કમલમમાં પહોંચતા કમિશનને કારણે થયેલો આ હત્યાકાંડ છે - અમિત ચાવડા
રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા
કમલમમાં પહોંચતા કમિશનને કારણે થયેલો આ હત્યાકાંડ છે - અમિત ચાવડા
CM સાહેબનું સંચાલન બીજું કોઈ કરે છે - શક્તિસિંહ ગોહિલ
નાના માછલાઓને પકડી મગરમચ્છોને જે રીતે છોડી દેવામાં આવે છે એ કેટલે અંશે વાજબી ? - પરેશ ધાનાણી
કોંગ્રેસ પરિવાર તરફથી મૃતકોને શોકાંજલી પાઠવવામાં આવી
આણંદ ટુડે | રાજકોટ
ગુજરાતના રાજકોટ શહેરમાં આવેલ ગેમ ઝોન સર્જાયેલ ભયાનક અગ્નિકાંડે સૌ કોઈને હચમચાવી દીધા છે . ત્યારે રાજકોટ ના અગ્નિકાંડને લઈ કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા .
રાજકોટ ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જે ગોઝારા બનાવમાં ૩૦ કરતા વધારે માસુમ બાળકો અને સ્વજનો ગુમાવ્યા છે, તેઓને કોંગ્રેસ પરિવાર તરફથી શોકાંજલિ પાઠવીએ છીએ અને તેમના પરિવારજનો ઉપર આવી પડેલ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના.
આ અગ્નિકાંડથી જે મોત થયા છે તે કમલમમાં પહોંચતા કમિશનને કારણે થયેલો આ હત્યાકાંડ છે. આ કુદરતી અકસ્માત કે આફત કરતા સરકાર સર્જિત ગુન્હાહિત બેદરકારીને કારણે થયેલો હત્યાકાંડ છે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં જે ગોઝારો બનાવ બન્યો છે એ પરિવારો બાળકો સાથે જીવ ગુમાવે એ તમામને દુઃખ સહન કરવાની શક્તિ આપે. રાજકોટમાં અગ્નિકાંડમાં 28 વ્યક્તિના જીવ કમલમમાં પહોંચતા હપતાને કારણે ગયા છે. સરકારની ગુનાહિત બેદરકારીને કારણે જીવ ગયા છે. મોરબી, તક્ષશિલા, વડોદરા અને હવે રાજકોટની જે ઘટના ઘટી છે એમાં મુખ્ય વ્યક્તિઓને થોડી સહાય કરી એસઆઇટીની રચના કરી આ બનાવ ભૂલી જવામાં આવશે. આ સરકાર આ પ્રકારના બનાવો રોકવામાં સદંતર નિષ્ફળ પુરવાર થઈ છે. ગેમ ઝોનમાં પેટ્રોલ-ડીઝલ હોઈ, પુરવઠા અધિકારીની પણ જવાબદારી બને છે. ટીપી અને તમામ રોજિંદી કલેક્ટર કચેરી કમિશનર તમામ બાબતોની રેગ્યુલર તપાસ થવી જોઈએ, જે થઈ નથી.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે આવું ગેરકાયદે ચાલતું હોવા છતાં કોઈ અટકાવનાર નથી. બે દિવસ પહેલાં પણ આગનો બનાવ બન્યો હતો, પરંતુ તંત્ર ન જાગતાં આ પ્રકારની ઘટના બની છે. કમિશન ઉપર સુધી પહોંચાડવામાં આવે છે. વજુભાઈએ કહ્યું, વહેવારથી જ આ બધું ચાલે છે, વહેવાર એટલે નાણાં કહેવાય. ત્રણ-ચાર માછલા પકડી મગરમચ્છોને છોડી પડદો પાડવાનો પ્રયાસ થયો છે. તમામ અધિકારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવે. સરકાર હાલ ફરિયાદી બની છે, પરંતુ જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે તેવા લોકોને પણ ફરિયાદ કરવાની તક મળવી જોઈએ. અને એસઆઇટીએ મેયર તેમજ કમિશનર સામે ગુનો દાખલ કરવો જોઈએ.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીનું સંચાલન બીજું કોઈ કરે છે. જ્યારે પરેશ ધાનાણી બોલ્યા હતા કે આ પહેલી દુર્ઘટના નથી, પણ છેલ્લી બને એવા પ્રયાસો કરવા જરૂરી છે.
રાજકોટમાં TRP ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના અંગે કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના અંગે સવાલો ઉઠાવ્યા હતા.