વાહનોથી સાવચેત રહીએ, માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહીએ.
પતંગ ચગાવતી વખતે સમજદારી, સદ્દભાવ અને સાવચેતી રાખીએ.
પતંગ ચગાવવાની મજા કયાંક આપણી કે આપણા પરિવાર માટે ઉદાસીનતામાં ન ફેરવાય ...
ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ચગાવતા આટલું ખાસ ધ્યાન રાખીએ
આણંદ
ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે આ તહેવાર પહેલા અને તહેવાર દરમિયાન બાળકોથી માંડીને યુવાઓ અને અબાલ-વૃધ્ધો સૌ અગાસી પર ચઢીને પતંગ ચગાવવાની મજા અવશ્ય લેતાં હોય છે. પરંતુ આ મજા કયાંક આપણી કે આપણા પરિવાર માટે ઉદાસીનતામાં ન ફેરવાય તે માટે આપણે જો આટલું અવશ્ય કરીશું તો ઉત્તરાયણની મજા મોજ, આનંદ અને ઉત્સાહથી માણી શકીશું.
આ પર્વની મોજ માણતાં પૂર્વે આપણે સૌ પ્રથમ પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખીએ, આપણા ધાબાની પાળીની ઉંચાઇ પૂરતી છે કે કેમ તેની ખાતરી કરી લેવી જોઇએ. ધાબાની અગાસી કરતાં ખૂલ્લાં મેદાનમાં પતંગ ચગાવવાનું વધુ પસંદ કરવું જોઇએ. પતંગ ચગાવતી વખતે સમજદારી, સદ્દભાવ અને સાવચેતી રાખીએ. માનવી, પશુઓ અને વાહનોથી સાવચેત રહીએ, માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહીએ. જયારે બાળકો પતંગ ચગાવતાં હોય ત્યારે એક વાલી તરીકે આપણે તેઓની દેખરેખ રાખીએ.
પક્ષીઓને ઇજા ન થાય તેઓના જીવનું રક્ષણ કરીએ
ઉત્તરાયણના તહેવાર દરમિયાન ખાસ કરીને આપણે સવારે ૬ થી ૮ અને સાંજના ૫ થી ૭ દરમિયાનનો આ જે ગાળો છે તે ખાસ કરીને પક્ષીઓના ગગનમાં વિહરવાનો ગાળો હોઇ આ ગાળા દરમિયાન પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમય દરમિયાન પતંગ ચગાવવાનું ટાળીએ જેથી પક્ષીઓને ઇજા ન થાય અને તેઓના જીવનું રક્ષણ કરી શકીએ.
પતંગ ચગાવવા માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો
ઉત્તરાયણ દરમિયાન ખાસ કરીને સિન્થેટીક વસ્તુઓ અને પ્લાસ્ટીકના ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરી કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ પતંગ ચગાવવા માટે ન કરવો જોઇએ. કારણ કે આ દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે તથા માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકો અને માનવ જીંદગીને પણ અસર કરે છે અને તેના કારણે માનવી ઘાયલ થાય છે અને તેના ઘા ની અસર તહેવારની ઉજવણી બાદ પણ લાંબા સમય સુધી રહેતી હોય છે. ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવીએ, પતંગ કપાઇ જાય તો આવા મકાન ઉપરની છત ઉપરથી પતંગ લેવા કે પકડવા દોડીએ નહીં, વીજળીના તારમાં ફસાયેલા અને સબ સ્ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચ ન રાખીએ. લુઝ કપડાં ન પહેરવા અને ગીચ વિસ્તારોમાં પતંગ ચગાવીએ નહીં જેવી બાબતોની આપણે કાળજી રાખીએ. જો આપણે આટલું કરીશું તો આપણે ઉત્તરાયણનો તહેવાર આનંદથી માણી શકવાની સાથે અન્યોના જીવ પણ બચાવી શકીશું.
કોરોના કહેર સાવધાન,પોતાના પરિવાર સિવાય મિત્રો તથા અન્યોને આપણા ઘરની અગાસી પર ભેગા ન કરીએ
હાલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના સંક્રમણની સ્થિતિમાં વધારો થઇ રહ્યો છે. અને ખાસ કરીને કોરોના સંક્રમણની સાથે નવા વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળી રહ્યા છે. કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ ન વધે અને વધુ ન ફેલાય તેની સંપૂર્ણ કાળજી અને તકેદારી રાખવી એ આપણી નૈતિક ફરજ બની રહે છે ત્યારે ઉત્તરાયણના તહેવાર દરમિયાન આપણા કલ્યાણ, સુખ અને સલામતી તથા સ્વાસ્થ્ય સુખાકારી માટે આપણા પોતાના પરિવાર સિવાય મિત્રો તથા અન્યોને આપણા ઘરની અગાસી પર ભેગા ન કરીએ એ આજના સમયની માંગ છે.