SAVE_20240601_201228

ગુજરાતમાં 24,700 કાયમી શિક્ષકોની ભરતી કરાશે, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

આજની 10 મહત્વની ખબર

ગુજરાતમાં 24,700 કાયમી શિક્ષકોની ભરતી કરાશે, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

TAT અને TET ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે .ગુજરાત રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને સરકાર હરકતમાં આવી છે. તાજેતરમાં જ TAT અને TET ભરતી મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શન બાદ સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિક 7500 શિક્ષકોની ભરતી કરાશેનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. TAT 1 અને TAT 2 માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે. ત્યારે આજે રાજ્ય સરકાર કુલ 24700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી જાહેર કરીછે કેબિનેટ બેઠકમાં ભરતીને મંજૂરી અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ ઉમેદવારો દ્વારા આંદોલન કરાયું હતું, ત્યારબાદ સરકારી ઉંઘ ઊડી હોય એવું લાગી રહ્યું છે.

સુરતમાં ટ્રાફિક સિગ્નલના ટાઈમિંગને લઈને વિરોધ

સુરતમાં શરૂ થયેલી ટ્રાફિક સિગ્નલની સિસ્ટમથી લોકોને ઠેર ઠેર હાલાકી પડતી હોવાની બૂમ ઉઠી છે. ત્યારે પુણા સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. સોસાયટી બહાર રસ્તા નહીં હોવાથી લોકો રોંગસાઈડ જવા મજબૂર બન્યા છે. જેથી સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. અનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મોંઘવારી પીચ પર ટામેટાએ સદી ફટકારી,બટાટાએ અડધી સદી વટાવી

ચોમાસાએ લગભગ સમગ્ર દેશને આવરી લીધો છે. ભારે વરસાદ વચ્ચે બટાટા, ટામેટાં અને ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. રિટેલ માર્કેટમાં મોંઘવારી પીચ પર ટામેટાએ સદી ફટકારી છે. ડુંગળી 90 પર છે અને બટાટા પચાસના દાયકા તરફ આગળ વધી રહ્યા છે. મંગળવારે દેશમાં ટામેટાની મહત્તમ કિંમત 130 રૂપિયા હતી. જ્યારે ડુંગળી 90 રૂપિયા અને બટાટા 80 રૂપિયા પર પહોંચી ગયા છે.આ આંકડા ગ્રાહક મંત્રાલયની વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.

ST ડેપોના કર્મચારીઓની દારૂની મહેફિલ,3 કર્મચારીઓને સસ્પેન્ડ

સુરત બાદ હવે બનાસકાંઠામાં સરકારી કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા હોવાની ઘટના સામે આવી છે. અંબાજી ST ડેપોના કર્મચારીઓના વિદાય સમારંભ બાદ એસટી વિભાગનાં કેટલાક કર્મચારીઓ દ્વારા દારૂની પાર્ટી કરવામાં આવી હતી. આ પાર્ટીનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ ST નાં 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.

UK, ચૂંટણી,અપક્ષ ઉમેદવારો પણ ગુજરાતી,લેસ્ટર બેઠક પર 10 ઉમેદવારો પૈકી 3 મૂળ ભારતીય ઉમેદવાર

બ્રિટનમાં 4 જુલાઈએ નવા હાઉસ ઓફ કોમન્સ અને નવી સરકારની પસંદગી માટે મતદાન યોજાશે. લેસ્ટર ઇસ્ટ બેઠક પર ત્રણ ભારતીયો વચ્ચે રસાકસી જામી છે. મૂળ લેબર પાર્ટી, ટોરી પાર્ટી વચ્ચે જંગ તો જામશે જ પરંતુ અપક્ષ ઉમેદવારો પણ ગુજરાતી છે. 650 સીટ માટે યોજાનારી આ સામાન્ય ચૂંટણીમાં 326 સીટ પર વિજેતા બનનાર રાજકીય પાર્ટી સરકાર બનાવશે. કન્ઝર્વેટિવ અને લેબર પરંપરાગત રીતે યુકેની "ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ" ચૂંટણી પ્રણાલી હેઠળ બ્રિટિશ રાજકારણ પર પ્રભુત્વ ધરાવે છે.મહત્ત્વનું છે કે, બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ચૂંટણીના ઉમેદવાર રાજેશ અગ્રવાલ માટે પ્રચાર કર્યો હતો.લેસ્ટર બેઠક પર કુલ 10 ઉમેદવારો ઉમેદવારી કરી રહ્યા છે. કુલ 10 ઉમેદવારો લેબર પાર્ટીના એક ઉમેદવાર સહિત કુલ 3 મૂળ ભારતીય ઉમેદવારો છે. આ ત્રણ ઉમેદવારમાં એક તો મુળ ગુજરાતી છે.

ગોધરા NEET પરીક્ષા કૌભાંડ મામલે નવો ઘટસ્ફોટ

ગોધરા નીટ પરીક્ષા કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ ઘટનાની તપાસ કરી રહેલી CBI દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. CBI પૂછપરછમાં નવો ઘટસ્ફોટ થયો છે. આરોપી તુષાર ભટ્ટ શિક્ષક ન હોવા છતાં નીટ કેન્દ્રનો સુપ્રિટેડન્ટ બનાવવામાં આવ્યો હતો. નીટ મુદ્દે ફરિયાદ નોંધાયા બાદ તુષાર ભટ્ટ સ્કૂલમાં ફરજ બજાવતો ન હોવા છતા દિક્ષિત પટેલ દ્વારા સ્કૂલમાંથી ફરજ મુક્ત કર્યો હોવાનો પત્ર જાહેર કર્યો હતો.

સંસદમાં રાહુલના નિવેદન બાદ રોડ પર હોબાળો, ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુત્વ વિરુદ્ધ આપેલા નિવેદન પછી દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાજપે આ નિવેદનને હિન્દુત્વ સાથે જોડી દેશભરમાં પ્રદર્શન શરૂ કર્યા છે. દેશભરના કોંગ્રેસ કાર્યાલયની સામે ભાજપના કાર્યકરોએ વિરોધ શરૂ કર્યો છે. ગુજરાતમાં પણ તમામ શહેરોમાં વિરોધ કરાયો. પરંતુ અમદાવાદમાં જે વિરોધ થયો તેને આખા ગુજરાત અને દેશનું ધ્યાન ખેંચ્યું.ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ સામ સામે પથ્થરો ચલાવ્યા.

ભારતીય ક્રિકેટ ટીમના કોચ વીવીએસ લક્ષ્‍મણના રાહબરી હેઠળ ટીમ ઝિમ્બાબ્વે જવા રવાના 

T-20 વર્લ્ડ ચેમ્પિયન ટીમના ખેલાડીઓને બાદ કરતાં લગભગ બી ગ્રેડની પરંતુ યુવાન અને પ્રતિભાશાળી ક્રિકેટર્સથી ભરપુર એવી ભારતીય ક્રિકેટ ટીમ કોચ વીવીએસ લક્ષ્‍મણના રાહબરી હેઠળ મંગળવારે ઝિમ્બાબ્વે જવા રવાના થઈ હતી. ભારતીય ટીમનો કેપ્ટન શુભમન ગિલ અમેરિકામાં છે અને તે ત્યાંથી સીધો જ હરારે ખાતે ટીમ સાથે જોડાઈ જશે.ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે શુક્રવારથી પાંચ મેચની ટી20 સિરીઝનો પ્રારંભ થશે.

અમદાવાદમાં રાહુલ ગાંધીના પૂતળાં ના દહન સાથે વિરોધ પ્રદર્શન

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારના વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન દ્વારા બાપુનગર ચાર રસ્તા ઉપર રાહુલ ગાંધી દ્વારા સંસદ ભવનમાં સત્તા પક્ષ તથા વિરોધ પક્ષની ટીપ્પણીના ઘમાસાન વચ્ચે થયેલા વિવાદ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ બાપુનગર જિલ્લાના બજરંગદળ સંયોજક સાગરભાઈ જટિયાનાં અધ્યક્ષ સ્થાનેથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળાં દહન તથા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

ભારતીય મૂળના મહિલા બની શકે છે અમેરિકાના નવા પ્રમુખ !?

અમેરિકામાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજવા જઈ રહી છે તે પહેલા અમેરિકન રાજકીય વિવેચક અને લેખક ટકર કાર્લસને દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ જો બાયડનને ડિમેન્શિયા છે અને મુખ્ય પ્રવાહના મીડિયા પર આ હકીકત દેશથી છુપાવવાનો આરોપ લગાવ્યો છે. ભૂતપૂર્વ ફોક્સ ન્યૂઝ હોસ્ટે એવો પણ દાવો કર્યો હતો કે ડેમોક્રેટ્સ ટૂંક સમયમાં જ બાયડનની જગ્યાએ કમલા હેરિસને પ્રમુખ બનાવી શકે છે.અમેરિકાના ફોક્સ ન્યૂઝના પૂર્વ હોસ્ટ ટકર કાર્લસના દાવાથી સનસનાટી મચી ગઈ છે.