૯૩ વર્ષના કમળાબેન વોકરના સહારે પહોંચ્યા મતદાન મથકે
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨
૯૩ વર્ષના કમળાબેન વોકરના સહારે પહોંચ્યા મતદાન મથકે
મતદાન દ્વારા લોકશાહીના પર્વમાં સહભાગી બનતા કમળાબેન પટેલ
આણંદ,
આણંદ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી- ૨૦૨૨ અંતર્ગત મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો. દિવસ દરમિયાન જિલ્લાની સાતેય બેઠકો ઉપર સવારથી લાંબી કતારો જોવા મળી રહી હતી તો કયાંક દિવ્યાંગો, સીનિયર સિટીઝનો પણ લોકશાહીના આ મહાઉત્સવમાં સહભાગી થઇ રહ્યા હતા.
જિલ્લાના વિવિધ સ્થળોએ થઇ રહેલ મતદાન દરમિયાન આણંદ શહેરમાં આવેલ આણંદ લો કોલેજ ખાતેના મતદાન મથકમાં ૮૦ ફૂટના રોડ ઉપર રાજા બાબુ લાઇનમાં રહેતા ૯૩ વર્ષીય કમળાબેન અંબુભાઇ પટેલ પણ આ પર્વમાં સહભાગી થયા વગર ન રહી શકયા. તેઓ ૯૩ વર્ષની ઉંમરના હોવા છતાં પણ કોઇના પણ સહારા વિના માત્ર વોકરના સહારે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે આવી પહોંચીને મતદાન કર્યું હતું. મતદાન બાદ મતદાન મથકની બહાર આવીને આંગળી ઉપર લગાવવામાં આવેલ અવિલોપ્ય શાહિનું નિશાન દર્શાવીને પોતે મતદાન કરેલ છે તેમ જણાવી અન્યોને માટે પ્રેરણારૂપ બન્યા હતા. કમળાબેન જયારે મતદાન કરીને મતદાન મથકની બહાર આવ્યા ત્યારે તેમના મુખ ઉપર મતદાન કર્યાનો આનંદ જોવા મળી રહ્યો હતો.
*****