આણંદ જિલ્લામાં ધો. ૧૦ અને ધો. ૧૨ ના ૫૧,૨૧૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આણંદ જિલ્લામાં ધો. ૧૦ અને ધો. ૧૨ ના ૫૧,૨૧૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આણંદ ખાતે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ
આણંદ જિલ્લામાં ધો. ૧૦ માં ૩૧,૧૮૪ વિદ્યાર્થીઓ, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૪,૮૭૯ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫,૧૪૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
આણંદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર ધો. ૧૦ અને ધો. ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાના આયોજન અંગે તમામ જિલ્લાઓ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠકમાં આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યશ્રીઓ જોડાયાં હતાં. વિડિયો કોન્ફરન્સના માધ્યમ યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં કલેકટરશ્રીએ આગામી તા.૧૧-૦૩-૨૦૨૪ થી તા. ૨૬-૦૩-૨૦૨૪ દરમિયાન આણંદ જિલ્લામાં લેવાનાર ધો. ૧૦ અને અને ધો. ૧૨ ની પરીક્ષા માટે જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓની રૂપરેખા મંત્રીશ્રી સમક્ષ રજૂ કરી હતી.
આ સમીક્ષા બેઠક બાદ કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. આણંદ જિલ્લામાં યોજાનાર ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષાઓ કોઇપણ પ્રકારની ગેરરીતિ વગર, શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય અને વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા તંત્ર દ્વારા સૂચારૂ અને અસરકારક આયોજન કરવામાં આવ્યુ છે.
આણંદ જિલ્લામાં ધો. ૧૦ માં ૩૧,૧૮૪ વિદ્યાર્થીઓ, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૪,૮૭૯ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫,૧૪૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
આણંદ જિલ્લામાં ધો.૧૦ (એસ.એસ.સી) પરીક્ષા માટે ૪૦ પરીક્ષાકેન્દ્રો, ૯૭ બિલ્ડિંગો અને ૧૧૦૮ બ્લોકમાં, ધો.૧૨ (એચ.એસ.સી) સામાન્ય પ્રવાહની પરીક્ષા ૨૦ પરીક્ષા કેન્દ્રો, ૪૧ બિલ્ડિંગો અને ૪૮૯ બ્લોક અને ધો.૧૨ (એચ.એસ.સી) વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૦૫ પરીક્ષા કેન્દ્રો, ૨૨ બિલ્ડિંગો અને ૨૫૨ બ્લોકમાં લેવામાં આવશે.
જિલ્લામાં દિવ્યાંગ ઉમેદવારો માટે રેમ્પ સાથે ભોયતળિયે વ્યવસ્થા કરવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અતુલકુમાર બંસલ, અધિક નિવાસી કલેક્ટરશ્રી આર.એસ.દેસાઈ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કામીનીબેન ત્રિવેદી અને જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યશ્રીઓ તેમજ સબંધીત વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
******