અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને સ્વતંત્રતા દિવસની ભેટ,દૂધની ખરીદીમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 30નો વધારો કરવાનો લેવાયો નિર્ણય
અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને સ્વતંત્રતા દિવસની ભેટ,દૂધની ખરીદીમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 30નો વધારો કરવાનો લેવાયો નિર્ણય
પશુપાલકોને દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૮૨૦ થી વધારી ૮૫૦ આપવામાં આવશે.
જેનો અમલ 11 મી ઓગસ્ટ 2023 ના રોજથી થશે
આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ૭ લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.
આણંદ
આણંદ સ્થિતિ વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરીએ આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ૭ લાખથી વધુ પશુપાલકોને સ્વતંત્રતા દિવસની ભેટ આપી છે.
આગામી તારીખ ૧૧મી ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ સવારથી દૂધ ઉત્પાદકોને ચૂક્વવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૩૦ નો વધારો કરવામાં આવશે તેઓ નિર્ણય લેવામાં આવ્યો છે.આમ પશુપાલકોને દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૮૨૦ થી વધારી ૮૫૦ આપવામાં આવશે. ઉપરોક્ત નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકડાયેલ આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ૭ લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.અમુલ ડેરીના આ નિર્ણયથી પશુપાલકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
અમૂલ ડેરી આણંદ ખાતે મંગળવારના રોજ નમતી બપોરના સુમારે અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે અને વાઇસ ચેરમેન કાંતિભાઈ મણીભાઈ સોઢા પરમારના અધ્યક્ષ સ્થાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. અમૂલ ડેરી ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ચેરમેન વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે પશુઓના ખોરાકના ખર્ચમાં અંદાજીત ૧૫ થી ૨૦% જેટલો વધારો થયેલ છે. જેથી ઘાસચારા સાથે સાથે દાણના ભાવમાં પણ વધારો થવાથી પશુપાલકોને આર્થિક ભારણ વધેલ છે જેને ધ્યાનમાં લઈ અમૂલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૩૦નો વધારો કરવાનો નિર્ણય કરેલ છે. જે મુજબ ભેંસ દૂધના ૧.૮૫ થી ૨.૧૬ રૂપિયા પ્રતિ લિટર તેમજ ગાય દૂધમાં ૧.૨૯ થી ૧.૩૬ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયેલ છે.