SAVE_20240601_201228

સુરેન્દ્રનગરના નટવરગઢ ગામના 47 ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની કરી માંગ

આજની 10 મહત્વની ખબર

સુરેન્દ્રનગરના નટવરગઢ ગામના 47 ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની કરી માંગ 

સુરેન્દ્રનગરના નટવરગઢ ગામના 47 ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે નટવરગઢ ગામના 47 ખેડૂતોના ખેતરોમાંથી સોલારની વીજ લાઈનો નાખવામાં આવી હતી, પરંતુ કંપની દ્વારા ખેડૂતોને વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.47 ખેડૂતોના ખેતરોમાંથી સોલારની વીજ લાઈનો નાખવામાં આવીખેડૂતોના ખેતરોમાં આડેધડ ખોદકામ કરી સોલારની વીજ લાઈન નાખવામાં આવી છે. છેલ્લા 3 વર્ષમાં વળતર પેટેની રકમની ચુકવણી કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ છે. જેથી કંટાળીને ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી.

વધતી મોંઘવારી વચ્ચે ટીવી જોનારા યુઝર્સ માટે રાહતના સમાચાર

મોઘવારી વચ્ચે DTH યુઝર્સ માટે રાહતના સમાચાર છે. ટેલિકોમ રેગ્યુલેટરે DTH અને કેબલ ટીવી યુઝર્સ માટે નેટવર્ક કેપેસિટી ફી (NCF)ની મર્યાદાને નાબૂદ કરી છે. હવે યુઝર્સને ટીવી જોવા માટે વધારે પૈસા ખર્ચવા નહીં પડે.TRAI દ્વારા સંશોધિત નિયમ જણાવે છે કે 200 ચેનલો માટે 130 રૂપિયા અને 200 થી વધુ ચેનલો માટે 160 રૂપિયાનો NCF હવે હટાવી દેવામાં આવ્યો છે. હવે ડીટીએચ ઓપરેટરો વિવિધ પ્રદેશો, ગ્રાહક જૂથો પર આધારિત વિવિધ નેટવર્ક ક્ષમતા ફી (NCF) વસૂલી શકે છે. આ સિવાય હવે પે-ટીવી યુઝર્સને ડીટીએચ બુકે બનાવતી વખતે 45 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી શકાય છે. અગાઉ તે માત્ર 15 ટકા સુધી હતો. આવી સ્થિતિમાં, DTH ઓપરેટર્સ તેમના ગ્રાહકોની સંખ્યા વધારવા માટે વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે.

કોંગ્રેસ નેતા ચિરાગ ઝવેરીનું હાર્ટ એટેકથી નિધન થયું

વડોદરાના પુર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસ નેતા ચિરાગ ઝવેરીનું હાર્ટ એટેકથી નિધન થયું છે.ચિરાગ ઝવેરી મિત્રો સાથે અમેરિકાના પ્રવાસે હતા. તેઓ સાઉથ અમેરિકાના ટાપુ પર રોકાયા હતા, રાતે સૂઈ ગયા પછી સવારે ઊઠ્યાં જ નહીં. ત્યારે વડોદરાના દિગ્ગજ કોંગી નેતા ચિરાગ ઝવેરીનું અવસાન થતાં રાજકીય મોરચે ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

અત્યાર સુધી ભારતનો જે વિકાસ કર્યો છે તે માત્ર ટ્રેલર છે -વડાપ્રધાન નરેન્દ્ર મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. તેઓ 8 જુલાઈ મોસ્કો પહોંચ્યા હતા જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારે આજે વડાપ્રધાન મોદી મોસ્કોમાં ભારતીય સમુદાયની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ રશિયામાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે.પડકારને પડકારવું મારા ડીએનએમાં છે. અમે અત્યાર સુધી જે વિકાસ કર્યો છે તે માત્ર ટ્રેલર છે. આગામી 10 વર્ષમાં સેમિકન્ડક્ટરથી મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજનથી ગ્રીન વ્હિકલ સુધીની ભારતની નવી ગતિ વિશ્વના વિકાસનું પ્રતીક બની રહેશે. વિશ્વ વિકાસનું પ્રકરણ લખશે. વૈશ્વિક સ્તરે 15 ટકા વિકાસમાં ભારતનો હિસ્સો છે. આવનારા સમયમાં વધુ વિસ્તરણ થવાની ખાતરી છે.

પિતાની હત્યા કરનાર PGVCLના કર્મચારી ની ધરપકડ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાડવા ગામે 4 જુલાઈ ના રોજ રાત્રિના સમયે એક વૃદ્ધની બોથડ પદાર્થ વડે ઘાતકી હત્યા નીપજાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ મૃતકના પુત્ર દ્વારા મિલકતની લાલચમાં પોતાના પિતાની ઘાતકી હત્યા નિપજાવ્યાનું ખુલવા પામ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે આરોપી એવા PGVCLના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશીયન પુત્રની અટકાયત કરી લીધી છે.

કઠુઆ આતંકી હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સ નામના આતંકી સંગઠને લીધી

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ભારતીય સેનાના વાહન પર થયેલા આતંકવાદી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા. હવે કઠુઆ આતંકી હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સ નામના આતંકી સંગઠને લીધી છે. આતંકવાદી સંગઠન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓએ એમ4 એસોલ્ટ રાઈફલ્સ, ગ્રેનેડ અને અન્ય હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

RTO માં લર્નિંગ લાઈસન્સ પરીક્ષામાં નવી છૂટછાટ જાહેર

આરટીઓમાં લર્નિંગ લાઈસન્સ માટે લેવામાં આવતી ઓનલાઈન પરીક્ષામાં 15માંથી 9 પ્રશ્ર્નો સાચા હશે તો ઉમેદવાર પાસ ગણાશે. જોકે હમણા સુધી 15માંથી 11 પ્રશ્ર્નો સાચા હોય તો જ ઉમેદવારને પાસ ગણાતા હતા. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે ઉમેદવારોને સરળતા રહે તે હેતુથી લર્નિંગ લાઈસન્સ માટેની પરીક્ષાના નિયમો થોડા હળવા કર્યા છે. પરીક્ષા ઓનલાઈન મોડમાં હોવાના કારણે ઓછું ભણેલા લોકોને પરીક્ષામાં મુશ્ર્કેલી પડતી હતી.આ અંગે કમિશનર કચેરી ખાતે રજૂઆતો આવતી હોવાના કારણે નિયમોમાં છૂટછાટ કરવાની ફરજ પડી છે.

રાજકોટ શહેરમાં કોલેરાનો કેસ નોંધાયો

રાજકોટ શહેરમાં કોલેરાનો કેસ નોંધાતા ફફડાટ મચી ગયો છે. રાજકોટના લોહાનગરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો છે. દોઢ વર્ષનું બાળક કોલેરા સંક્રમિત થયું છે. બાળક કોલેરા સંક્રમિત થતા આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે પહોંચી છે. એક સપ્તાહ પૂર્વે શહેરમાં કોલેરાનો પ્રથમ કેસ નોંધાયો હતો. મનપા દ્વારા સર્વેલન્સ ચાલુ કરાયું હતું. 448 ઘરમાં તપાસ કરાઈ હતી.

ગોલ્ડ સ્મગલિંગ માટે અનોખી તરકીબ અજમાવી

દુબઈથી સુરત સોનાની હેરાફેરી કરતા એક મહિલા સહિત 4 શખ્સ ઝડપાયા છે. આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડની પેસ્ટ બનાવીને સોનું સુરતમાં ઘુસાડતા હતા.એરપોર્ટ પર ગોલ્ડ ડિટેક્ટ ન થાય તે માટે ખાસ કેમિકલ એકવારીઝિયા આરોપીઓ વાપરતા હતા. જોકે તેમ છતાં પણ સોનાની હેરાફેરી કરતી ગેંગ એરપોર્ટ પર આવતા સુરત SOGએ ઝડપી પાડી હતી. સમગ્ર ઘટના બહાર લાવવા માટે ઘરેણાં બનાવનાર કારીગર પાસે પેસ્ટની તપાસ કરાવી હતી, કારીગરે પેસ્ટ ઓગાળ્યું તો રૂપિયા 64,89,000નું 927 ગ્રામ સોનું નીકળ્યું હતું. આ સાથે ગોલ્ડ સ્મગલિંગ કરતા પકડાયેલ એક દંપતી સહિત તમામ આરોપીઓ માંગરોળના વતની છે.

ઓસ્ટ્રેલિયામાં વિશ્વનું પ્રથમ ઓલ-વેધર ઇન્ડોર ક્રિકેટ સ્ટેડિયમ બનશે.

ક્રિકેટ મેચ દરમિયાન હવામાનની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વરસાદ દરમિયાન સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત મોટી ટુર્નામેન્ટ વરસાદને કારણે બગડી જાય છે.આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકો અને ક્રિકેટરો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં વિશ્વનું પ્રથમ ઓલ-વેધર ઇન્ડોર ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે, જેથી કોઈ ખરાબ હવામાન મેચમાં ખલેલ પહોંચાડી ન શકે. આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના ટાસ્માનિયા ટાપુમાં બનાવવામાં આવશે.