે વધુ રહેતી વીજળી તમે એમજીવીસીએલને વેચીને તમે તેમાંથી પણ આવક મેળવી શકો છો આમ સોલર સિસ્ટમ લગાવવું બધાના માટે ફાયદાકારક છે તેવી ખુશી વ્યક્ત કરી હતી.
આવી જ રીતે અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે જીટોડીયા રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં ૭૦૦ કરતા વધારે નાગરિકોએ પોતાની ફરજ અદા કરીને પોતાના ધાબા ઉપર સોલાર સિસ્ટમ લગાવી છે જેના કારણે મને પણ સોલર સિસ્ટમ લગાવવાની ઈચ્છા થઈ અને અત્યારે મને ફાયદો જ ફાયદો છે.
વિજયભાઈ કાછિયા પટેલે અને કિરણભાઈ શાહે પણ સરકારની સિસ્ટમ અંતર્ગત મળતી સબસીડી નો પણ લાભ મેળવીને હાલ ગરમીમાં જ્યારે ઘરમાં એક કરતાં વધારે એર કન્ડિશન ચલાવવામાં આવે છે ત્યારે વીજબીલમાં ઘણી જ રાહત રહે છે મતલબ કે વીજ બીલ ભરવાનું જ આવતું નથી ઉપરથી દર મહિને જમા વીજળી બિલ માં આવે છે તેમ જણાવ્યું હતું.
તો આવો, આપણે સૌ પર્યાવરણને બચાવવા માટે અને સરકારની સોલર સિસ્ટમ યોજના નો લાભ મેળવી આપણે પણ આપણું યોગદાન આપીએ...
******