AMUL CLEAN FUEL Car Rally flagged off

૧૨ બાયો C.N.G કાર ની ‘અમૂલ ક્લીન ફ્યુઅલ રેલી’નો પુના થી પ્રારંભ

૧૨ બાયો C.N.G કાર નીઅમૂલ ક્લીન ફ્યુઅલ રેલી’નો પુના થી પ્રારંભ 

26મી નવેમ્બરના રોજ ડૉ. વર્ગીસ કુરિયનના સન્માનમાં તેમની જન્મજયંતિ નેશનલ મિલ્ક ડે તરીકે મનાવાય છે.

આ દિવસે  એટલે કે તા. 26 નવેમ્બરના રોજ આ રેલી આણંદ આવી પહોંચશે

આણંદ ટુડે I પુના
આગામી તા. 26 નવેમ્બરના રોજ નેશનલ મિલ્ક ડે ના ઉજવણીના ભાગરૂપે “અમૂલ ક્લીન ફ્યુઅલ બાયોસીએનજી કાર રેલી” ને સોમવારે પુનાથી લીલી ઝંડી આપવામાં આવી હતી. આ ૧૨ બાયોસીએનજી કાર ની રેલી મુંબઈ અને ગુજરાતનાં કેટલાંક શહેરોમાં પ્રવાસ કરીને તા. 26 નવેમ્બરના રોજ આણંદમાં પહોંચશે અને ત્યાં રેલીનુ સમાપન થશે. 26 નવેમ્બર, ડૉ.વર્ગીસ કુરિયનની સ્મૃતિમાં નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે.

આ કાર્યક્રમનું આયોજન પુણે નજીકના ખેડ ખાતે કરવામાં આવ્યું હતું. અમૂલ રૂ. 500 કરોડના રોકાણ સાથે અત્યાધુનિક પ્લાન્ટ લગાવી રહી છે. આ પ્લાન્ટ પ્રતિ દિવસ 5 લાખ લિટર દૂધ પ્રોસેસીંગ અને 1 લાખ લિટર પ્રતિ દિવસ આઈસ્ક્રીમ ઉત્પાદનની ક્ષમતા ધરાવશે. આ પ્લાન્ટ માટે દૂધની ખરીદી મહારાષ્ટ્રમાંથી કરવામાં આવશે.

દેશમાં ડેરી ક્રાંતિના પ્રતિક તરીકે અને સરક્યુલર ઈકોનોમિ તથા સસ્ટેનેબલ ફાર્મિંગ (આત્મનિર્ભર ખેતી) માટેની કટિબધ્ધતા વ્યક્ત કરવા માટે યોજાયેલી આ રેલીને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન) ના મેનેજિંગ ડિરેકટર શ્રી જયેન મહેતા, મારૂતિ સુઝુકી ઈન્ડીયા લિમિટેડના ડિરેકટર (સસ્ટેઈનેબિલિટી) શ્રી કેનીચીરો તોયોફુકુ, ડૉ.વર્ગીસ કુરિયનના દીકરી નિર્મલા કુરિયન એ લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે અમૂલ ફેડરેશન અને મારૂતિ સુઝુકી ઈન્ડીયાના અન્ય મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યા હતા. 

શ્રી મહેતાએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે મારૂતિ સુઝુકી સાથે મળીને “અમૂલ ક્લીન ફ્યુઅલ બાયોસીએનજી કાર રેલી” યોજતાં અમે રોમાંચ અનુભવીએ છીએ. આ સહયોગને ઉદ્દેશ ગાયના છાણનુ બાયોગેસમાં રૂપાંતર કરવાની નવી ક્રાંતિ મારફતે ડેરી પ્રવૃત્તિને વધુ પર્યાવરણલક્ષી અને ટકાઉ બનાવવાનો તથા ડેરી ક્ષેત્રના ખેડૂતો માટે આવકનુ નવુ સાધન ઊભું કરવાનો છે. ભારતની અત્યંત વિશ્વાસપાત્ર ફૂડ બ્રાન્ડ અમૂલ અને દેશમાં સૌથી વધુ પ્રચલિત કાર બ્રાન્ડ મારૂતિ સુઝુકી બંને સાથે મળીને સસ્ટેનેબલ ફાર્મીંગ અને ડેરી ક્રાંતિનો સંદેશ સમગ્ર દુનિયામાં પ્રસરાવશે.

આ પ્રસંગે  મારૂતિ સુઝુકી ઈન્ડીયા લિમિટેડના ડિરેકટર (સસ્ટેઈનેબિલિટી) કેનીચીરો તોયોફુકુએ જણાવ્યુ હતું કે “બાયોસીએનજી એ ભારતનો અત્યંત ટકાઉ મોબિલીટી ફ્યુઅલ વિકલ્પ છે અને તે ગ્લોબલ વોર્મીંગ ઘટાડવામાં નોંધપાત્ર અસરકારકતા દાખવી શકે તેમ છે. TERI ના સંશોધન મુજબ દર કિ.મિ. દીઠ પેટ્રોલ, ઈવી અને બાયોફ્યુઅલથી ચાલતા વાહનમાં અનુક્રમે 184g, 150g અને -1097g Co2 એમિશન છૂટે છે. સ્પષ્ટપણે બાયોસીએનજી એ પર્યાવરણ ઉપર નેટ ઝીરો કાર્બન એમિશન ધરાવતું ઉત્તમ કાર્બન માઈનસ ફ્યુઅલ છે. સુઝુકી બાયોસીએનજીને પ્રોત્સાહન આપી રહી છે અને અમૂલ જોડે સંકળાયેલી ડેરીઓ સાથે મળીને સંયુક્તપણે 4 બાયોસીએનજી પ્લાન્ટ સ્થાપશે”


શ્રીમતી નિર્મલા કુરિયને તેમના પિતા ડૉ. વર્ગીસ કુરિયન દ્વારા નિર્ધારિત મૂલ્ય પ્રણાલી અને પ્રક્રિયાઓનું વર્ણન કર્યું. તેણીએ દૂધ સંગ્રહ અને સંસ્થાના નિર્માણ માટે લોકશાહીકરણ માટેના તેમના જુસ્સાને પ્રકાશિત કર્યો. તેમણે અમૂલ અને મારુતિ સુઝુકીને પરિપત્ર અર્થતંત્ર શક્તિ દર્શાવવા માટે તેમની પહેલ માટે આભાર માન્યો જે ખેડૂતો માટે વધારાની આવક પેદા કરશે અને બહેતર પર્યાવરણ માટે ઇકો સિસ્ટમ બનાવશે.

ગાયના છાણનું ઓર્ગેનિક ખાતર અને બાયોફ્યુઅલમાં રૂપાંતરિત કરવાનો આ નવતર પ્રયાસ ડેરી ક્ષેત્રના ખેડૂતો માટે આત્મનિર્ભર સરક્યુલર ઈકોનોમિનુ નિર્માણ કરશે. આ ઉપરાંત પોષણયુક્ત ઉત્પાદનોનુ નિર્માણ કરીને ખેડૂતોનું સશક્તિકરણ કરાશે અને એ દ્વારા પર્યાવરણ અને ભાવિ પેઢીના વિકાસમાં યોગદાન પ્રાપ્ત થશે. 
“અમૂલ ક્લીન ફ્યુઅલ બાયોસીએનજી કાર રેલી” મંગળવારે મુંબઈ આવી પહોંચશે. તા. 26 નવેમ્બરે આણંદ પહોંચતાં પહેલાં આ રેલી, 1400 કિ.મિ.થી વધુ અંતર કાપીને વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગોધરા, હિંમતનગર, પાલનપુર, મહેસાણા અને અમદાવાદનો પ્રવાસ કરશે.  

આ રેલીનો ઉદ્દેશ ભારતના ડેરી ક્ષેત્રનુ પર્યાવરણલક્ષી પાસુ દર્શાવવાની સાથે સાથે વર્ષ 2030 સુધીમાં વિશ્વના દૂધ ઉત્પાદનમાં 33% યોગદાન આપીને “વિશ્વની ડેરી” બનવા અંગેનો નિર્ધાર વ્યક્ત કરવાનો છે.”

ડૉ. કુરિયનની આગેવાની હેઠળ “શ્વેત ક્રાંતિ” અને 1970માં શરૂ કરાયેલા “ઓપરેશન ફ્લડ” ના અમૂલ મોડેલ મારફતે છેલ્લા 75 વર્ષમાં લાખો ખેડૂતો માટે કાયમી અને ટકાઉ આવક ઉભી કરવાની કામગીરી કરવામાં આવી છે. ભારતે  દૂધની અછત ધરાવતા દેશમાંથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યુ છે. ડૉ. કુરિયને ડેરી વિકાસમા અમૂલ મોડેલનું દેશમાં વિવિધ ડેરી સહકારી બ્રાન્ડ મારફતે ઠેર ઠેર પુનરાવર્તન કર્યુ છે અને એના દ્વારા ભારતનો ડેરી ઉદ્યોગ વધુ સક્ષમ અને મજબૂત બન્યો છે.

140 કરોડ ભારતીયો માટે ખાદ્ય  સુરક્ષા પ્રાપ્ત થઈ છે અને જેમના પ્રયાસોથી ભારત ડેરી ઉદ્યોગમાં આત્મનિર્ભર બની શકયુ છે તેવી ડેરી ક્ષેત્રની કરોડો મહિલાઓને નેશનલ મિલ્ક ડે સમર્પિત કરવામાં આવે છે.

અમૂલ એ ભારતની સૌથી મોટી રૂ.72,000 કરોડ (9 અબજ ડોલર)નુ મૂલ્ય ધરાવતી એફએમસીજી બ્રાન્ડ છે અને 36 લાખ ખેડૂતો તેના માલિક છે, જે દૈનિક 300 લાખ લીટર દૂધનુ યોગદાન આપે છે. 100 ડેરી, 85 બ્રાન્ચ, 15,000 વિતરકો, અને 10 લાખ રિટેઈલર્સનો સમૂહ ધરાવતી અમૂલ 50થી વધુ દેશમાં વાર્ષિક 20 અબજ પેકેટ ડેરી પ્રોડકટસનુ વિતરણ કરે છે.