આજે વિશ્વ ખાદ્ય સૂરક્ષા દિવસ
આજ કલ ઓર આજ
તા. 7 જૂન : 7 June
તારીખ તવારીખ
સંકલન : વિજય ઠક્કર (આણંદ)
આજે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે
વિશ્વભરમાં દર વર્ષે 7મી જૂન ના રોજ'વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે' એટલે કે 'વિશ્વ ખાદ્ય સૂરક્ષા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં ખાદ્ય સુરક્ષા વિશે જાગૃતિ ફેલાવવાનો અને બગડેલા અથવા બિનઆરોગ્યપ્રદ ખોરાકને જમવાથી થતા નુકસાન અને સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે.
આજના ભેળસેળ યુક્ત યુગમાં દૂષિત ખોરાક અને પાણીની આરોગ્ય પર થતી અસરો પર ધ્યાન કેન્દ્રિત કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘે ૭ મી જૂનને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને ૭ જૂન, ૨૦૧૯ એ પ્રથમ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવ્યો. આ વર્ષે પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘ખાદ્ય ધોરણો જીવન બચાવે છે’ (Food Standards Save Lives)ની થીમ પર ઉજવવામાં આવી રહ્યો છે.
*શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગર (જિલ્લો આણંદ)નાં શિલ્પી - ઇજનેર ભાઈલાલભાઈ ચુનીભાઇ પટેલનો આણંદ જિલ્લાનાં સારસા ખાતે જન્મ (1888)
બાળપણમાં તેઓ ખેતરમાં વર્ષાડોડીનું ફૂલ તોડવાં જતાં તેનું ઝેરી દૂધ આંખમાં પડતાં કાયમ માટે એક આંખ ગુમાવેલી
તેઓ ઇજનેર થયા બાદ વડોદરા, પુના, ધુલિયા, અંગ્રેજ સરકાર અને સિંધમાં ઇજનેરી વ્યવસાયિક કુશળતાનો પરિચય આપ્યો હતો
અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ભાઈકાકાની સેવાનો લાભ લીધો અને ઠેરઠેર બાગ બગીચા ઊભા કર્યા, કાંકરિયા તળાવને રમણીય બનાવવામાં તથા ત્યાં પ્રાણીબાગનો વિચાર તેમના જ ફળદ્રુપ દિમાગની ઉપજ હતી
ભાઈકાકા સ્વતંત્ર પક્ષ તરફથી ચૂંટણી લડી તેઓ 1962માં ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા થયા હતાં
વલ્લભવિદ્યાનગરમાં શૈક્ષણિક સુવિધા વિસ્તારમાં પણ ભાઈકાકાનું અમૂલ્ય યોગદાન રહ્યું અને વલ્લભભાઈ પટેલનાં સબળ સમર્થન અને હૂંફથી ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ વલ્લભ વિદ્યાનગરમાં ઊભી કરી હતી, તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ વલ્લભ વિદ્યાનગરનું ખાતમુહુર્ત કર્યું હતું
* ક્રિકેટ માટે ઐતિહાસિક દિવસ કે જ્યારે વર્લ્ડ કપ ક્રિકેટ ઈતિહાસની પ્રથમ મેચ રમાઈ (1975)
પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ માટે લોર્ડ્સ, લંડન ખાતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની મેચમાં ઈંગ્લેન્ડ 202 રનથી જીત્યું
વર્લ્ડ કપની ઉદઘાટન મેચમાં ભારતના સુનિલ ગાવસકરે મેચની 60 ઓવરમાં 174 બોલનો સામનો કર્યો અને 36 રન બનાવવામા તેમણે માત્ર એક જ બાઉન્ડ્રી મારી હતી
* ભારતના પાંચમા ઉપરાષ્ટ્રપતિ (1974-79) બી. ડી. (બાસપ્પા દાનપ્પા) જટ્ટીનું અવસાન (2002)
તેમણે ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે તા. 11 ફેબ્રુઆરી થી તા. 25 જુલાઈ 1977 દરમિયાન સેવા આપી હતી
* પદ્મશ્રીથી સન્માનિત નિવૃત્ત વ્યવસાયિક ટેનિસ ખિલાડી મહેશ શ્રીનિવાસ ભૂપતિનો ચેન્નાઈમાં જન્મ (1974)
તેઓ 'મિક્ષ ડબલ્સમાં 11 'ગ્રાન્ડ સ્લામ ખિતાબ' સાથે વિશ્વના ઉત્તમ 'ડબલ્સ ટેનિસ ખિલાડી'ઓમાંના એક છે. ઈ.સ.1997માં તેઓ 'ગ્રાન્ડ સલામ' વિજેતા પ્રથમ ભારતીય ખિલાડી બન્યા હતા
* ફિલ્મ પત્રકારમાંથી સફળ ફિલ્મ લેખક-ડિરેક્ટર બનેલા એવા ઉત્તમ સાહિત્યકાર, પદ્મશ્રીથી સન્માનિત અને 4 નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા ખ્વાજા અહેમદ અબ્બાસનો હરિયાણાનાં પાનીપતમાં જન્મ (1914)
સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને ખ્વાજા અહમદ અબ્બાસે પ્રથમ તક આપી અને 1969માં 'સાત હિન્દુસ્તાની' ફિલ્મ બનાવી
એક ફિલ્મમેકર હોવા સાથે ખ્વાજા અહેમદ અબ્બાસ ઉત્તમ સાહિત્યકાર અને ઇતિહાસવિદ પણ હતા. તેમણે આશરે 73 પુસ્તકો લખ્યા હતા
* પાંચ વખત લોકસભાના સભ્ય અને સૌથી યુવા રાજ્યસભા સાંસદ રાયપતિ સાંબાશિવ રાવનો આંધ્ર પ્રદેશમાં જન્મ (1943)
* પદ્મશ્રીથી સન્માનિત હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ નિર્માતા એકતા કપૂરનો જન્મ (1975)
તેમણે બાલાજી ટેલી ફિલ્મસ કંપની બનાવી છે
તેમના પિતા જીતેન્દ્ર ખુબ સફળ અને લોકપ્રિય અભિનેતા છે
તેમનો ભાઈ તુષાર કપૂર બૉલીવુડ અભિનેતા છે
* ભારતમાં સુરત ખાતે જન્મ અને ન્યૂઝલેન્ડના ક્રિકેટ ખેલાડી (3 ટેસ્ટ રમનાર) ટોમ (નરોત્તમ) પુનાનું અવસાન (1996)
* લિબિયાના ક્રાંતિકારી, રાજકારણી અને રાજકીય સિદ્ધાંતવાદી મુઅમ્મર મુહમ્મદ અબુ મિન્યાર અલ-ગદ્દાફીનો જન્મ (1942)
* ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ચેન્નાઈમાં ગણિત વિજ્ઞાન સંસ્થાના સ્થાપક અલ્લાદી રામકૃષ્ણનનું અમેરિકામાં અવસાન (2008)
* હિન્દી ફિલ્મ અને ટીવીના અભિનેતા અને ગુજરાતી થિયેટરના સફળ કલાકાર ટીકુ તલસાનિયાનો જન્મ (1954)
* બૉલીવુડ અભિનેત્રી અમૃતા રાવનો મુંબઈમાં જન્મ (1981)
તેની નોંધપાત્ર ફિલ્મોમાં વિવાહ, ઈસ્ક વિસ્ક, મે હું ના, અબ કે બરસ, જોલી એલએલબી વગેરે છે
* ગુજરાતી લેખિકા ઉષા ઉપાધ્યાયનો ભાવનગરમાં જન્મ (1956)
* ભારતીય હિન્દી ફિલ્મ અભિનેત્રી શ્યામા (ખુરશીદ અખ્તર)નો પાકિસ્તાનમાં જન્મ (1935)
* મરાઠી, હિન્દી ફિલ્મ, ટેલિવિઝન અને સ્ટેજ અભિનેતા વૈભવ માંગલેનો જન્મ (1975)
* બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામએ વિશ્વનો ત્રીજો સૌથી મોટો અને ભારત દેશમાં સૌપ્રથમ ડાયનોસોર ફોસિલ પાર્ક ખુલ્લો મુકાયો (2019)