1803403_CON_FEATUREScreenshot_20220822-145150_Google

ઉમરેઠના સુંદલપુરા ગામ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

આણંદ જિલ્લામાં પ્રથમ વખત ગ્રામ્ય કક્ષાએ રોજગાર ભરતી મેળાનું આયોજન

તા. ૧૬ જૂન ના રોજ ગ્રામ્યકક્ષાએ ઉમરેઠના સુંદલપુરા ગામ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

રોજગાર ઇચ્છુક ઉમેદવારોને ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ

આણંદ,

રાજ્ય સરકારના રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા રાજ્યના યુવાઓને રોજગારી મળી રહે તે માટે નિયમિત રીતે રોજગાર માર્ગદર્શન અને ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. દરેક જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા યોજાતા ભરતી મેળામાં ખાનગી કંપનીઓ દ્વારા દસમા ધોરણ થી લઈને અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હોય તેવા ઉમેદવારોની વિવિધ કસોટી દ્વારા પસંદગી કરવામાં આવે છે. આણંદ જિલ્લામાં પણ રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રોજગારીની તક અને રોજગાર મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી કાર્યરત છે.   

આણંદ જિલ્લા રોજગાર કચેરી(મોડેલ કેરીયર સેન્ટર) દ્વારા કરવામાં આવેલી નવતર પહેલના ભાગરૂપે આણંદ જિલ્લામાં પ્રથમ વખત ગ્રામ્ય કક્ષાએ રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું છે. રોજગારવાચ્છું ઉમેદવારોને રોજગારી અને નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મળી રહે તે માટે આગામી તા. ૧૬/૦૬/૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ ‌છે. 

સુંદલપુરા ખાતે યોજાનાર ભરતીમેળાનો લાભ સુંદલપુરા ગામના અને આસપાસના તમામ ગામના યુવાઓને મળી શકશે. જિલ્લાના છેવાડાના ગામોમાં રહેતાં યુવાનોને ઘર આંગણે જ રોજગારીની તક ઉપલબ્ધ થઈ શકે અને તેમને ભરતી મેળા થકી રોજગારી મળી રહે તે માટે રોજગાર કચેરી દ્વારા આ નવતર પહેલ કરવામાં આવી છે. 

આ રોજગાર ભરતી મેળામાં આણંદ તથા અન્ય જિલ્લાના ખાનગી એકમના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની વયના એસ.એસ.સી, એચ.એસ.સી, ડિપ્લોમા ડિગ્રી તથા કોઇપણ અભ્યાસક્રમ સાથે સ્નાતક, અનુસ્નાતક જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે.

વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનાં હેલ્પ લાઈન નંબર ૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા આણંદ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

*********