નારી શક્તિનું પ્રતીક બનતી વડોદરાની જિલ્લા તિજોરી કચેરી:તિજોરી અધિકારી સહિત ૨૦ મહિલા કર્મીઓ
આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ
નારી શક્તિનું પ્રતીક બનતી વડોદરાની જિલ્લા તિજોરી કચેરી:તિજોરી અધિકારી સહિત ૨૦ મહિલા કર્મીઓ
"સવારે ઉઠીને ઓફિસ જતાં ખચકાટ ના લાગે એવુ વાતાવરણ જિલ્લા તિજોરી અધિકારીએ ઉભું કર્યું છે."-ભાવિકા પંડ્યા
વર્ક વિથ સ્માઈલના સૂત્ર સાથે તિજોરી કચેરીના કર્મીઓ કરી રહ્યા છે કામગીરી
આલેખન - કાકુલ ઢાકિઆ
વડોદરા
વડોદરા શહેરના મહત્વના વિભાગ એવા ટ્રેઝરી ડીપાર્ટમેન્ટમાં ટ્રેઝરી ઓફિસર તરીકે ફરજ નિભાવતા શ્રીમતી ગીતાબેનને અહીં વડોદરા આવ્યે હજુ માંડ વર્ષ થશે તોય તેમના આગમનનો પૂરો સકારાત્મક લાભ અહીંના ટ્રેઝરી સ્ટાફને મળ્યો છે. તેઓએ પહેલાં સુરત ખાતે જુનિયર ક્લાર્ક તરીકે ૧૧ વર્ષ સુધી સેવા આપી. જૂન, ૨૦૨૨ માં વડોદરા તિજોરી વિભાગ ખાતે તેઓના હાજર થયા બાદ અહીંનું વાતાવરણ શાંતિમય અને સકારાત્મક બની ગયું છે, એમ અહીંના સમગ્ર સ્ટાફનું કહેવું છે.
ગીતાબેન અહીં હાજર થયા પછી અહીંના દરેક કર્મચારીમાં ઉત્સાહ અને આનંદનો ઉમેરો થયો છે. પહેલાં જાણે એક જ વિભાગમાં કામ કરતાં હોવાં છતાં અમે કોઈ એકબીજાને ઓળખતા નહોતા. પરસ્પર સંબધોની વાત તો ખુબ જ દૂરની વાત હતી. વાર - તહેવાર પણ ક્યારે આવી ને જતા રહે ખબર જ નહોતી પડતી, કોણ ગયું કોણ આવ્યું અને કોણ નિવૃત થયું. એ બધીય બાબતો જાણે નિર્જીવ હતી. પરંતુ હવે અહીં ગીતાબેનના માર્ગદર્શન હેઠળ નાનામાં નાના કર્મચારીથી લઈને દરેકના જન્મદિવસ અને તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. કોઈ કર્મચારીનું કામ વિશેષ હોય તો તેને સન્માનિત કરવામાં આવે છે. ગીતાબેનના કહેવા મુજબ, શિસ્તપાલનની સાથે કામગીરી કરવામાં આવે તે ક્યારેય નિષ્ફ્ળ જતું નથી. અહીં જો કોઈને કામમાં સમસ્યા ઉદભવે તો ગીતાબેન પોતે તેનું નિરાકરણ લાવવામાં મદદરૂપ બને છે અને ઓફિસનો માહોલ ક્યારેય ગંભીર રહેતો નથી. સામાન્ય રીતે જોઈએ તો તિજોરી વિભાગ એટલે આંખે ચશ્માં ચડાવીને ગંભીરતાથી પોતાના કામમાં વ્યસ્ત વ્યક્તિનો આભાસ થાય પણ અહીં એવુ નથી. કારણ કે, અહીં સવારમાં ઓફિસ વર્ક શરૂ કરતાં પહેલાં ૯:૩૦ એ અમે બધાય ઉભા થઈને શાંત વાતાવરણમાં ઇતની શક્તિ હમે દેના દાતા... પ્રાર્થના થકી શરૂઆત કરીએ છીએ જેથી દરેકનું મન અને મગજ શાંત રહે અને ચહેરો પ્રફુલ્લિત રહે.
કર્મચારીઓ પણ એક પરિવાર જ છે, એમ કહેનાર ગીતાબેન પોતે મોટાભાગે પોતાની ચેમ્બરમાં બેસી રહેવા કરતાં પોતાના વિભાગના કર્મચારીઓ પાસે હરતાં ફરતાં રહે છે, જેથી દરેક સાથે તેમનો વ્યક્તિગત સંપર્ક થતો રહે.
વડોદરાની તિજોરી કચેરીમાં ૪૮ ના સ્ટાફમાં ૨૦ જેટલી તો ફકત મહિલા કર્મચારીઓ જ છે, જે આવા મહત્વના કામની ભાગીદારી અને જવાબદારી બખૂબી નિભાવી રહી છે. દરેક બહેનો સાથે કે અન્ય કર્મચારીઓ સાથે પછી ભલેને એ પુરુષ હોય કે મહિલા કર્મચારી સીધો સંપર્ક રાખે છે જેથી કરીને કોઈ પણ પ્રકારની સમસ્યા ઉદભવે તો વાતાવરણ ગંભીર બને નહીં.
મધ્ય ગુજરાત ઝોનની મોટાભાગની કચેરીઓ સહિત વિવિધ સરકારી કચેરીઓ વડોદરામાં કાર્યરત છે. કામગીરીનું ભારણ પણ રહે છે. સમગ્ર રાજ્યમાં તિજોરી કચેરીમાં રજુ થતા બિલોમાં વડોદરા જિલ્લો પ્રથમ સ્થાને રહ્યો છે. અહીં બિલોનું પ્રમાણ વધુ હોવાં છતાં અત્યાર સુધી કામગીરીમાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવી નથી.
વર્ક વિથ સ્માઈલનું સૂત્ર આપનાર ગીતાબેન અહીંના સ્ટાફના એટલા તો માનીતા બની ગયા છે કે, ઘરેથી ઓફિસ આવવું હવે બધાંયને ગમતું થઇ ગયું છે.
ગીતાબેન ૩૨ વર્ષથી પોતાની સેવા પોતાના આનંદિત સ્વભાવ સાથે આપે છે અને સ્ટાફગણનેય હંમેશા હસતા રહેવાની શીખ આપે છે. પોતાના અત્યાર સુધીના અનુભવમાંથી તેઓએ ઘણું શીખવ્યું છે. તેમનું ખાસ કહેવું હતું કે, " બહેનો ઘર - પરિવારની જવાબદારી ઉપરાંત ઓફિસ વર્ક પણ પ્રસન્નતાથી કરી શકે છે બસ સ્વભાવ હસતો રાખવો એ એક મોટી સકારાત્મકતા છે જે પોતાને અને સામેવાળાને પણ પ્રસન્ન રાખે છે. ઘરની સમસ્યા લઈને ઓફિસ માહોલ આપણા કારણે અન્યનું બગડે એ બિલકુલ ખોટી વાત છે. "