IMG-20240110-WA0010

આણંદના ગરીબ દંપતીના નવજાત બાળકને આણંદની જનરલ હોસ્પિટલે નવજીવન આપ્યું

શ્રેષ્ઠ સારવાર

આણંદના ગરીબ દંપતીના નવજાત બાળકને આણંદની જનરલ હોસ્પિટલે નવજીવન આપ્યું

જનરલ હોસ્પિટલના એસ.એન.સી.યુ. વિભાગમાં છેલ્લા બે માસ દરમિયાન ૫૧ બાળકોને અપાઈ શ્રેષ્ઠ સારવાર

આણંદ,

રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ કાર્યરત સરકારી જનરલ હોસ્પિટલ, આરોગ્યકેન્દ્રો દ્વારા નાગરિકોના આરોગ્ય માટે સતત સેવાકિય કાર્ય કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં નાગરિકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવામાં સરકારી આરોગ્યકેન્દ્રો મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે. ખાનગી હોસ્પિટલોમાં થતા ખર્ચની સામે લોકોને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર આપતા સરકારી દવાખાનાઓમાં આજે મોટા પ્રમાણમાં લોકો તેમની સારવાર માટે આવી રહયાં છે, જેનું એકમાત્ર કારણ છે સરકાર દ્વારા પ્રજાની આરોગ્ય સુખાકારી અર્થે લેવાતા નિર્ણયો અને સુવિધાઓનું આરોગ્ય વિભાગ દ્વારા થતું અસરકારક અમલીકરણ.આણંદ ખાતેની જનરલ હોસ્પિટલ આરોગ્ય વિભાગની અસરકારક કામગીરીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડે છે. હોસ્પિટલના સીડીએમઓશ્રી ડૉ. અમર પંડ્યાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં તાજેતરમાં શરૂ થયેલા એસ.એન.સી.યુ. વિભાગના ડોકટર્સ અને આરોગ્ય કર્મીઓ દ્વારા નવજાત બાળકને ઓછા વજન અને ઇન્ફેકશન જેવા જોખમો સામે તાત્કાલિક સુદ્રઢ સારવાર આપીને નવજીવન આપવામાં આવે છે. 

                આણંદના સલાટીયા વિસ્તારમાં રહેતાં ૨૧ વર્ષીય જમનાબેન પરમારને ૧૭ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ નોર્મલ પ્રસુતિ થઇ હતી પરંતુ તેમના બાળકનું વજન ખૂબ જ ઓછું હતું અને બાળક યોગ્ય રીતે શ્વાસ લઈ શક્તું ન હતું જેથી તેની તબિયત અસ્વસ્થ જણાતાં જમનાબેન અને તેમના પતિ ગભરાઇ ગયા હતા. આણંદના જનરલ હોસ્પિટલમાં એસ.એન.સી.યુ. વિભાગ હેઠળ નવજાત જન્મેલા બાળકોને સારવાર આપવામાં આવે છે તેની જાણ થતાં જ જમનાબેન અને તેમના પતિ પોતાના નવજાત બાળકને લઈને જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે દોડી આવ્યા હતા જ્યાં તેમના બાળકને હોસ્પિટલ એસ.એન.સી.યુ. (સીક ન્યુ બોર્ન કેર યુનીટ) વિભાગમાં દાખલ કરવામાં આવ્યું. 

જનરલ હોસ્પિટલ ખાતે પીડીયાટ્રીશીયન તરીકે સેવા આપતાં ડૉ. જયકિશન ગોયલ અને રેસીડેન્ટ ડૉ. નીલી મહેતા દ્વારા સિપેપ ની પ્રક્રીયા હાથ ધરી નવજાત બાળક્ને વેન્ટીલેટર દ્વારા શરૂઆતના ૫ દિવસ સુધી ઓક્સિજન આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કાંગારૂ મધરની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી જે માટેની વ્યવસ્થા હોસ્પિટલના એસ.એન.સી.યુ. વિભાગમાં ખાસ રીતે કરવામાં આવી છે. જેના કારણે જમનાબેનના નવજાત બાળકના વજનમાં વધારો થયો અને બાળકને શ્વાસ લેવામાં જે સમસ્યા થઈ રહી હતી તેને દૂર કરી નવજીવન આપી બચાવી લેવામાં આવ્યું હતું.

જનરલ હોસ્પિટલ ખાતે ૨૨ થી વધુ દિવસ સુધી નવજાત બાળકને તમામ સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વિનામૂલ્યે આપવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સારવાર અને સુવિધા માટે અંદાજિત ૪ લાખ રૂપિયાનો ખર્ચ આવતો હોય છે ત્યારે આણંદની  જનરલ  હોસ્પિટલ  દ્વારા જમનાબેનના નવજાત બાળકને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર મળવાથી તેમનું બાળક આજે સ્વસ્થ અને તંદુરસ્ત છે તે માટે જમનાબેન અને તેમના પતિ વિપુલભાઈ જનરલ હોસ્પિટલ, આણંદની ડોકટર્સની ટીમ પ્રત્યે આભાર વ્યક્ત કરતા ભાવવિભોર બન્યાં હતા.              

  ઉલ્લેખનીય છે કે આણંદ જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. અમર પંડયાના માર્ગદર્શન હેઠળ એસ.એન.સી.યુ. વિભાગમાં ૧૦ બેડની વ્યવસ્થા ઉભી કરાઇ છે. જેમાં નવજાત બાળકોની સારવાર માટે જરૂરી સિપેપ પ્રક્રીયા, કાંગારૂ મધર પ્રક્રીયા, વેન્ટિલેટરની સુવિધા સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. આ વિભાગ દ્વારા છેલ્લા બે માસ દરમિયાન ૫૧ જેટલા નવજાત બાળકોની સારવાર કરવામાં આવી છે. આ પૈકી ૪૬ બાળકોની પ્રસુતિ હોસ્પિટલ ખાતે જ કરવામાં આવી હતી. 

નોંધનીય છે કે જનરલ હોસ્પિટલ આણંદના એસ.એન.સી.યુ. વિભાગ ખાતે યોગ્ય સાર-સંભાળ અને સારવાર થકી નવજાત બાળકોને શ્રેષ્ઠ ચિકિત્સા પૂરી પાડવામાં ડૉ. જયકિશન ગોહેલ, ડૉ. નીલી મહેતા, કુસુમબેન, દિપ્તીબેન અને આરોગ્ય અને સફાઇ કર્મીઓ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવે છે. જેના લીધે આણંદની સરકારી જનરલ હોસ્પિટલ જનસેવાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ બની છે. 

*****************