SAVE_20240528_201414

આણંદ બેઠક પર ભાજપના મિતેશ પટેલનો ભવ્ય વિજય, ખેડા- દેવુસિંહ ચૌહાણે જીતની હેટ્રિક ફટકારી

આજની 10 મહત્વની ખબર

આણંદ બેઠક પર ભાજપના મિતેશ પટેલનો ભવ્ય વિજય, ખેડા- દેવુસિંહ ચૌહાણે જીતની હેટ્રિક ફટકારી

આણંદની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલનો ભવ્ય વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસે અમિત ચાવડાનો  પરાજ્ય થયો છે. જ્યારે ભાજપના મિતેશ પટેલનો  89939 મત થી વિજય થયો છે.. મિતેશ પટેલને 6,12,484 મત મળ્યા છે.જ્યારે અમિત ચાવડાને 5,22,545 મત મળ્યા છે.બીજી વખત આણંદ બેઠક પર મિતેશ પટેલ નો વિજય થયો છે
ખેડા લોકસભા બેઠક પર ભાજપના દેવુસિંહ ચૌહાણે જીતની હેટ્રિક ફટકારી છે .તેમણે કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી ને 3,57,758 મતથી હરાવ્યા છે દેવુસિંહ ચૌહાણને 7,44,435 જ્યારે કાળુસિંહ ડાભીને 3,86,677 મત મળ્યા છે

વારાણસી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડ ઘટી,જીતની હેટ્રિક લગાવી

ભાજપના ઉમેદવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સૌથી હાઈપ્રોફાઈલ વારાણસી લોકસભા સીટ પરથી સતત ત્રીજી વખત જીત મેળવી છે. વડાપ્રધાન મોદીએ તેમના નજીકના હરીફ અજય રાયને 1,52,513 મતોથી હરાવ્યા હતા. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીએ વડાપ્રધાન મોદીની જીતનું માર્જિન ઘણું ઓછું હતું, ત્યારે તેમને 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં ઓછા મત મળ્યા હતા . 2019માં નરેન્દ્ર મોદીને 4.79 લાખના માર્જીનથી જીત થઇ હતી. આ વખતે 1.51 લાખના માર્જીનથી જ જીત મળી છે. આ વખતે પણ કોંગ્રેસના અજય રાય તેની સામેે ચૂંટણી જંગમાં ઉતર્યા હતા.

યુસુફ પઠાણે લોક્સભા ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો 

યુસુફ પઠાણ માત્ર ક્રિકેટની પીચ પર જ હિટ રહ્યો ન હતો પરંતુ હવે તેણે ધમાકેદાર રાજનીતિમાં પણ પ્રવેશ કર્યો છે. યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળની બહેરામપુર સીટ પરથી TMC એટલે કે તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો છે. આમાં તેમનો ઈતિહાસ એવા નેતાને નજીકની હરીફાઈમાં પરાજય આપવાનો હતો જે છેલ્લા 25 વર્ષમાં ક્યારેય હાર્યા ન હતા.યુસુફ પઠાણે રાજકીય મેદાનમાં પ્રવેશતાની સાથે જ અધીર રંજન ચૌધરીને હરાવ્યા છે.

ક્ષત્રિય નો વિરોધ છતા પરષોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પર વિજેતા બન્યા

ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવાના મામલે ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા રાજકોટની બેઠક થઈ હતી.જયાં ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલા નો ઉગ્ર વિરોધ કરાયો હોવા છતા રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ જીત મેળવી છે.તેમણે કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને 4,84,260 મતથી હરાવ્યા છે.

સેન્સેક્સમાં 6000 પોઇન્ટનો કડાકો

શેરબજારમાં પણ ભારે કડાકો જોવા મળી રહ્યો છે.. BSEનો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 4.40 ટકા ઘટ્યો છે. સેન્સેક્સમાં 6000 પોઇન્ટનો કડાકો થયો છે. NSEના 50 શેરો વાળા ઈન્ડેક્સ નિફ્ટી 1000થી વધુ પોઈન્ટ તૂટ્યા છે. ઉલ્લેખનીય છે કે, અદાણીના શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચૂંટણીના પરિણામોની અસર બજાર પર દેખાઈ રહી છે.

એનડીએની સત્તા આવવા છતાં બહુમતી ઘણી પાતળી

ભારતીય લોકશાહીના મહાપર્વ એવી લોકસભા ચૂંટણીમાં ભાજપ-એનડીએને જબરો ઝટકો લાગ્યો છે. સતત ત્રીજી ટર્મમાં એનડીએની સત્તા આવવા છતાં બહુમતી ઘણી પાતળી રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો.

JDU અને TDP બની શકે છે કિંગમેકર !

ભાજપ એનડીએના બળ પર સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. આ બધાની વચ્ચે એનડીએના બે સહયોગી એવા છે જે સરકાર બનાવવામાં કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.
TDPના વડા ચંદ્રબાબુ નાયડુ છે અને JDUના વડા નીતિશ કુમાર છે. જ્યાં બંને પક્ષોને લગભગ 28 બેઠકો મળતી જોવા મળી રહી છે. જો કે, I.N.D.I.A એલાયન્સ પણ આ બંને પક્ષોને આકર્ષીને એનડીએને ત્રીજી વખત સરકાર બનાવતા રોકવા માંગે છે. આવી સ્થિતિમાં બંને નેતાઓ રાષ્ટ્રીય રાજકારણની ડ્રાઇવિંગ સીટ પર આવી ગયા છે.આ વખતે એનડીએ 292 બેઠકો સાથે બહુમતી મેળવતું દેખાઈ રહ્યું છે, પરંતુ I.N.D.I.A ગઠબંધન પણ 234 બેઠકો સાથે બહુમતીથી દૂર નથી. આવી સ્થિતિમાં, એવું પણ શક્ય છે કે ભાજપ તેના સહયોગીઓ સાથે સરકાર બનાવી શકશે નહીં, જેડીયુ અને ટીડીપી ત્રીજી વખત ભાજપ પાસેથી સત્તાની લગામ છીનવી શકે છે. જો કે બંને પક્ષોએ હજુ સુધી આવું કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ વિપક્ષોએ તેમની સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.

ગુજરાતમા ભાજપ માટે સિંહ આલા પણ ગઢ ગેલા જેવો ઘાટ સર્જાયો

લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ માટે સિંહ આલા પણ ગઢ ગેલા જેવો ઘાટ સર્જાયો છે. ગુજરાતમાં ક્લીન સ્વીપ કરવા મથી રહેલા ભાજપનું સપનુ રગદોળાયું છે. 25 બેઠકો જીતવાનો આનંદ એટલો નથી, જેટલી એક બેઠક ગુમાવવાનો રંજ દેખાઈ રહ્યો છે. પરિણામ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખના ચહેરા પર બનાસકાંઠા બેઠક ગુમાવવાનો પસ્તાવો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.

ગુજરાતમાં ભાજપની હેટ્રિક પર કોંગ્રેસના ગેનીબેને મારી બ્રેક

ગુજરાતમાં ભાજપ સતત ત્રીજી વખત ક્લીન સ્વીપ નથી કરી શક્યું. 26માંથી ભાજપને 25 બેઠક તો મળી, પરંતુ એક બેઠક ભાજપ ન જીતી શક્યું. 8 જેટલી બેઠક પર કોંગ્રેસે લડત આપી, પરંતુ એક બેઠક જીતીને ઉદાહરણ પણ પુરુ પાડ્યું. ગુજરાતના ઈતિહાસમાં ભાજપને ઈતિહાસ રચતા જો કોઈએ રોક્યા હોય તે છે 'બનાસની બહેન'. દસ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું તે પણ બનાસકાંઠા બેઠક પર ગેનીબેન વિજય થતા ભાજપની એન્ટ્રી અટકી ગઈ
આ વખતે ભાજપને ગુજરાતની તમામ 26 બેઠકની જીતનો મોટો આશાવાદ હતો પરંતુ ગેનીબેનના મતદારોએ મતોનું એવું મામેરૂ ભર્યું કે, ભાજપ જીતના સપના સપના જ રહી અને રફેતફે થઈ ગયા.

એકઝીટ પોલ ઉંધા માથે પડયા

દેશમાં લોકસભાની યોજાયેલી ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે પરંતુ આટલા વર્ષોના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત પરિણામના એકઝીટ પોલ ઉંધા માથે પડયા છે. એક પણ ન્યુઝ ચેનલ કે એજન્સીના સર્વે સચોટ સાબિત થયા નથી. તેના પરથી દેશની જનતા અને મતદારોનો અસલી મિજાજ પારખવા માટે આ એજન્સીઓ કયા પ્રભાવ હેઠળ આવી જતી હશે તે પણ સવાલ ઉઠયો છે.