આણંદવાસીઓએ “રન ફોર વોટ” અંતર્ગત લગાવી દોડ
આણંદવાસીઓએ “રન ફોર વોટ” અંતર્ગત લગાવી દોડ
આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો રન ફોર વોટ” કાર્યક્રમ*
આણંદ ટુડે | આણંદ,
આણંદ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૭ મેના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની પ્રક્રિયા સબંધિત તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આણંદ લોકસભા બેઠકની સામાન્ય અને ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ (SVEEP) અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે.
આણંદ જિલ્લામાં 'મતદાન જાગૃતિ' માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે ‘'રન ફોર વોટ’' કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈને મતદાન જાગૃતિમાં સહભાગી થઈને નગરજનોએ દોડ લગાવી હતી.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીએ લોકસભાની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૦૭ મી મે ના રોજ મંગળવારે થવાનું છે,ત્યારે લોકશાહીના આ અમૂલ્ય અવસરમાં મહત્તમ મતદાન થાય તે માટે “રન ફોર વોટ” ના માધ્યમથી મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો. જિલ્લાના તમામ મતદારોને આગામી તા.૦૭ મે ના રોજ અચૂક મતદાન કરી દેશ પ્રત્યેની પોતાની પવિત્ર ફરજ નિભાવવા ખાસ અનુરોધ કર્યો હતો.
રન ફોર વોટ કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલ સિગ્નેચર કેમ્પઈનમાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં આણંદ માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમાયેલ શ્રી ટી.આનંદ, એક્સ્પેંડીચર ઓબ્ઝર્વર તરીકે નિમાયેલશ્રી આકાશ જૈન અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીએ ભાગ લીધો હતો.
શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ “રન ફોર વોટ” કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઇ, વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ, પોલીસ જવાનો, વરિષ્ઠ નાગરિકો, શિક્ષકો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં યુવાઓ અને નાગરિકો જોડાઈ 'મતદાન જાગૃતિ' અભિયાનનો સંદેશો આપ્યો હતો.
-----------