IMG-20230621-WA0004

સમગ્ર દેશની સાથે આણંદ જિલ્લો પણ યોગમય બન્યો

સમગ્ર દેશની સાથે આણંદ જિલ્લો પણ યોગમય બન્યો

વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતેજિલ્લાકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો યોગાભ્યાસમાં સહભાગી થયા

આણંદ,
 સમગ્ર વિશ્વમાં તા. ૨૧ મી જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,  આ વર્ષે “વસુધૈવ કુટુમ્બકમ્ માટે યોગ, હર ઘરના આંગણે યોગ” થીમ આધારીત વિશ્વ યોગ દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશની સાથે સાથે આણંદ જિલ્લામાં વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લાકક્ષાના આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મધ્ય ઝોન યોગ કોઓર્ડીનેટર શ્રી જયના પાઠક અને આણંદ જિલ્લા કોઓર્ડીનેટર શ્રી દિવ્યાબેન ધડુક પટોળીયાએ ઉપસ્થિત સર્વેને કોમન યોગા પ્રોટોકોલ અભ્યાસ કરાવ્યો હતો. કાર્યક્રમ બાદ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે ઉપસ્થિત સર્વેએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો વિડિયો સંદેશ, તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરત ખાતે યોજાયેલ વિશ્વ યોગ દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ યોગાભ્યાસમાં જિલ્લા કલેકટર શ્રી ડી.એસ. ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ કુમાર, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી નિરંજનભાઇ પટેલ સહિત અધિકારીઓ-કર્મચારીઓ, ઉપરાંત સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
*****