ભાઈકાકા યુનિવર્સિટી કરમસદનો પ્રથમ પદવીદાન સમારંભ યોજાયો
જીવનમાં સફળ થવા માટે ત્રણ વસ્તુઓ મીઠી વાણી, વિશ્વાસ જીતવો તથા સમયનો સદુપયોગ કરવો ખૂબ જ જરૂરી છે - લેફટનન્ટ જનરલ ડૉ. માધુરી કનીટકર
ભાઈકાકા યુનિવર્સિટી કરમસદનો પ્રથમ પદવીદાન સમારંભ યોજાયો
૨૦૫ વિદ્યાર્થીઓને પદવીઓ અને ૦૫ વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મૅડલ ઍનાયત કરાયા.
આણંદ ટુડે I આણંદ
ભાઈકાકા યુનિવર્સિટીકરમસદનો પ્રથમ પદવીદાન સમારંભ ૧ ઑક્ટોબર, ૨૦૨૩ના રોજ યુનિવર્સિટીના પ્રાંગણમાં યોજવામાં આવ્યો હતો. આ પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે લેફટનન્ટ જનરલ ડૉ. માધુરી કનીટકર, (Retd) PVSM, AVSM, VSM વાઈસ ચાન્સેલર, મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઑફ હૅલ્થ સાયન્સીસ, નાસિક ઉપસ્થિત રહ્યા હતા.
પદવીદાન સમારંભ શરૂ થતાં પહેલાં દીક્ષાંત શોભાયાત્રા ભાઈકાકા યુનિવર્સિટીના કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન ડૉ. અશોક નાયરની આગેવાની હેઠળ યોજાઈ હતી. આ શોભાયાત્રામાં મૅનેજમેન્ટ સેન્ટરથી સમારંભના સ્થળ સુધી મુખ્ય અતિથી ડૉ. માધુરી કનીટકર, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસિડન્ટ શ્રી અતુલભાઈ પટેલ, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઉત્પલા ખારોડ, ૨જીસ્ટ્રાર ડૉ. હરિશ દેસાઈ, પ્રમુખસ્વામી મૅડિકલ કૉલેજના ડીન ડૉ. હિમાંશુ પંડ્યા, યુનિવર્સિટી સંચાલિત દરેક ઈન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ, ગવર્નિંગ બોડીના સભ્યો, બોર્ડ મેમ્બર્સ, ગોલ્ડ મેડાલિસ્ટ સ્ટુડન્ટ્સ, સ્નાતક અને અનુસ્નાતક પદવીધા૨ક વિદ્યાર્થીઓ યુનિવર્સિટીનો ખેસ પહેરીને જોડાયા હતા. આ ભવ્ય શોભાયાત્રા મુખ્ય મંચ પર સમાપ્ત થઈ હતી. ત્યારબાદ પરંપરા મુજબ દીપપ્રાગટ્ય અને ઈશ્વરની આરાધના કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ ડૉ. માધુરીબેને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ શિક્ષકો અને માતા-પિતાએ શીખવેલ મૂલ્યો અનુસરવા જોઈએ. તબીબી વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ સતત નવું નવું શીખવું પડે છે. જીવનમાં સફળ થવા માટે ત્રણ વસ્તુઓ મીઠી વાણી, વિશ્વાસ જીતવો તથા સમયનો સદુપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓએ ૮૦ટકા સમય અભ્યાસ પાછળ અને ૨૦ ટકા સમય અન્ય પ્રવૃત્તિઓ જેવી કે યોગ, રમત-ગમત વગેરેમાં ફાળવવો જોઈએ.
તેઓએ વધુમાં જણાવ્યું કે, ભાઈકાકા યુનિવર્સિટીમાં ગોલ્ડ મૅડલ મેળવેલ તમામ વિદ્યાર્થીનીઓ છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પ્રાધાન્ય ધરાવે છે. હાલમાં જ પ્રધાનમંત્રીશ્રીએ પાર્લામેન્ટમાં ૩૦ ટકા મહિલા ઉમેદવાર હોવા જોઈએ તેવું બીલ પસાર કર્યું છે.
ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસીડન્ટ શ્રી અતુલભાઈ પટેલે જણાવ્યું કે અમારી યુનિવર્સિટી માટે આ પ્રથમ પદવીદાન સમારંભ ખૂબ જ મહત્વનો હતો. જે કામ અમારા સ્થાપક અધ્યક્ષ ડૉ. ઍચ.એમ. પટેલે સંસ્થાની સ્થાપના સમયે સ્વપ્ર જોયું હતું તે આજે ભાઈકાકા યુનિવર્સિટી એક પ્રાઈવેટ યુનિવર્સિટી તરીકે પરિણમી છે. તે ખૂબ જ આનંદની વાત છે. ભાઈકાકા યુનિવર્સિટી સંચાલિત શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ગંભીર કેસો સારવારઅર્થે આવે છે. યુનિવર્સિટી અંતર્ગત ચાલતા હૅલ્થ પ્રોફેશનલ્સના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને આવા કેસોને હૅન્ડલ કરવા માટે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, યુનિવર્સિટી ખાતે સ્કિલ લૅબનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે ગત મહિને અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સેન્ટર અંતર્ગત માસ્ટર ઑફ પબ્લિક હૅલ્થનો કોર્સ ચલાવવામાં આવે છે તથા પાયાના આરોગ્યના કાર્યકરો માટે કૅપેસિટી બિલ્ડિંગના વર્કશોપ પણ ચલાવવામાં આવે છે. ટૂંક સમયમાં વધુ ને વધુ નર્સિંગના વિદ્યાર્થીઓનો પ્રવેશ કરી શકાય તે માટે નવી નર્સીંગ ઈન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવશે.
ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઉત્પલા ખારોડે જણાવ્યું કે યુનિવર્સિટી ખાતે મૅડિસિન, ફીઝિયોથેરાપી, નર્સિંગ, મેડિકલ લેબ ટેકનોલોજી અને એલાઈડ હૅલ્થ સાયન્સીસના સ્નાતક, અનુસ્નાતક અને પી.એચ.ડી. અભ્યાસક્રર્મા તથા અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થ અંતર્ગત માસ્ટર
ઑફ પબ્લિક હૅલ્થ તથા પી.એચ.ડી.ના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ સર્ટિફીકેટ કોર્સીસ, ફૅલોશીપ અને યોગા વગેરે અભ્યાસક્રમો મળી હાલમાં યુનિવર્સિટી ખાતે ૮૨ અભ્યાસક્રમોમાં ૧૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ગુજરાત ખાતે ભાઈકાકા યુનિવર્સિટી પહેલી યુનિવર્સિટી છે કે જેમાં ડૉક્ટર ઑફ મેડિસિન ઈન નિયોનેટોલૉજીનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. હરિશ દેસાઈએ હાજર રહેલ મુખ્ય અતિથિ, આમંત્રિત મહેમાનો, યુનિવર્સિટીના કર્મચારીઓનો આભાર માન્યો હતો.
૨૦૫ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત
ભાઈકાકા યુનિવર્સિટીના આ પ્રથમ પદવીદાન સમારંભમાં એમ.ડી.ઍમ.એસ. - ૮૧, માસ્ટર ઑફ પબ્લિક હૅલ્થ - ૨, માસ્ટર ઓફ ફીઝિયોથેરાપી – ૭, ઍમ.ઍસ.સી. નર્સીંગ - ૩, ઍમ.એલ.ટી. મૅડિકલ ટૅકનોલૉજી - ૬, ડી.ઍમ.ઍલ.ટી. - ૩૨, પી.જી. ડિપ્લોમા મેડિકલ લૅબ ટૅકનોલૉજી - ૧, બી.એસ.સી. નર્સીંગ - ૪૦, બી.એસ.સી. મૅડિકલ ટેકનોલૉજીના ૩૩ અને પી.એચ.ડી. ૧ મળીને કુલ ૨૦૫ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.
પાંચ તેજસ્વી વિદ્યાર્થિનીઓને ગોલ્ડ મૅડલ એનાયત કરાયા
આ પદવીદાન સમારંભમાં પાંચ તેજસ્વી વિદ્યાર્થિનીઓને ગોલ્ડ મૅડલ.એનાયત કરવામાં આવ્યા હતા જેમાં રીયા જીગ્નેશભાઈ શાહ, વંદના યશવંતભાઈ પટેલ, દર્શિતાબેન મુકેશભાઈ પટેલ, રૂઢિ બંકિમકુમાર પટેલ અને ધારા ધર્મેન્દ્રગીરી ગોસ્વામીને વિવિધ વિદ્યાશાખામાં મુખ્ય અતિથિના હસ્તે ગોલ્ડ મૅડલ આપવામાં આવ્યા હતા.