ભારતની આઝાદી માટે લડનાર વિદેશી મહિલા એની બેસન્ટની આજે પુણ્યતિથિ
આજ કલ ઓર આજ
તા. 20 સપ્ટેમ્બર : 20 SEPTEMBER
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
ભારતની આઝાદી માટે લડનાર વિદેશી મહિલા એની બેસન્ટની આજે પુણ્યતિથિ
ભારતની આઝાદી માટે લડનાર સેવાભાવી ‘આયર્ન લેડી’ અને લંડનમાં જન્મેલ આયરીશ મહિલા એની બેસન્ટનું અવસાન (1933)
એની બેસન્ટ ભારતની ધરતી સાથે લગાવ રાખનાર સમાજસેવિકા, લેખિકા અને સ્વાતંત્ર્ય સેનાની હતાં. તેઓ ભારત દર્શન અને હિંદુ ધર્મ પ્રત્યે ખૂબ આકર્ષાયા હતાં
હિંદમાં રહીને કરેલું કાર્ય એટલું પ્રેરક હતું કે સમગ્ર વિશ્વની થિયોસોફિકલ સોસાયટીનાં તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયાં હતાં અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા, 100 જેટલા પુસ્તકો ઉપરાંત વૈવિધ્યપૂર્ણ સાહિત્યસર્જન તેમનાં દ્વારા થયું
એની બેસન્ટે બનારસમાં ‘સેન્ટ્રલ હિંદુ સ્કૂલ’ની સ્થાપના કરી, જે પાછળથી ‘બનારસ હિંદુ યુનિવર્સિટી’નાં રૂપમાં ફેરવાઈ ગઈ અને ચેન્નઈમાં ‘હોમરુલ લીગ’ની સ્થાપના કરી હતી
* રણજિતરામ સુવર્ણ ચંદ્રક, ગૌરવ પુરસ્કાર અને ગિજુભાઇ બધેકા સુવર્ણ ચંદ્રકથી સન્માનિત ગુજરાતી બાળસાહિત્યકાર, અનુવાદક અને સામાજીક કાર્યકર રમણલાલ પીતાંબરદાસ સોનીનું અવસાન (2006)
તેઓ મુંબઈ ધારાસભાનાં સભ્ય (1952-57) રહ્યાં તેમણે ‘રમણ સોનીનાં બાળકાવ્યો’, છબીલોલાલ, ભગવો ઝંડો, ઈસપની બાળવાર્તા, ગલબા શિયાળની બત્રીસ વાતો, જગતનાં ઈતિહાસની વીરકથાઓ, રામરાજ્યનાં મોતી જેવાં બાળસાહિત્યને લગતાં અનેક પુસ્તકોનું સર્જન કર્યું
* બહાદુરી અને હિંમત બતાવી દેશદાઝનો નમૂનો આપનાર શહીદ વિનોદ કિનારીવાલાનો જન્મ (1924)
હિન્દ છોડો આંદોલનનાં પ્રતિસાદરૂપે 10 ઑગસ્ટ, 1942નાં રોજ અમદાવાદમાં સર એલ.એ. શાહ લૉ કોલેજમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોનું વિરોધ પ્રદર્શન યોજાયું, ભાષણો થયા, ધ્વજવંદન થયું અને ‘ઇન્કલાબ ઝીન્દાબાદ’નાં નારા પણ પોકાર્યા, મિશન ચર્ચ પાસેથી જેવું વિરોધી સરઘસ નીકળ્યું કે યુવતીઓ પર લાઠીઓ વીંઝાઇ, બદલામાં પોલીસ પર પથ્થરમારો થયો અને નાસભાગ શરૂ થઇ, ત્યાં
રાષ્ટ્રધ્વજ લઈ આગળ ધપતા વિનોદને બેયોનેટની અણી બતાવી ધ્વજ છોડી હટી જવા કહ્યું પણ વિનોદ મક્કમ રહ્યાં એટલામાં અંગ્રેજ અધિકારીનાં ટોપા પર એક પથ્થર પડતાં તેણે ગોળીબારનો હુકમ કર્યો, પરિણામે ગોરા અફસરોએ ગોળીઓ છોડી તેમાની એક વિનોદને પેટની નીચેનાં ભાગે વાગી અને શહીદ થયાં
* ક્લાસિકલ હોલીવુડ સિનેમાના શ્રેષ્ઠ મહિલા સ્ટાર્સ પૈકીના એક ઇટાલિયન અભિનેત્રી (સોફિયા કોસ્ટાન્ઝા બ્રિગિડા વિલાની સિકોલોન)સોફિયા લોરેનનો જન્મ (1934)
* બૉલીવૂડ ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને પટકથા લેખક મહેશ ભટ્ટનો જન્મ (1948)
* તમિલ ફિલ્મ ઉદ્યોગમાં ગ્રાફિક ડિઝાઇનર, નિર્માતા અને દિગ્દર્શક સૌંદર્યા રજનીકાંતનો જન્મ (1984)
* હિન્દી ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક, અભિનેતા, ગાયક અને નિર્માતા મિસ્કીનનો જન્મ (1971)
* બોલિવૂડ, ટોલીવુડ અને ભોજપુરી સિનેમામાં અભિનેતા અભિમન્યુ સિંહનો જન્મ (1975)
* હિન્દી ટીવી નાટકોમાં કામ માટે જાણીતી અભિનેત્રી સુચિતા ત્રિવેદીનો જન્મ (1976)
*હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી સૌંદર્યા શર્માનો જન્મ (1994)