આણંદમાંથી વધુ એક બોગસ માર્કશીટ કૌભાડ ઝડપાયું
આજની 10 મહત્વની ખબર
આણંદમાંથી વધુ એક બોગસ માર્કશીટ કૌભાડ ઝડપાયું
આણંદમાં બોગસ દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો છે.આણંદમાંથી વધુ એક બોગસ માર્કશીટ કૌભાડ ઝડપાયું છે.શહેરના વિદ્યાનગર રોડ સ્થિત એસ.પી સ્ટડી પ્લાનર ઓવરસીઝ માંથી આ કૌભાડ પકડાયું છે. શહેર પોલીસે ઓવરસીઝ ના માલિક અમદાવાદના સિધ્ધિક ઉર્ફે રિકી રશ્મિકાંત શાહની ધરપકડ કરી છે.પોલીસે આરોપી પાસેથી જુદી જુદી યુનિવર્સિટીની 90 બોગસ માર્કશીટ કરી જપ્ત કરી છે.પોલીસથી પ્રાથમિક તપાસમાં સમગ્ર રેકેટ સાત થી આઠ મહિનાથી ચાલતું હતું પોલીસે ધરપકડ કરાયેલ આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી છે.
હવે 8 મહારથીઓ વર્લ્ડ ચેમ્પીયન બનવા માટે મેદાનમાં ટકરાશે
ટી20 વર્લ્ડકપમાં વિશ્વ ચેમ્પીયન બનવાનો અસલી જંગ આજે સાંજથી શરૂ થશે. સુપર-8 સ્ટેજમાં પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા અને અમેરિકા વચ્ચે રમાશે. ટુર્નામેન્ટના લીગ મેચો ખત્મ થઈ ગયા છે. 20માંથી 12 ટીમો બહાર ફેંકાઈ ગઈ છે. હવે 8 મહારથીઓ વર્લ્ડ ચેમ્પીયન બનવા માટે મેદાનમાં ટકરાશે.સુપર-8 મુકાબલાઓમાં ચાર ટીમો બહાર ફેંકાશે.બન્ને ગ્રુપની બે-બે ટીમો સેમીફાઈનલમાં પહોંચશે અને ત્યારબાદ ફાઈનલ ટકકર થશે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો છે. ઇએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં અચાનક જ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી. આગના બનાવ અંગે જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી .
અમેરિકા 5 લાખ વિદેશી નાગરીકોને ગ્રીનકાર્ડ આપવા વિચારણા
અમેરિકામાં રહેવાની રાહ જોતાં દુનિયાભરનાં લોકો માટે સારી ખબર છે.અમેરિકા 5 લાખ પ્રવાસીઓ એટલે કે વિદેશી નાગરીકોને ગ્રીનકાર્ડ આપવા પર વિચાર કરી રહ્યું છે.ગ્રીન કાર્ડ મળવા પર વ્યકિત અમેરિકામાં કાયમી નાગરીક બની શકે છે.વ્હાઈટ હાઉસે મંગળવારે જાહેરાત કરી હતી કે બાઈડન પ્રશાસન આવનારા મહિનાઓમાં કાનુની સ્થિતિ વિના રહેતા નાગરીકોનાં કેટલાંક જીવન સાથીઓનો કાયમી નિવાસ અને નાગરીકતા માટે આવેદન કરવાની મંજુરી આપશે.
શુક્રવારે વર્ષનો સૌથી લાંબો દિવસ, અમદાવાદમાં આશરે સાડા તેર કલાકનો દિવસ રહેશે
શુક્રવાર તારીખ 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત્રિ હશે અને આ દિવસ સાથે જ ભારતીય સંસ્કૃતિ મૂજબ અનેક શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે તે દક્ષિણાયણ શરૂ થશે. અર્થાત્ વૈજ્ઞાાનિક દ્રષ્ટિએ આ દિવસથી સૂર્ય ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વળશે જે કારણે તેને દક્ષિણાયણ કહે છે.રાજકોટ,અમદાવાદ,સુરત સહિત રાજ્યના મોટાભાગના સ્થળોએ તા. 21 જૂનના દિવસ 13.50 કલાકનો રહેશે અને રાત્રિ 10.50 કલાકની એટકે કે સૌથી ટૂંકી રાત્રિ રહેશે. જો કે પૃથ્વી ગોળાકાર છે અને સૂર્યના કિરણો દરેક સ્થળે એક સાથે પડતા નથી તેથી ગુજરાતના શહેરોમાં એકાદ મિનિટનો ફરક રહેશે. ત્યારબાદ તા. 22 જૂનથી દિવસ ક્રમશઃ ટૂંકો થતો જશે
A.C ચાલુ કરી ગાડીમાં સુઈ ગયા, મળ્યું મોત
મહીસાગર જીલ્લામાં ગરમીથી રાહત મેળવવા માટે કારનું એસી ચાલુ કરીને ઉંઘેલા રિટાયર્ડ આર્મી જવાનું મોત નીપજ્યું છે. આ ઘટના મહીસાગરના ખાનપુર તાલુકાના ચનાશેરો ગામની છે. અહીં જવાન ગરમીથી રાહત મેળવા ગાડીનું AC ચાલુ કરી સુઈ ગયા હતા. જવાન ગાડીમાં ઊંઘી રહ્યા હતા, એ સમયે ગાડીનું પેટ્રોલ ખતમ થઈ જતા, ગૂંગળામણને કારણે આર્મી જવાનનું મોત નીપજ્યું છે.ગામના લોકોએ ગાડીના દરવાજા તોડી મૃતદેહ બહાર કાઢ્યો.
જૈન સમાજનું આંદોલન સમેટાયું
જૈન સમાજના આંદોલનની પૂર્ણાહુતિ થઈ છે. પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત પર આવેલી વર્ષો જૂની જૈન સમાજની પ્રતિમાઓ મહાકાળી મંદિર ટ્રસ્ટે તોડી પાડતા જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજયભરમાં જૈન સમાજ દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો હતો.આ મામલે મંદિર ટ્રસ્ટ, જૈન સમાજના અગ્રણીઓ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરીને મૂર્તિઓ સ્થાપન કરવાની સૂચના આપીને વિવાદનો અંત લાવ્યા હતા.
અમદાવાદમાં ગેંગવોર એકની હત્યા,હુમલાખોર ગેંગ ફરા૨
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ફતેવાડીમાં અંગત અદાવતને લઈને થયેલી ગેંગવોરમાં ફતેવાડી વિસ્તારના સદામ મોમીનની તિક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. મૃતકને મોડી રાત્રે એલિસ બ્રિજ ખાતેની એસીપી હોસ્પિટલમાં લઈ જવાયો છે જ્યાં વેજલપુરના સેકન્ડ પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
સ્કૂલ વેન અને સ્કૂલ રીક્ષા ચાલકોની હડતાલ સમેટાઈ
સ્કૂલ વેન અને રિક્ષાની હડતાલને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આખરે અમદાવાદના સ્કૂલ વેન અને સ્કૂલ રીક્ષા ચાલકોની હડતાલ સમેટાઈ છે. બે દિવસથી ચાલતી હડતાળનો સુખદ અંત આવ્યો છે. સ્કૂલ વેન ચાલકોની વાહન પરમીટ અને ફિટનેસ સર્ટિફિકેટની માંગને લઇ 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અમદાવાદ RTO એ વાત સ્પષ્ટ કરે છે કે નિયમોમાં કોઈ પણ પ્રકારની બાનછોડ નહીં થાય.
આરોપીને દર્શન કરાવવાનું મધ્યપ્રદેશ પોલીસને મોંઘું પડ્યું
આરોપીને પાવાગઢ દર્શન કરાવવાનું મધ્યપ્રદેશ પોલીસને મોંઘું પડ્યું છે.મધ્યપ્રદેશ પોલીસ NDPS ગુનાના આરોપી દશરથ જાટને હાલોલ કોર્ટમાં રજૂ કરવા લાવી હતી. દશરથ જાટ સામે 2022માં રાજગઢ પોલીસમાં ગુનો નોંધાયો હતો કોર્ટની મુદત પૂર્ણ થયા બાદ MP પોલીસના 4 જવાનો આરોપીને પાવાગઢ દર્શન કરવા લઇ ગયા હતા પાવાગઢ દર્શન કર્યા બાદ આરોપી 4 પોલીસ જવાનોને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.
આરોપી હથકડી લગાવેલી હોવા છતાં ડુંગરના પાછળના ભાગેથી નાસી છૂટ્યો હતો પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરુ કરી છે