lok-sabha-election-2024-1

આણંદ લોકસભા બેઠક ઉપર 64.90 ટકા મતદાન

આણંદ જિલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

આણંદ લોકસભા બેઠક ઉપર  64.90 ટકા મતદાન

લોકશાહીનું મહાપર્વમાં  લોકશાહીને સશક્ત બનાવવા માટે આણંદ જિલ્લાના મતદારોએ કર્યુ માનભેર મતદાન

સૌથી વધુ આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં 70.72 ટકા મતદાન

સૌથી ઓછું આણંદ વિધાનસભા બેઠક પર 60.54 ટકા મતદાન

ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં  સાંજના ૦૫:૦૦ કલાક સુધીમાં અંદાજીત ૫૯.૯૦ ટકા જેટલું મતદાન નોંધાયું

આણંદ,

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આણંદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે ૭ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. લોકશાહીના મહાપર્વમાં લોકશાહીને સશક્ત બનાવવા માટે આણંદ જિલ્લાના મતદારોએ માનભેર મતદાન કર્યુ હતુ.

આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર થયેલ મતદાન

ખંભાત - 65.65 

બોરસદ -64.42 

આંકલાવ -70.72 

 ઉમરેઠ-    63.22 

 આણંદ -   60.54 

 પેટલાદ-    66.65 

 સોજીત્રા -  65.14

મતદાનની પ્રક્રિયા સાથે સાથે....

• જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ ગણેશ ચોકડી પાસે આવેલ મંગળપુરા સ્થિત પ્રાથમિક શાળામાં સજોડે મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને આણંદ જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં સહભાગી બની મતદાન કરવા અપીલ કરી હતી.

• ગોકુલધામ નાર સ્વામિનારાયણ સંપ્રદાયના શુકદેવ પ્રસાદ દાસજી સ્વામીએ મતદાન કરીને દેશને મજબૂત બનાવવો હોય તો મતદાન કરવું જરૂરી છે તેમ જણાવ્યું હતું. 

• આણંદ જિલ્લામાં સવારના સમયમાં વરિષ્ઠ નાગરિકો, યુવાધન અને મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન માટે બુથ પર જોવા મળ્યા હતા. 

• આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પુરૂષ મતદારોની સાથે મહિલા મતદારોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

• આણંદ ખાતે શ્રી જીગ્નેશભાઈ ઠક્કરે પોતે દિવ્યાંગ હોવા છતાં મતદાન કરીને પોતાની દેશ પ્રત્યેની ફરજ નિભાવી છે તેમ તેમણે જણાવ્યું હતું. 

• તારાપુર ખાતે દિવ્યાંગ અલ્પાબેન શાહે મતદાન કરી પોતે મતદાર હોવાનો ગર્વ અનુભવ્યો હતો અને જણાવ્યું હતું કે લોકશાહીના પર્વમાં મતદાન કરવું એ આપણી ફરજ અને આપણો અધિકાર છે મતદાનનું મહત્વ સમજવું જ પડે. 

• આણંદ ખાતે મહેન્દ્રસિંઘ સરદારે પોતાના કુટુંબ સાથે મતદાન કરી પવિત્ર ફરજ નિભાવી હોવાનું જણાવ્યું હતું. 

• વિદ્યા ડેરી રોડ ખાતે રહેતા જયંતિભાઈ પટેલ અને ધર્મિષ્ઠાબેન પટેલે વયોવૃદ્ધ હોવા છતાં સજોડે મતદાન કરી પોતે ચૂંટણીમાં મતદાનની ફરજ નિભાવી શક્યા તે માટે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. 

• પેટલાદ તાલુકાના વિરોલ ગામના મોટી વયના મતદારે ઓક્સિજનના બોટલ સાથે મતદાન કરવા આવીને યુવાઓને પ્રેરણા પૂરી હતી. 

• આણંદના યુવા મતદાર કે જેઓ પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે તેવા મોહમ્મદ સફિન વ્હોરા એ મતદાન કરીને હર્ષની લાગણી અનુભવી હતી અને જણાવ્યું કે મને મતાધિકારનો જે મોકો મળ્યો છે તેને હું દરેક મતદાનમાં અચૂક ઉપયોગ કરીશ અને દરેક મતદારે મતદાન તો ગમે તે સ્થિતિમાં કરવું જ જોઈએ તેમ જણાવ્યું હતું.

 • આણંદ શાળા નંબર ૧૮ ઉપર ૮૪ વર્ષીય સવિતાબેન પટેલે તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હોવાનું જણાવ્યું હતું. 

• આણંદ જિલ્લામાં તમામ વિધાનસભાઓ ખાતે યુવા મતદારો કે જેઓ પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે તેવા યુવા મતદારોએ પણ જુસ્સાભેર મતદાન કર્યું હતું અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યુવા મતદારોનું પ્રમાણપત્ર અને બિલ્લો આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. 

• આ ઉપરાંત વડીલો, વયોવૃદ્ધ મતદારો, યુવાઓ, મહિલાઓ, દિવ્યાંગો સહિતના મતદારોએ મતદાન પ્રક્રિયામાં વહેલી સવારથી જ લાંબી લાઈનો લગાવી હતી અને સવારના ઠંડા પહોરમાં મતદાન કર્યું હતું. 

આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર સાંજના ૦ 6:૦૦ કલાક સુધીમાં અંદાજીત 64.90 ટકા જેટલું મતદાન નોંધાયું છે. 

• ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં સાંજના ૦૫:૦૦ કલાક સુધીમાં અંદાજીત ૫૯.૯૦ ટકા જેટલું મતદાન નોંધાયું હતુ. 

ઉલ્લેખનીય છે કે, સમગ્ર આણંદ જિલ્લાના મતદારોએ ઉત્સાહ સાથે શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર બનીને લોકશાહીને સશક્ત બનાવવા માટે પોતાના બહુમૂલ્ય મતનું દાન કરીને યોગદાન આપ્યું હતું. 

-૦-૦-૦-