આણંદ - મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨
આણંદ જિલ્લાની ૧૩૭ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક મતદાન જાગૃતિ અર્થે મહેંદી હરીફાઈ યોજાઈ
૧૩૭ શાળાની ૧૮૩૦ વિદ્યાર્થીનીઓએ મહેંદીના માધ્યમથી મતદાર જાગૃતિના કાર્યમાં ઉત્સાહભેર જોડાઈ
આણંદ,
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત સમગ્ર રાજયમાં બે તબક્કામાં મતદાન યોજાનાર છે. જે અન્વયે આણંદ જિલ્લાની ૭ વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી સંદર્ભે બીજા તબક્કામાં આગામી તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના મતદારોમાં મતદાન જાગૃત્તિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ડી. એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ આણંદના અધિક નિવાસી કલેક્ટરશ્રી કેતકી વ્યાસ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તેમજ સ્વીપના નોડલ અધિકારી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા જિલ્લાના તમામ મતદાર વિભાગોમાં મતદાર જાગૃતિ અર્થે યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમો અંતર્ગત જિલ્લાની ૧૩૭ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં મહેંદી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતુ.
મતદાર જાગૃતિ અર્થે જિલ્લાની ૧૩૭ શાળાઓમાં યોજાયેલ આ મહેંદી હરિફાઈમાં આણંદ તાલુકાની ૩૦ શાળાની ૫૫૦ વિદ્યાર્થીનીઓ, બોરસદ તાલુકાની ૨૦ શાળાની ૪૪૫ વિદ્યાર્થીનીઓ, ઉમરેઠ તાલુકાની ૧૦ શાળાની ૧૨૦ વિદ્યાર્થીનીઓ, ખંભાત તાલુકાની ૨૦ શાળાઓની ૧૯૦ વિદ્યાર્થીનીઓ, પેટલાદ તાલુકાની ૧૭ શાળાઓની ૨૫૦ વિદ્યાર્થીનીઓ, સોજીત્રા તાલુકાની ૨૦ શાળાઓની ૧૨૦ વિદ્યાર્થીનીઓ, આકલાવ તાલુકાની ૧૦ શાળાઓની ૯૦ વિદ્યાર્થીનીઓ અને તારાપુર તાલુકાની ૧૦ શાળાઓની ૬૫ વિદ્યાર્થીનીઓ મળી સમગ્ર આણંદ જિલ્લાની ૧૩૭ શાળાઓની ૧૮૩૦ વિદ્યાર્થીનીઓએ આ મહેંદી હરિફાઈમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાગ લીધેલ વિદ્યાર્થીનીઓને સંસ્થા - સ્કુલ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. તેમ સ્વીપના નોડલ અધિકારી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ જણાવાયું છે.
***********