SAVE_20240601_201228

ચિખોદરામાં ક્રિકેટ મેચ જોવા આવેલા આણંદના યુવકની હત્યા

આજની 10 મહત્વની ખબર

ચિખોદરામાં ક્રિકેટ મેચ જોવા આવેલા આણંદના યુવકની હત્યા

આણંદ તાલુકાના ચિખોદરા ગામમાં ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ દરમિયાન પ્રેક્ષકોના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં એક જૂથ દ્વારા ચપ્પાં વડે કરાયેલાં હુમલામાં આણંદ ના  બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. જે પૈકી સલમાન મહંમદ હનીફ વ્હોરાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે ઈમરોઝ વ્હોરા સારવાર હેઠળ છે.આ ઘટના અંગે ઈજાગ્રસ્ત ઈમરોઝ અબ્દુલ રહીમ વ્હોરાએ આણંદ રૂરલ પોલીસ મથકમાં ઘેટો, હેલો,શક્તિ, વિશાલ, ફુલીયો તેમજ અન્ય 3 થી 4 અજાણ્યાં ઈસમો વિરૂદ્ધ ફરીયાદ આપી છે.  પોલીસે રાયોટીંગ તેમજ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મક્કામાં હિટવેવથી ગુજરાતના છ હજયાત્રીઓના  મોત

મક્કામાં 12થી 17 જૂન દરમિયાન હિટવેવથી ગુજરાતના છ હજયાત્રીઓના  મોત થયા છે. મૃતકોમાં છોટા ઉદેપુરના ઇકબલ અહેમદ મકરાણી, અમદાવાદના શબ્બીર હુસેન અને મોહંમદ ઇક્લાલ સચોરા, વડોદરાના મુસ્તાક અહેમદ, બનાસકાંઠાના નુરુભાઇ શેખ અને વલસાડના કસમાલી સિદ્દીકીનો સમાવેશ થાય છે.ગુજરાત હજ કમિટીના અધ્યક્ષ ઇકબલ સૈયદે હિટવેવથી તમામના મોત થયા હોવાનું જણાવ્યું હતું.

વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ

વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ છે. ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. સૂર્યકાંત પાટીલે શનિવારે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. પાર્ટી છોડ્યા બાદ તેણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં તેણે ઘણું શીખ્યું છે. પાટીલે હિંગોલી-નાંદેડ મતવિસ્તારનું ચાર વખત સાંસદ તરીકે અને એક વખત ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યું છે.

વડતાલ મંદિરમાં બેનરો લગાવી સૂત્રોચાર કરવા મામલે 13 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

વડતાલ મંદિરમાં બેનરો લગાવી સૂત્રોચાર કરવા મામલે વડતાલ પોલીસ સ્ટેશનમાં 13 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. વિરોધ પ્રદર્શનમાં આગેવાની કરનારા હસમુખ વાઘાણી અને સંદીપ રાખોલીયા સહિત 13 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. આ સાથે 100થી વધુ લોકોએ મંદિરમાં ઘૂસીને વિરોધ કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાજકોટ અગ્નિકાંડમાં વધુ 3 અધિકારી ની ધરપકડ

રાજકોટ અગ્નિકાંડમાં વધુ 3 અધિકારી ની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર , ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે. ઠેબા  અને વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની  ધરપકડ કરવામાં આવી છે. આ સાથે અગ્નિકાંડમાં ધરપકડનો આંક 15 સુધી પહોંચ્યો છે.

અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલકે બુલેટ બાઇકને 3 કિમી સુધી ઘસેડ્યું 

સુરત શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો વાયરલ થવાનું કારણ પણ અલગ છે. કેમ કે, અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલકે બુલેટ બાઇકને 3 કિમી સુધી ઘસેડ્યું હતું. આ ઘટના શહેરના કડોદરા નજીક બની હતી.કડોદરા નજીક કારે બુલેટને અડફેટે લેતાં બાઈકચાલક રોડ પર પટકાયો હતો. જ્યારે અકસ્માત કર્યા બાદ કાર ચાલકે બુલેટને 3 કિમી સુધી ઘસડ્યું હતું.

18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ 

18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે. આવતીકાલે સભ્યોને શપથ ગ્રહણ કરવામાં આવશે અને બીજા દિવસે અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. બુધવારે રાષ્ટ્રપતિનું સંબોધન થશે. જેમાં ચર્ચા થશે અને વડાપ્રધાનનું નિવેદન હશે. પ્રથમ સત્ર 3 જુલાઇ સુધી છે અને ત્યારબાદ થોડા દિવસોના વિરામ બાદ બજેટ સત્ર યોજાશે.

ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાને સસ્પેન્ડ કરાયો

ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાને વધુ એક વખત ફટકો પડ્યો છે. ડોપિંગ ટેસ્ટમાં સહકાર નહીં આપવા બદલ નેશનલ એન્ટી-ડોપિંગ એજન્સી (NADA) દ્વારા પુનિયાને આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લેનારા ખેલાડીઓની યાદીમાંથી બીજી વખત સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અગાઉ પણ બજરંગ પુનિયાને આ જ કારણસર સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.કુસ્તીબાજ પુનિયાને ડોપિંગ વિરોધી નિયમોના ઉલ્લંઘન બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

બિહાર વિધાનસભ્યની પૅરિસ ઑલિમ્પિક્સ માટે પસંદગી

બિહારના જમુઈ વિધાનસભા મતદારક્ષેત્રની ભારતીય જનતા પાર્ટી (BJP)ની વિધાનસભ્ય શ્રેયસી સિંહની પસંદગી પૅરિસ ઑલિમ્પિક્સમાં શૂટિંગ ટીમમાં થઈ છે. કોઈ વિધાનસભ્યની પસંદગી ઑલિમ્પિક્સ ગેમ્સની ટીમમાં થઈ હોય એવો આ પહેલો કિસ્સો છે.

ભાજપ નેતાની ભર બજારે ગોળી મારીને હત્યા

મધ્ય પ્રદેશના ઈન્દોરમાંથી હાલ એક મોટી ઘટના સામે આવી રહી છે. ઈન્દોરમાં બીજેપી (BJP) યુવા મોરચાના શહેર ઉપાધ્યક્ષ અને કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના નજીકના એવા મોનુ કલ્યાણેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. . આ ઘટના શહેરના એમજી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના ચિમનબાગ વિસ્તારમાં બની હતી. મોનુ કલ્યાણેને પિયુષ અને અર્જુન નામના બે વ્યક્તિઓએ ગોળી મારી હતીતેઓ મોનુ ઉપર હુમલો કરીને ફરાર થયા હતા, જેમની હાલ પોલીસ શોધખોળ કરી રહી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ અનુસાર આ હત્યા જૂની અંગત અદાવતના કારણે કરવામાં આવી છે