આણંદ હજુ કોરૂ ધાકોર
આજની 10 મહત્વની ખબર
24 કલાકમાં ગુજરાતના 30 તાલુકામાં મેઘ મહેર,આણંદ હજુ કોરૂ ધાકોર
દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસુ હજી નવસારીમાં જ અટકેલું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં પોણાબે ઇંચ ખાબક્યો છે. આજે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે.બીજી બાજુ આજે આણંદમાં બફારો વધ્યો છે. ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. હજી વરસાદનું આગમન થયુ નથી.
મહારાષ્ટ્ર સહિત ૪ રાજ્યામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે
લોકસભા ચૂંટણીની મોટી જવાબદારીમાંથી નિવૃત્ત થયેલા ભારતના ચૂંટણી પંચે હવે હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વર્તમાન વિધાનસભાઓનો કાર્યકાળ અનુક્રમે 3 નવેમ્બર 2024, 26 નવેમ્બર 2024 અને 5 જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
હવે સરકારી બાબુઓની 'લાલીયાવાડી' નહિ ચાલે
મોદી સરકાર ત્રીજા કાર્યકાળમાં પોતાનું પરફોર્મન્સ બતાવવા માટે હવે એક્શન મોડમાં આવી ગઈ છે. ખાસ તો બાબુઓની 'લાલીયાવાડી' ઉપર સરકારે હવે કડકાઈ લીધી સરકારે જાહેર કર્યું છે કે હવે 15 મિનિટથી મોડા થયે કર્મચારીઓનો પગાર કપાઈ જશે.
દેશભરના કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ સવારે 9.15 વાગ્યા સુધીમાં ઓફિસમાં આવીને તેમની હાજરી માર્ક કરે. આ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ સહિત તમામ કર્મચારીઓને પણ બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ બાદ તેનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો હતો.
સુરતમાં બાંગ્લાદેશનો ઘૂસણખોર પકડ્યો
સુરતમાં એક બાંગ્લાદેશીની સુરત એસઓજીએ ધરપકડ કરી છે.મુસ્લિમ યુવકે હિંદુ નામ ધારણ કરી ખોટા ડોકયુમેન્ટ બનાવ્યા હતા,તો તે ખોટા ડોકયુમેન્ટના આધારે યુવક કતાર નોકરી પણ કરી આવ્યો પણ જયારે તે કતારથી પરત ફરતો હતો અને સુરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે સુરત એસઓજીએ તેને દબોચીને વધુ તપાસ હાથધરી હતી.
અમદાવાદ માંથી 3.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદમાં ડ્રગ્સ અને ગાંજાની માંગ સતત વધી રહી છે.થોડા મહિના પહેલા વિદેશથી આવેલા પાર્સલમાંથી 1.15 કરોડના હાઇબ્રિડ ગાંજાના 14 પેકેટ મળી આવ્યા બાદ વધુ 3.50 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ પેકેટ કેનેડા, અમેરિકા અને થાઇલેન્ડથી પાર્સલ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસમાં પહોંચ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે ગાંજાને બાળકોના રમકડા, ટેડી બીયર, લંચ બોક્સ અને લેડીઝ ડ્રેસમાં છુપાવીને મોકલવામાં આવતો હતો.
હવે 61 દિવસ બાદ જુલાઈ માસમાં લગ્નની શરણાઈઓ ગુંજી ઉઠશે
હવે 61 દિવસ બાદ જુલાઈ માસ લગ્નની શરણાઈઓ ગુંજી ઉઠશે.61 દિવસ બાદ શુક્રના ઉદય થશે જુલાઈ લગ્ન માટે 6 શુભ મુહૂર્ત છે.29 જૂને સાંજે 7:52 કલાકે શુક્રનો ઉદય થશે.
શુક્રના ઉદય પછી શુભ કાર્યો માટે શુભ સમય આવશે .જુલાઈમાં 7, 9, 11, 12, 13 અને 15 તારીખે લગ્ન માટે શુભ મુહૂર્ત આ પછી નવેમ્બર અને ડિસેમ્બરમાં જ લગ્ન શક્ય બનશે.
લગ્નના શુભ મુહૂર્ત માટે ગુરુ, શુક્ર અને સૂર્યનો ઉદય જરૂરી હોવાનું જ્યોતિષો નું માનવુ છે .
અમેરિકામાં ગોળીબાર 3 લોકોના મોત ,10 લોકો ઘાયલ
અમેરિકામાં દેશના અરકાનસાસમાં શુક્રવારે એક કરિયાણાની દુકાન માં ગોળીબાર થયો હતો. જેમા 3 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. આ ઘટના સવારે 11.30 વાગ્યે ફોર્ડીસમાં મેડ બુચર કરિયાણાની દુકાનમાં બની હતી. ફાયરિંગની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જવાબી કાર્યવાહી કરી, જેમાં હુમલાખોર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
દિલ્હી સહિતના શહેરોમાં CNGના ભાવમાં વધારો કરાયો
દેશની રાજધાની દિલ્હી સહિત અનેક શહેરોના લોકોને શનિવારે મોંઘવારીનો નવો આંચકો લાગ્યો છે. શનિવારથી ઘણા શહેરોમાં CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેનાથી સામાન્ય લોકોના ખિસ્સા પર દબાણ વધશે.
સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાની અસર દિલ્હી-NCR સહિત ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના ઘણા શહેરોમાં CNGની છૂટક કિંમતો પર પડશે.
માત્ર 10 રૂપિયામાં મળશે અમુલની કાઠિયાવાડી છાસ
માત્ર 10 રૂપિયામાં મળશે અમુલની કાઠિયાવાડી છાસ, Amul એ મસ્તી દહીનું 1 કિલોનું પેક પણ લોન્ચ કર્યું
કાઠિયાવાડી છાસના 400 મિલિલીટર પાઉચની કિંમત રૂપિયા 10 છે, કાઠિયાવાડી છાસ બે દિવસની શેલ્ફ લાઇફ ધરાવે છે. કચ્છમાં સરહદ ડેરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં, ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના વાઇસ ચેરમેન વાલમજી હુંબલે કાઠિયાવાડી છાસ અને મસ્તી દહીના 1 કિલોના ટબનું અનાવરણ કર્યું હતું.
NEET પેપર લીક કેસમાં વધુ એક ધરપકડ
NEET પેપર લીક કેસમાં વધુ એક ધરપકડ કરવામાં આવી છે. સોલ્વર ગેંગના સભ્ય પિન્ટુની ઝારખંડના દેવઘરમાંથી ધરપકડ કરવામાં આવી છે. પિન્ટુની સાથે અન્ય ચાર લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. કહેવાય છે કે ચિન્ટુનો સાથીદાર પિન્ટુ છે. પિન્ટુ પેપર લીકના સંજીવ મુખિયાનો સહયોગી છે. બંને ચિન્ટુ-પિન્ટુ સંજીવ મુખિયા ગેંગ સાથે સંકળાયેલા છે.