આણંદ ખાતે ટીબી મુક્ત આણંદ ૨૦૨૫ થીમ અંતર્ગત ક્રિકેટ મેચ યોજાઈ

આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં 

આણંદ ખાતે "ટીબી મુક્ત આણંદ-૨૦૨૫" થીમ અંતર્ગત ક્રિકેટ મેચ યોજાઈ

મીડિયાના મિત્રો અને આરોગ્ય વિભાગના મિત્રો વચ્ચે એલીકોન ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચ યોજાઈ

ક્રિકેટ મેચમાં વિજેતા આરોગ્યની ટીમને તથા મેચમાં સુંદર દેખાવ કરનાર મીડિયા કર્મીને જિલ્લા કલેક્ટરશ્રીએ ટ્રોફી એનાયત કરી બિરદાવ્યા

આણંદ, રવિવાર :
 આણંદ જિલ્લામાં ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના  રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ "૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ" નિમિત્તે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે આણંદ- સોજીત્રા રોડ સ્થિત એલિકોન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે  મીડિયાના મિત્રો અને આરોગ્યના મિત્રો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

"ટીબી મુક્ત આણંદ-૨૦૨૫" થીમ અંતર્ગત યોજાયેલી આ ક્રિકેટ મેચમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ મીડિયાની ટીમ તથા આરોગ્યની ટીમોને ઉમદા સ્પોર્ટ્સમેન  સ્પિરીટ સાથે ક્રિકેટ મેચ રમવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

આ તકે જિલ્લા કલેકટરશ્રીએ " ટીબી હારેગા, દેશ જીતેગા" મહા અભિયાનમાં લોકજાગૃતિ અર્થે આરોગ્ય કર્મીઓની સાથે મીડિયાના મિત્રોને સહભાગી બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દેશમાંથી ટીબી રોગના નિર્મૂલન અર્થે લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે. તેમ જણાવી ટીબીના રોગને અટકાવવા વધુને વધુ પ્રચાર - પ્રસાર દ્વારા મીડિયાના મિત્રોને ટીબીનો રોગ અટકાવવા માટેના વાહક બનવા અનુરોધ કર્યો હતો. 

આ પ્રસંગે આરોગ્ય વિભાગની ટીમ તરફથી જિલ્લા કલેકટરશ્રી ક્રિકેટ રમીને ટીબી જાગૃતિના કાર્યમાં સહભાગી બન્યા હતા.

ટીબી નિર્મૂલન માટે જાગૃતિ આવે તેવા શુભ ઉદ્દેશ સાથે યોજાયેલી આ ક્રિકેટ મેચમાં આરોગ્યની ટીમ બે રન થી વિજેતા બની હતી, વિજેતા ટીમને તથા આ ક્રિકેટ મેચમાં સુંદર દેખાવ કરનાર મીડિયા કર્મીને જિલ્લા કલેક્ટરશ્રીએ ટ્રોફી એનાયત કરી બિરદાવ્યા હતા.

આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પિયુષ પટેલ, નાયબ માહિતી નિયામક શ્રી એચ. બી. દવે, સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન શ્રી ડો. અમર પંડ્યા, ક્ષય નિર્મૂલન અધિકારી શ્રી દીપક પરમાર, ડો. પૂર્વી નાયક, આર.એમ.ઓ. ડો. પંચાલ સહિત મીડિયા કર્મીઓ તથા આરોગ્ય વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

-૦-૦-૦-