આઝાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદની આજે જન્મજયંતી
આજના દિવસની વિશેષતા
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
Today - 3 DECEMBER
આજે: તા. 3 ડિસેમ્બર
પ્રજાસત્તાક ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ, સ્વાતંત્ર સેનાની ડૉ.રાજેન્દ્ર પ્રસાદની આજે જન્મ જયંતી
* પ્રજાસત્તાક ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ, સ્વાતંત્ર સેનાની ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો બિહારનાં સિવાન જિલ્લામાં ઝિરાદેઇ ખાતે જન્મ (1884)
સ્વતંત્ર ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે તા. 26 જાન્યુઆરી, 1950 થી 13 મે, 1962 સુધી સેવા આપી અને રાષ્ટ્રપતિ તરીકે સૌથી વધુ સમય રહેવાની સિદ્ધિ હાંસલ કરનારા ભારતનાં એકમાત્ર રાષ્ટ્રપતિ છે
‘ભારત રત્ન’થી સન્માનિત ડૉ.રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થયેલી
તેઓ સર્વોચ્ચ પદે હોવા છતાં સેવા, સંયમ અને સાદગી-એમનાં જીવનમાં તાણાવાણાની માફક વણાઈ ગયા હતાં અને ‘ચંપારણમાં સત્યાગ્રહ’ (1922), ‘ઇન્ડિયા ડિવાઈડેડ’ (વિભાજિત ભારત) (1946), તેમની આત્મકથા ‘આત્મકથા’ (1946), ‘મહાત્મા ગાંધી અને બિહાર, કેટલીક યાદ’ (1949) અને ‘બાપુ કે કદમોં મે’ (1954) વગેરે પુસ્તકો લખ્યાં
* વિશ્વ વિકલાંગતા દિવસ *
* ભારતીય મહિલા ક્રિકેટ ટીમને નવી ઉંચાઈઓ સર કરાવનાર ખેલાડી, વિશ્વની પ્રસિદ્ધ ઓલરાઉન્ડર મહિલા ક્રિકેટર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજનો રાજસ્થાનનાં જોધપુર ખાતે જન્મ (1982)
અર્જુન એવૉર્ડ અને ‘પદ્મશ્રી’થી સન્માનિત મિતાલી રાજની આગેવાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 2005 અને વર્ષ 2017માં પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી
. તેમની આગેવાનીમાં ટીમે ઈ.સ.2006માં ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું.
વર્ષ 2019માં હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે મેચ 35 વર્ષની મિતાલી રાજની 200મી વન ડે મેચ હતી અને 200 વનડે રમનારી વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી તેઓ બન્યાં છે
મિતાલી કોઈ પણ દેશ માટે સૌથી વધુ વન ડે મેચમાં કેપ્ટનશીપ કરનારી પણ પ્રથમ મહિલા ખેલાડી છે અને વન ડે મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાને નામે ધરાવે છે, તેઓ 6 હજાર રન પુરા કરનારી પહેલી મહિલા ક્રિકેટર પણ છે.
ભરતનાટ્યમની ખૂબ સારા ડાન્સર મિતાલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 20 વર્ષ પુરા કરનાર મિતાલી રાજ પહેલી મહિલા ક્રિકેટર છે
મિતાલી રાજે ટેસ્ટમાં 10 મેચમાં 214 સર્વાધિક સ્કોર, 1 સદી, 4 અર્ધ સદી સાથે 663 રન બનાવ્યાં છે. વન-ડેમાં 209 મેચમાં 125b(અણનમ) સર્વાધિક સ્કોર, 7 સદી, 53 અર્ધ સદી સાથે 6888 રન બનાવ્યાં છે. ટી20માં 89 મેચમાં 97 (અણનમ) સર્વાધિક સ્કોર, 17 અર્ધ સદી સાથે 2364 રન બનાવ્યાં છે
* ભારત રત્ન, પદ્મશ્રી વગેરે મેડલની ડિઝાઈન દોરનાર વિશ્વવિખ્યાત ભારતીય ચિત્રકાર નંદલાલ બોઝનો બિહાર રાજ્યનાં હવેલી ખડગપુરમાં જન્મ (1882)
પદ્મ વિભૂષણથી સન્માનિત નંદલાલ બોઝે અવનિન્દ્રનાથ ટાગોર (રવિન્દ્રનાથના ભત્રીજા) પાસેથી ચિત્રકળાની ભારતીય શૈલીની તાલીમ લીધી અને બોઝે પોતે ઘણા ઉત્તમ શિષ્યો આપ્યા જે ભારતનાં જગ વિખ્યાત કલાકાર છે
ભારતનાં બંધારણનાં પાનાની સજાવટ કરવા માટે બે કલાકાર નંદલાલ બોઝ અને વ્યોહર રામમનોહર સિંહાને પસંદ કરવામાં આવ્યાં અને તેમણે મળીને બંધારણના પાનાં માટે ચિત્રો તૈયાર કર્યા, એ ચિત્રોમાં ભારતનો ઈતિહાસ-ધર્મ-સંસ્કૃતિ વગેરે પ્રતિબંબિત થાય છે
* ‘દાદાસાહેબ ફાળકે પુરસ્કાર’થી સન્માનિત હિન્દી ફિલ્મોનાં સદાબહાર અભિનેતા દેવ આનંદ (ધરમદેવ પીશોરીમલ આનંદ)નું અવસાન (2011)
પદ્મ ભૂષણથી સન્માનિત દેવ આનંદે ‘હમ એક હૈ’ (1946) ફિલ્મમાં પ્રથમ વખત અભિનય આપ્યો અને તેમની ફિલ્મ "ઝિદ્દી" (1948) ખુબજ સફળ રહી, તેઓએ પોતાની "નવકેતન" નામની ફિલ્મ નિર્માણ કંપની શરૂ કરી હતી
તેમણે કારકિર્દીમાં 114 હિન્દી અને બે અંગ્રેજી ફિલ્મો કરી, તે પૈકી ‘કાલા પાની’ અને ‘ગાઈડ’ ફિલ્મમાં તેમનાં અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો
એવરગ્રીન એક્ટર તરીકે લોકપ્રિય જીવનભર સક્રિય અને લોકપ્રિય રહ્યા, અભિનેતા ઉપરાંત નિર્માતા-નિર્દેશક પણ હતા અને બોલિવૂડમાં જીવંત અને સારા માણસ તરીકે ‘દેવ સાહબ’ તરીકે પ્રખ્યાત હતા
* કેળવણીકાર, સુધારક, નવલકથાકાર અને ચરિત્રકાર મહીપતરામ રૂપરામ નીલકંઠનો સુરતમાં જન્મ (1829)
‘પ્રાર્થનાસમાજ’ અને ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ જેવી અનેક સંસ્થાઓમાં મંત્રી અને પ્રમુખ તરીકે તેમ જ સક્રિય કાર્યકર તરીકે તથા અમદાવાદ મ્યુનિસિપાલિટીનાં કમિશનર અને ચૅરમૅન તરીકે પણ એમણે સેવાઓ આપેલી
તેમનાં પુત્ર રમણભાઈ નિલકંઠ પણ લેખક થયા
* ક્રાંતિકારી ચળવળનાં યોદ્ધા ખુદીરામ બોઝનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1889)
* ‘જમનાલાલ બજાજ’ પારિતોષિકથી સન્માનિત ‘પરોપકાર એ જ પ્રાણવાયુ’ જેમનો જીવનમંત્ર હતો એ સન્નારી રમાદેવી ચૌધરીનો ઓરિસ્સા રાજ્યમાં જન્મ (1889)
* ખ્રિસ્તી ધર્મનાં મહાન મિશનરી સંત ફ્રાન્સિસ ઝેવિયરનું અવસાન (1552)
સ્પેનનાં ઝેવિયર નામનાં કિલ્લામાં જન્મ અને તેઓએ ભારત સહિત ચીન, જાપાનનાં લોકોને ખ્રિસ્તી ધર્મમાં દીક્ષા આપી હતી
* ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક રમાદેવી ચૌધરીનો જન્મ (1899)
* ગરીબ માણસનો પ્રેમચંદ કહેવાતા હિન્દી ભાષાના લેખક યશપાલનો જન્મ (1903)
* હિન્દી અને પંજાબી ફિલ્મોના અભિનેતા અને ફિલ્મ નિર્માતા જીમી શેરગિલનો જન્મ (1970)
* હિન્દી ફિલ્મ અભિનેત્રી, લેખક અને દિગ્દર્શક કોંકણા સેન શર્માનો જન્મ (1979)
* હિન્દી ટેલિવિઝન ઉદ્યોગમાં સેલિબ્રિટી એક્ટર મોહિત સેહગલનો જન્મ (1985)
* દેવો કે દેવ...મહાદેવમાં દેવી પાર્વતીના પાત્ર માટે જાણીતી હિન્દી ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયાનો જન્મ (1992)
* ભારતીય સૈનિક લાન્સ નાઈક આલ્બર્ટ એક્કાનું અવસાન (1971)
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેઓ દુશ્મનોના દાંત ફાડતા શહીદ થયા અને તેમને મરણોત્તર સર્વોચ્ચ સૈન્ય સન્માન પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો
* ભારતમાં ઘટેલી સૌથી કરુણ ઔઘોગિક ભોપાલ ગેસ દુર્ઘટના (1984)
મધ્યપ્રદેશ સરકારનાં આંકડા અનુસાર 3787 લોકોનાં મોત થયાં, જ્યારે બીજા 8000 જેટલા લોકો ઝેરી વાયુની અસરને કારણે થયેલી જુદી જુદી બીમારીને કારણે મરણને શરણ થયા હતાં
એક અંદાજ પ્રમાણે ભોપાલ ગેસ દુર્ઘટનાએ કુલ 20,000 લોકોનો ભોગ લીધો અને ઝેરી ગેસની અસર સાડ પાંચ લાખ કરતાં વધારે લોકોને થઈ હતી
ભોપાલમાં 1969માં સ્થપાયેલો યુનિયન કાર્બાઇડનાં રાસાયણિક દવાનાં કારખાનામાં મિથાઇલ આઇસોસાઇનાઇડનાં ગૅસ અને અન્ય રસાયણોનું ગળતર થતાં આ દુર્ઘટના ઘટી અને ગેસકાંડમાં લોકોના મોત માટે જવાબદાર યુનિયન કાર્બાઈડ ફેક્ટરીના માલિક વોરેન એન્ડરસનને ગણવામાં આવ્યાં, તે ભારત છોડીને ભાગવામાં સફળ થયા અને 29 સપ્ટેમ્બર, 2014નાં રોજ વોરેનનું અમેરિકાનાં ફ્લોરિડામાં નિધન થયું