ઈલ્સાસ કોલેજનો 15મો વાર્ષિકોત્સવ ઉજવાયો
C.V.M યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર સંચાલિત
ઈલ્સાસ કોલેજનો 15મો વાર્ષિકોત્સવ ઉજવાયો
સી.વી.એમ યુનિવર્સિટીનાં ચેરમેન ભીખુભાઈ પટેલ અને યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડાઓએ કોલેજ પરિવારને શુભેચ્છા પાઠવી
આણંદ ટુડે | વલ્લભ વિદ્યાનગર
શૈક્ષણિક નગરી વિદ્યાનગર ખાતે આવેલી સી.વી.એમ. યુનિવર્સિટી સંચાલિત ઈલ્સાસ કોલેજમાં તારીખ ૧૨ એપ્રિલ, ૨૦૨૪ શુક્રવારે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કવિયત્રી, શિક્ષક, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, કવિતા માટે આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરસ્કાર પ્રાપ્ત કરનાર એવા ડૉ.સોનાલી પટનાયકે વિશેષ હાજરી આપી હતી. આ ઉપરાંત સી.વી.એમ. યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઈ પટેલ, કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.સી.એન. અર્ચના, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીનીઓ દ્વારા મધુર પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ ડો.સી.એન. અર્ચનાએ સંસ્થાના શૈક્ષણિક અહેવાલનું પઠન કર્યું હતું. આ ઉપરાંત વાઈસ પ્રેસિડેન્ટ ઑફ સ્ટુડન્ટ કાઉન્સિલ ડૉ. નાજમા પઠાને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનો અહેવાલ રજુ કર્યો હતો.
આ પ્રસંગે કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓને જુદા જુદા સર્ટિફિકેટસ અને પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બેસ્ટ મેન્ટર મેલ તરીકે નિતીન રોહિત અને બેસ્ટ મેન્ટર ફીમેલ તરીકે હેત્વી મહેતાને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, સ્ટુડન્ટ ઓફ ધ યર મેલ શ્રેણીમાં BA Psychology નાં વિદ્યાર્થી હુઝેફા મગર અને સ્ટુડન્ટ ઓફ ધ યર ફિમેલ શ્રેણીમાં MA ELT ની વિદ્યાર્થિની કૃપાલી રૂપારેલને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોલેજના જનરલ સેક્રેટરી પિયુષ ગાંધીના માતા શ્રીમતી સોનલ હિરેનકુમાર ગાંધી અને પિતા શ્રીમાન હિરેનકુમાર વિનોદભાઈ ગાંધીને તેમજ શ્રીમતી તૃપ્તિ નીતિન શાહ અને શ્રીમાન નીતિન પ્રમોદ શાહને પણ એનલાઇટેડ પેરેન્ટ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા એનલાઇટેડ એલ્યુમનસ એવોર્ડ માટે વાસુ પટેલ, બેસ્ટ જર્નલિસ્ટ તરીકે નિતીન રોહિત,બેસ્ટ એચિવર માટે પ્રાપ્તિ સરગરા અને બેસ્ટ એન.સી.સી. કેડેટ ભાર્ગવ સારીખાડાની પસંદગી કરવામાં આવી હતી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ.સોનાલી પટનાયકે પ્રસંગોચિત સંબોધન આપતા જણાવ્યું હતું કે, “ વિદ્યાર્થીઓએ પોતાનાં શૈક્ષણિક જીવન દરમિયાન સતત સપના જોતાં રેહવું જોઈએ. વિદ્યાર્થીનાં સપનાની સીમા ફક્ત અને ફક્ત આકાશ હોવું જોઈએ. એમણે જણાવ્યું હતું કે જાતીય સમાનતા ફક્ત મહિલાઓ માટે જ નથી પણ સમાજમાં પુરુષોને પણ સમાન સમજવા જરૂરી છે. સમાજમાં જૈવિક તફાવત ન રાખતાં પુરુષ-સ્ત્રીને પોતાની ઈચ્છા અનુસાર સ્વપ્નની પસંદગી કરવાની આઝાદી હોવી જોઈએ.”
આ પ્રસંગે સી.વી.એમ યુનિવર્સિટીનાં ચેરમેન ભીખુભાઈ પટેલ અને યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડાઓ દ્વારા સમગ્ર કાર્યક્રમ માટે કોલેજ પરિવારને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વાર્ષિકોત્સવ કાર્યક્રમ પછી બપોરે વિદાય સમારંભ પણ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ પોતાની લાગણીઓ અને પોતાની આવડત રજુ કરી હતી.