IMG-20230614-WA0027

પર્યાવરણ અને સ્વચ્છતા માટે અન્યો માટે પ્રેરણારૂપ ૧૧૪ વર્ષ જૂની આણંદની ગોપાલપુરા પ્રાથમિક શાળા

પર્યાવરણ અને સ્વચ્છતા માટે અન્યો માટે પ્રેરણારૂપ ૧૧૪ વર્ષ જૂની આણંદની ગોપાલપુરા પ્રાથમિક શાળા

 ગો ગ્રીન બિલ્ડિંગ સ્પર્ધા અંતર્ગત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવનારી એકમાત્ર સરકારી શાળા

 શાળા દ્વારા દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવ્યુ છે ૪૦૦થી વધુ છોડનું વૃક્ષારોપણ

 ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે શાળાને આપ્યો છે પર્યાવરણના જતન માટે વર્ષ-૨૦૨૩નો એવોર્ડ

 ગુણોત્સવમાં ૮૫.૮૬ ટકા સાથે “ગ્રીન-૩ સ્ટાર” પ્રથમ ક્રમાંક મેળવતી જિલ્લાની એક્માત્ર સરકારી શાળા

 સરકારના મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ- ૧૦૦ દિવસની શાળા પ્રોજેક્ટમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ શાળા

 દાતાઓ દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં આપવામાં આવ્યુ છે રૂપિયા ૯૧ લાખની માતબર રકમનું દાન

 સ્માર્ટ ક્લાસ, વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ વગેરે સુવિધાઓથી સજ્જ શાળા કેમ્પસ

આણંદ,

એક એવી સરકારી શાળા કે જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે આપવામાં આવે છે જીવનના મૂલ્યો અને પ્રકૃતિના અમૂલ્ય વારસાને સાચવવાનું જ્ઞાન. એક એવી સરકારી શાળા કે જ્યાં બાળકોનો ખરા અર્થમાં થાય છે સર્વાંગી વિકાસ. એક એવી સરકારી શાળા કે જેણે પર્યાવરણ ક્ષેત્રે દેશની ખાનગી શાળાઓને હંફાવીને હાંસલ કર્યુ છે પ્રથમ સ્થાન. એક એવી સરકારી શાળા કે જેણે ૧૧૪ વર્ષથી સ્વચ્છતા અને પર્યાવરણના જતનમાં અવિરત યોગદાન આપીને સમગ્ર દેશમાં ગુજરાતનું અને આણંદનું ગૌરવ વધાર્યું છે, તે છે આણંદ તાલુકામાં આવેલી ગોપાલપુરા પ્રાથમિક શાળા. 

છેલ્લા ૧૧૪ વર્ષથી આણંદ તાલુકાના ગોપાલપુરા, વડોદ, વઘાસી વગેરે વિસ્તારમાં રહેતા બાળકોના પ્રાથમિક શિક્ષણ માટેની ગંગોત્રી સમાન ગોપાલપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં શૈલિનબેન ડાભીએ જણાવ્યુ હતું કે તેઓ શાળામાં છેલ્લા ૧૦ કરતાં વધુ સમયથી શાળામાં ફરજ બજાવી રહ્યા છે. વર્ષ ૧૯૦૯ માં શાળાની શરૂઆત થઈ ત્યારથી શાળાનો ધ્યેય વિદ્યાર્થીઓને પ્રકૃતિના મહત્વ વિશે સમજાવી તેમને પર્યાવરણ માટે જાગૃત કરવાનો રહ્યો છે જે માટે શાળાનો સ્ટાફ હંમેશા કાર્યરત હોય છે.

ગોપાલપુરા અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને શહેરોની શાળાઓ સમાન જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા વર્ષ ૧૯૦૯માં ગોપાલપુરા ગ્રામ પંચાયત હસ્તકની જમીન પર જ શાળાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં માત્ર બે ઓરડા સાથે ચાલુ થયેલ શાળાના વિકાસમાં સરકારની સાથે અન્ય દાતાઓનું પણ મોટું યોગદાન રહ્યું છે. પ્રારંભિક તબક્કામાં પણ દાતાઓના સહયોગથી શાળામાં ત્રણ ઓરડાઓનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. સરકાર અને દાતાઓના સહયોગથી આજે ગોપાલપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ૧૨ ઓરડાઓની વ્યવસ્થા છે. જેમાં સ્માર્ટ ક્લાસ સાથેના ૮ વર્ગખંડો, ૧ સાયન્સ લેબ, ૧ પુસ્તકાલય, અમૂલ અને પ્રથમ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે આપેલ ૧૦ લેપટોપ સાથે ૧ કોમ્પ્યુટર લેબ,  આકસ્મિક તબીબી સારવાર માટે ૧ રૂમ, ૧૦ સી.સી.ટી.વી. કેમેરા, બે આર.ઓ.અને બે વોટર કુલર, કન્યાઓ અને કુમારો માટે અલગ-અલગ સેનિટેશનની સુવિધા, મધ્યાહન ભોજન માટે રૂમ-રસોડું, શાળાના બાળકો માટે ૩૦૦ ડિનર-સેટ વગેરે સુવિધાઓ તો ઉપલબ્ધ છે જ આ ઉપરાંત દાતાઓ તરફથી તાજેતરમાં મળેલ રૂ. ૫૪ લાખની દાનની રકમથી આગામી સમયમાં શાળામાં ૪ વર્ગખંડો અને એક કોમ્પ્યુટર લેબ તૈયાર કરવામાં આવનાર છે.

આ સિવાય એન.ડી.ડી.બી.ના સહયોગથી દૂધ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને દરરોજ ફ્લેવર્ડ દૂધ પણ આપવામાં આવે છે. તેમજ શાળામાં મધ્યાહન ભોજનની સુવિધા સાથે વિદ્યાર્થીઓનું વાર્ષિક તબીબી પરિક્ષણ પણ કરવામાં આવે છે અને જરૂરી વિટામિન્સ અને સપ્લીમેન્ટસનું વિતરણ પણ કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ આંકલાવ રેડક્રોસના સહયોગથી શાળાના બાળકોને જૂનીયર રેડક્રોસ કોર્ષ કરાવવામાં આવે છે, જેમાં તેમને આરોગ્યલક્ષી પ્રાથમિક સારવારની તાલીમ આપવાની સાથે શાળા દ્વારા કન્યાઓને સ્વરક્ષણ તાલીમ પણ આપવામાં આવે છે. 

શાળાના આચાર્ય શૈલીબેન ડાભીની દૂરદર્શિતાના કારણે શાળાએ છેલ્લા ૧૦ વર્ષમાં ઘણી સફળતાઓ હાંસલ કરી. જેમ કે એન.એસ.પટેલ કોલેજમાં ચાલતી રાઇફલ શૂટીંગની તાલીમમાં શાળાના બાળકોને તાલીમ અપાવવાના પગલે શાળાના બાળકોએ જિલ્લા કક્ષાની સ્પોર્ટસ સ્પર્ધામાં ભાગ લઈને અંડર-૧૨ ગર્લ્સ અને બોયસ રાઇફલ શૂટીંગમા પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવીને ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ શાળાને નામ કર્યો છે. શાળાના બાળકો દ્વારા કલામહાકુંભમાં ભાગ લઈ સતત 3 વર્ષ સુધી લગ્નગીતમાં પ્રથમ ક્રમાંક અને લોકવાર્તામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. શાળાના ૨૧ બાળકો દ્વારા ચલાવવામાં આવતું મ્યુઝિક બેન્ડ કે જેણે રાજ્યસ્તરના કાર્યક્રમમાં જઈને પોતાની કળાનું પ્રદર્શન કર્યુ છે અને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્રશંસા મેળવી છે. શાળા દ્વારા ચલાવવામાં આવતી શાળા નર્સરીએ બિજબેન્કમાં વિદ્યાર્થીઓએ દ્વારા બીજ ભેગા કરવામાં આવે છે અને ચોમાસાની ઋતુમાં છોડ રોપવામાં આવે છે અત્યાર સુધીમાં શાળા દ્વારા ૪૦૦ છોડનું વાવેતર કરવામાં આવ્યુ છે. શાળાના બાળકોની આંતરિક અને બાહ્ય કૌશલને વાચા આપવાના ઉદ્દેશ્યથી દરવર્ષે શાળામાં વાર્ષિકોત્સવ અને રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શાળાના બાવન બાળકોને વર્ષ ૨૦૨૨માં શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ પ્રતિભાશાળી બાળકો તરીકે પસંદ કરી તેમને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણ પત્ર અને બેઝ એનાયત કરવામાં આવ્યા હતા.  

છેલ્લા ૧૦ વર્ષના સમયગાળાની વાત કરીએ તો ગોપાલપુરા પ્રાથમિક શાળાએ અનેક બાબતોમાં એવોર્ડ જીતીને જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આણંદનું નામ રોશન કર્યુ છે. વર્ષ ૨૦૨૧-૨૨માં સમગ્ર દેશમાં ૨૯૦ શાળાઓમાંથી પસંદ થયેલ ૮ શાળાઓ પૈકી એકમાત્ર સરકારી શાળા તરીકે પસંદગી પામવા બદલ આઇ.જી.બી.સી. દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ષ ૨૦૨૩માં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણના જતન માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય શાળાએ મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ અંતર્ગત જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. શાળાએ વર્ષ ૨૦૨૨ માં જિલ્લા કક્ષાનો શાળા સ્વચ્છતાનો એવોર્ડ, પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ તેમજ ગુણોત્સવમાં ૮૫.૮૬ ગુણાંક સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવીને “ગ્રીન 3 સ્ટાર” મેળવનારી એકમાત્ર શાળા બની છે. અત્યારે શાળામાં ધો-૧ થી ૮ માં ૩૦૦થી વધુ બાળકો અભ્યાસ કરે છે જેમાં ૧૪૧ કન્યાઓનો સમાવેશ થાય છે. શાળાને મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ અંતર્ગત ૧૦૦ દિવસની શાળા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મળ્યુ છે. 

આજના આધુનિક ટેકનોલોજીના સમયમાં જો અન્ય સરકારી શાળાઓ પણ ગોપાલપુરા પ્રાથમિક શાળાથી પ્રેરણા લઇને તે રીતની કામગીરી કરી વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાનની સાથે પ્રાયોગિક શિક્ષણ આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે તો ખરેખર રાજ્યની દરેક સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓનો અને સમાજનો સર્વાંગી વિકાસ કરી શકાય છે. 

, ***************