SAVE_20240601_201228

વિરાટ-રોહિત બાદ રવિન્દ્ર જાડેજાએ પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

આજની 10 મહત્વની ખબર

વિરાટ-રોહિત બાદ રવિન્દ્ર જાડેજાએ પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે 11 વર્ષ બાદ  T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ ઉજવણી સાથે ભારતીય ચાહકોને એક પછી એક બે નહીં પરંતુ ત્રણ આંચકા લાગ્યા છે.ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની સાથે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અને ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ પણ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.વિરાટ-રોહિત બાદ રવિન્દ્ર જાડેજાએ પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી અને કહ્યું- વર્લ્ડ કપ જીતવો એક સ્વપ્ન હતું, બીજા ફોર્મેટમાં શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરતો રહીશ .

NEET પરીક્ષા કૌભાંડ મામલે CBIએ જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની કરી અટકાયત 

ગોધરા નીટ પરીક્ષા કેસ મામલે CBIએ જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની અટકાયત કરી છે. ગત મોડી રાત્રે સીબીઆઇ દ્વારા દીક્ષિત પટેલની અટકાયત કરવામાં આવી હતી. સીબીઆઇ દ્વારા દીક્ષિત પટેલની અટકાયત કરયા બાદ ગોધરા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ માટે લવાયા છે. ગોધરા નીટ પરીક્ષા કેસ મામલે ઝડપાયેલા આરોપીઓ સાથે દીક્ષિત પટેલ સંપર્ક ધરાવતા હોય શંકાના આધારે સીબીઆઇ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઇટલ જીતી લીધું છે. આખા ભારતમાં જીતની ઉજવણી ચાલી રહી છે. ત્યારે T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો રોમાંચક વિજય થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોડી રાતે ટીમ ઈન્ડિયાને જીત બદલ શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ પોતાના X હેન્ડલ પર વીડિયો મૂકીને જણાવ્યું કે, ટીમ ઈન્ડિયાને આ ભવ્ય જીત બદલ સમગ્ર દેશવાસીઓ તરફથી ખૂબ-ખૂબ શુભેચ્છા આજે 140 કરોડ દેશવાસીઓ તમારા આ શાનદાર પ્રદર્શન પર ગર્વ કરી રહ્યા છે. રમતના મેદાનમાં તમે વર્લ્ડકપ જીત્યો, પરંતુ ભારતના દરેક ગામ અને ગલીમાં રહેતા દેશવાસીઓનું દિલ પણ જીતી લીધુ.

T-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રમાયેલી T-20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ
 આફ્રિકાને 7 રને હરાવીને ઈતિહાસ રચ્યો છે. આજની રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે ગુજરાતના વિવિધ શહેરો સહિત સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

1 જુલાઈથી દેશમાં લાગૂ થશે ત્રણ નવા કાયદા

દેશમાં અંગ્રેજોના સમયથી અમલમાં આવેલા ત્રણ ફોજદારી કાયદા 1 જુલાઈથી બદલવામાં આવશે. ડિસેમ્બર 2023માં સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણ કાયદા આગામી મહિનાથી દેશભરમાં લાગુ થઈ જશે. ત્રણ નવા કાયદાઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્‍ય અધિનિયમ કહેવામાં આવશે. જે ભારતીય દંડ સંહિતા (1860), ફોજદારી પ્રક્રિયાની સંહિતા (1898) અને ભારતીય પુરાવા અધિનિયમ (1872) ને બદલશે.

જગન્નાથજીની 147મી રથયાત્રામાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજને તા. 7મી જુલાઈએ પરંપરાગત 147મી રથયાત્રા યોજાશે. રથયાત્રાને હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. ત્યારે મંદિર ટ્રસ્ટ, પોલીસ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સુરક્ષામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સતત બીજા વર્ષે એક IPS સહિત 8 ક્રાઈમ બ્રાન્ચના કર્મીઓ હેલિકોપ્ટરથી રથયાત્રાના રૂટ પર બાજનજર રાખશે.
આ ઉપરાંત, પોલીસ હેલિકોપ્ટર દ્વારા ભગવાનના ત્રણેય રથ પર પુષ્પાવર્ષા પણ કરશે.

વાપીમાં પાણી ભરેલા ખાડામાં 3 બાળકોના ડૂબી જવાથી મોત

વલસાડ જિલ્લાના વાપીમાં 3 બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થવાની ઘટના સામે આવી છે. વાપીના છરવાડામાં આવેલ રમજાન વાડીમાં 6 થી 7 ફૂટ જેટલા ઊંડા ખાડામાં બાળકો ન્હાવા પડ્યા હતા. એક જ પરિવારના જુડવા ભાઈ બહેન સહીત અન્ય એક બાળકીનું ડૂબી જવાથી મૃત્યુ થયુ, ત્રણેય બાળકો સાંજના સમયથી ગુમ હોવાથી પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા, સમગ્ર મામલે ડુંગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરામાં સ્કુલ વાન પલટી જતા 13 બાળકોને ઈજા

વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર પાસેથી શાળાના બાળકો ભરીને રોંગ સાઈડ જઈ રહેલા વાનનો આઈસર ગાડી સાથે અકસ્માત થતા વાન પલટી ખાઈ ગઈ હતી અને વાનમાં સવાર 13 બાળકોથી ચિચિયારીઓથી વિસ્તાર ગૂંજી ઉઠયો હતો,13 બાળકો પૈકી એક બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટનાને પગલે કપુરાઈ પોલીસે વાન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

T-20 વર્લ્ડ કપ 2204 ની ઈનામી રકમ

વિજેતા (ભારત): આશરે રૂ. 20.36 કરોડ
રનર-અપ (દક્ષિણ આફ્રિકા): રૂ. 10.64 કરોડ
સેમીફાઈનલ: રૂ. 6.54 કરોડ
બીજા રાઉન્ડમાંથી બહાર થવા પર: રૂ. 3.17 કરોડ
9માથી 12મા સ્થાને રહેલી ટીમોઃ રૂ. 2.05 કરોડ
13માથી 20મા ક્રમે રહેલી ટીમઃ રૂ. 1.87 કરોડ
પ્રથમ અને બીજા રાઉન્ડમાં જીત: રૂ. 25.89 લાખ

GEMRS મેડિકલ કોલેજોમાં 67 થી 88 ટકા ફી વધારો

સરરકારની સોસાયટી સંચાલિત GEMRS મેડિકલ કોલેજોની ફી અંતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા વધારી દેવાઈ છે. સ્ટેટ ક્વોટામાં 67 ટકા અને મેનેજમેન્ટ ક્વોટામાં 88 ટકા ફી વધારો કરવામાં આવ્યો છે. આ વધારો આમ તો ગત વર્ષે કરાયો હતો પરંતુ ગત વર્ષે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ વધારો કરાતા સરકારે વધારો સ્થગિત રાખ્યો હતો.સરકારી ક્વોટાની બેઠકોમાં અત્યાર સુધીમાં વાર્ષિક 3.30 લાખ રૂપિયા ફી લેવામાં આવતી હતી.જેમાં 66.66 ટકાના વધારા સાથે 5.50 લાખ રૂપિયા ફી કરાઈ છે. મેનેજમેન્ટ ક્વોટાની ફી 9 લાખ રૂપિયાથી વધારીને 17 લાખ રૂપિયા કરવામાં આવી છે. જેમાં 88.88 ટકાનો વધારો કરાયો છે. NRI ક્વોટાની બેઠકમાં 22,000 ડોલર ફી હતી. જે વધારીને 25,000 ડોલર કરાઈ છે. જે 18 લાખ રૂપિયા થાય છે અને 13.63 ટકા વધારો કરાયો