IMG-20230523-WA0024

ચરોતરના ૩૨ ગામોના તળાવોમાં કુલ ૩૦૩ મગરોનો વસવાટ

વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા ચરોતરના ગામોમાં વસતા મગરોની રાત્રી વસ્તી ગણતરી સફળતાપૂર્વક સંપન્ન

આ ઉનાળામાં કરવામાં આવેલી રાત્રી વસ્તી ગણતરીમાં ચરોતરના ૩૨ ગામોના તળાવોમાંથી કુલ ૩૦૩ મગરોની સંખ્યા નોંધાઈ છે*

દેવા, હેરંજ, પેટલી અને ત્રાજ ગામોના તળાવોમાં ઘણી મોટી સંખ્યામાં મગરો નોંધાયા

આણંદ
વોલેન્ટરી નેચર કન્સરવન્સી/વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા વર્ષમાં બે વખત ચરોતરમાં વસતા મગરોની ગણતરી હાથ ધરવામાં આવે છે, જેથી તે મગરોના સંરક્ષણ માટે પગલાં લઈ શકાય. ચરોતરના ગામોમાં પાછલા ઘણા વર્ષોથી મગરોની સંખ્યા મોટી માત્રામાં જોવા મળી છે. જે મગરો દુનિયાના બાકીના મગરો કરતા ઘણા ભિન્ન છે. કારણ કે, તેઓનું માણસો સાથેનું તાદાત્મ્ય સુમેળ ભરેલું જોવા મળે છે. જેથી દુનિયાના લોકોને આ અનુભવવાની ઘણી ઉત્સુકતા હોય છે અને તેથી પૂરા દેશમાંથી લોકો આ ગણતરી દરમિયાન વીએનસી સાથે જોડાય છે. 

આ વર્ષે તારીખ ૧૯, ૨૦ અને ૨૧ મેના રોજ વીએનસી દ્વારા ચારૂસત યુનિવર્સિટી સંલગ્ન ચરોતરના મગરોની રાત્રી ગણતરીનો કાર્યક્રમ 'વેટલેન્ડ વોચ' તરીકે યોજાયો હતો. જેમાં ભારતમાંથી જુદાં- જુદાં કુલ દસ રાજ્યોના મગર પ્રેમીઓએ ભાગ લીધો હતો. સાથે જ ગુજરાતના પણ ઘણા જિલ્લાઓમાંથી મગર પ્રેમીઓ ચરોતરના આંગણે પધારીને મગરોની રાત્રી વસ્તી ગણતરીમાં ભાગ લીધો હતો. આ આખા કાર્યક્રમમાં વીએનસીના પચીસ જેટલા સ્વયંસેવકોએ પણ ભાગ લઈ બહારથી પધારેલા મગર પ્રેમીઓની સાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

મગરોની રાત્રી ગણતરી અંગે વિદ્યાનગર નેચર ક્લબના ડાયરેકટર અનિરુદ્ધ વસાવા સાથે વાત કરતા જાણવા મળ્યું કે અત્યારે ખાસ ઉનાળામાં આ રાત્રી ગણતરી યોજવાનું કારણ એટલું જ કે ગરમીના ઊંચા તાપમાનમાં પ્રાણીઓમાં પણ તેની અસર જોવા મળતી હોય છે. તેથી દિવસ દરમિયાન મગરો મોટા ભાગે તળાવોમાં રહેતા હોય છે અને રાત્રી દરમિયાન તેવો તળાવોમાંથી બહાર આવીને તથા કિનારાઓ ઉપર આવીને બેસતા હોય છે. તેથી તેઓની ગણતરી કરવી ઘણી સરળ બને છે. તેઓ રાત્રી દરમિયાન મગરોની વસ્તી ગણતરી કરવાની રીત વિશે જણાવે છે કે મગરની આંખો ઉપર પ્રકાશ પાડીને તેની ગણતરી કરવામાં આવે છે. આ સાથે જ વીએનસી દ્વારા આ ત્રણ દિવસ દરમિયાન મગર ગણતરીમાં કાર્યક્રમ અંગે પધારેલા લોકોને ચરોતરમાં આ સમય દરમિયાન જોવા મળતા સારસ ક્રેનને પણ નજીકથી બતાવ્યા હતા. 

વીએનસી દ્વારા શિયાળા દરમિયાન યોજવામાં આવેલી ચરોતરના મગરોની કુલ વસ્તી ૨૨૬ હતી જ્યારે ગયા વર્ષની ઉનાળાની રાત્રી ગણતરીમાં ૨૬૪ મગરોની વસ્તી નોંધાઈ હતી. આ ઉનાળામાં કરવામાં આવેલી રાત્રી વસ્તી ગણતરીમાં ચરોતરના ૩૨ ગામોના તળાવોમાંથી કુલ ૩૦૩ મગરોની સંખ્યા નોંધાઈ છે, જેમાંથી દેવા, હેરંજ, પેટલી અને ત્રાજ ગામોના તળાવોમાં ઘણી મોટી સંખ્યામાં મગરો નોંધાયા હતા. 

આ સમગ્ર કાર્યક્રમ ફિલ્ડ એક્સપિરીયન્સની સાથે-સાથે વિષયોના તજજ્ઞોના વ્યાખ્યાન પણ યોજવામાં આવ્યા હતા. જે ચાંગા સ્થિત ચારૂસત યુનિવર્સિટીમાં યોજાયા હતા. જેમાં ડૉ. રાજુ વ્યાસે ભારતમાં વસતા મગરોના વર્તન, તેમનું માનવ પ્રકૃતિ સાથે થતું ઘર્ષણ સંસોધનીય માહિતી આપી હતી. ડૉ. હર્ષિલ પટેલ દ્વારા ભારતની સ્વચ્છ પાણીમાં જોવા મળતી માછલીઓ વિશે પોતાના સંશોધન ઉપર, ડૉ. જતિંદર કોરે ચરોતરના ખેડૂતો દ્રારા થતા સારસના સંરક્ષણ ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. જ્યારે અનિરુદ્ધ વસાવાએ ચરોતરના મગરો વિશે સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. સાથે જ ચારૂસત યુનિવર્સિટીના ડીન ડૉ. ભાસ્કર પંડ્યાએ પણ આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.