આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન ૪૭ બાળલગ્નો અટકાવાયા
આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન ૪૭ બાળલગ્નો અટકાવાયા
જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા બાળસુરક્ષા એકમ, આણંદ દ્વારા પોલીસ વિભાગ અને ચાઈલ્ડ લાઈન (૧૦૯૮)ના સહયોગથી બાળલગ્નો અટકાવવામાં આવ્યા
આણંદ,
જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા બાળસુરક્ષા એકમ, આણંદ દ્વારા પોલીસ વિભાગ અને ચાઈલ્ડ લાઈન (૧૦૯૮)ના સહયોગથી એપ્રિલ થી જુન ૨૦૨૩ એમ છેલ્લા ત્રણ માસ દરમિયાન આણંદ જિલ્લામાં ૪૭ બાળલગ્નો અટકાવવામાં આવ્યા છે.
એપ્રિલ થી જુન દરમિયાન જિલ્લામાં લગ્નની સિઝન હોવાથી મોટા પ્રમાણમાં લગ્નો થતા હોય છે. જેમાં બાળલગ્નો થવાની સંભાવના રહેલી હોય, જેને ધ્યાને લઈ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી આર.આર. દેસાઈ દ્વારા જિલ્લા બાળસુરક્ષા એકમ, પોલીસ વિભાગ, ચાઈલ્ડ લાઈન (૧૦૯૮) સાથે સંકલન કરી જિલ્લાના વિવિધ સ્થળોએ તપાસ કરીને કુલ ૪૭ બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બાળકોના માતા-પિતા, વાલી તથા સમૂહલગ્નના આયોજકોમાં કાયદાની પૂરતી જાણકારીના અભાવે ૧૮ વર્ષથી વધુ વયના છોકરા અને છોકરીના લગ્ન કરાવી શકાય છે તેવી ગેરસમજ હોય છે, જેને દૂર કરી બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ કાયદાની જોગવાઈ મુજબ છોકરીની ઉંમર ૧૮ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષ કરતાં ઓછી હોય તો એવા લગ્નોને બાળલગ્ન કહેવાય છે તેમ સમજાવીને સમુહ લગ્નના આયોજકો અને સમુહ લગ્નમાં હાજર તમામ લોકોને કાયદાની વિસ્તૃત સમજણ આપી ભવિષ્યમાં આ બાબતે તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું.
*****