Award from London to ડૉ

સુરતના સિનિયર ઓર્થોપેડિક સર્જન ડૉ.મનિષ સૈનીને યુ.કે ખાતે ગ્લોબલ ગાંધી એવોર્ડ ૨૦૨૩ તથા લીડરશીપ એવોર્ડથી સમ્માનિત કરાયા

સુરતના સિનિયર ઓર્થોપેડિક સર્જન ડૉ.મનિષ સૈનીને લંડન પાર્લામેન્ટ, વેસ્ટમિનિસ્ટર,યુ.કે.ખાતે આયોજિત ઈન્ટરનેશનલ કોન્ક્લેવમાં ગ્લોબલ ગાંધી એવોર્ડ ૨૦૨૩ તથા સિટી હોલ ખાતે લીડરશીપ એવોર્ડથી સમ્માનિત કરાયા 

ભારતના આરોગ્ય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી ડો.સૈનીએ આરોગ્ય અને મેડિકલ ક્ષેત્ર સંદર્ભે મનનીય વ્યાખ્યાન આપ્યું

સુરતઃ
લંડન ખાતે તા.૧૯ થી ૨૧ સપ્ટે. દરમિયાન એક મહત્વપૂર્ણ ત્રિ-દિવસિય આંતરરાષ્ટ્રીય સમારંભ યોજાયો હતો, જેમાં ભારત તથા યુ,કે.ના વિભિન્ન ક્ષેત્રો જેવા કે આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિજ્ઞાન, ટેક્નોલોજી, સાહિત્ય, સમાજ સેવા, રાજકારણ વગેરે જેવા મહત્વના ક્ષેત્રોના પ્રભાવશાળી વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં સુરતની શેલ્બી હોસ્પિટલ ખાતે ચીફ જોઈન્ટ રિપ્લેસમેન્ટ, આર્થ્રોસ્કોપિક અને ઓર્થોપેડિક સર્જન તરીકે કાર્યરત ડૉ.મનિષ સૈનીને લંડન પાર્લામેન્ટ,વેસ્ટમિન્સ્ટર,યુનાઈટેડ કિંગડમ ખાતે આયોજિત ઈન્ટરનેશનલ કોન્ક્લેવમાં ગ્લોબલ ગાંધી એવોર્ડ-૨૦૨૩ તથા સિટી હોલ ખાતે લીડરશીપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભારતના આરોગ્ય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી ડો.સૈનીએ આરોગ્ય અને મેડિકલ ક્ષેત્ર સંદર્ભે મનનીય વ્યાખ્યાન આપ્યું હતું.ભારત-બ્રિટન વચ્ચેના સહયોગી પ્રયાસો, સામાજિક પરિવર્તનમાં મહત્વનુ યોગદાન આપનારા મહાનુભાવોને ઓળખવાનો અને સન્માનિત કરવા માટેની આ કોન્ક્લેવની શરૂઆત તા.૨૦મી સપ્ટે.એ સિટી હોલમાં એસેમ્બલી મેમ્બર કૃપેશ હિરાણી દ્વારા આયોજિત બેઠક અને શુભેચ્છા સત્ર સાથે થઈ હતી. તેમણે બ્રિટનના વિકાસ અને ભારતીય ડાયસ્પોરા (ભારતીય પ્રવાસી સમુદાય)ના યોગદાન વિશે સંવાદ યોજી સેવાના આદાનપ્રદાન વિશે જાણકારી આપી.

   સંયુક્ત રાષ્ટ્ર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG's) વિશે પ્રેરણાદાયી ચર્ચાઓમાં મહાત્મા ગાંધીના સિદ્ધાંતોમાંથી પ્રભાવિત અને પ્રેરિત હતા. ત્યારબાદ ઉક્ત વિભિન્ન ક્ષેત્રોમાં અસાધારણ નેતૃત્વના ગુણોનું ઉદાહરણ આપનાર, ઉત્કૃષ્ટ સફળતા હાંસલ કરનાર અને પોતાના ક્ષેત્રોમાં અન્ય લોકોને પ્રેરણા આપનાર વ્યક્તિઓને પરિચિત કરી લીડરશીપ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

   ૨૧મી સપ્ટેમ્બરના રોજ ગ્લોબલ ગાંધી એવોર્ડ સમારોહ યુ.કે. સંસદના હાઉસ ઓફ કોમન્સના પ્રતિષ્ઠિત પટાંગણમાં યુ.કે.ના એન.આર.આઈ. સાંસદો, કાઉન્સિલરો અને કોર્પોરેટરોની હાજરીમાં યોજાયો હતો. આ કાર્યક્રમ વીરેન્દ્ર શર્મા, સંસદ સભ્ય(Ealing,Southall),યુકે,ઈન્ડો-બ્રિટિશ ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ્સ (APPGs)ના અધ્યક્ષની ઉપસ્થિતિમાં ડૉ.મનિષ સૈનીને સમ્માનિત કરાયા હતા.

     ડૉ સૈની(MBBS, MS, FIASM, Dip.SICOT, FJR)એ ઘૂંટણ,થાપા શોલ્ડર જોઈન્ટ રિપ્લેસમેન્ટની હજારો સર્જરીઓ કરી છે. તેઓ દેશના પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ઈન્જરી સેન્ટર, સફદરજંગ હોસ્પિટલ, દિલ્હીમાં પ્રશિક્ષિત આર્થ્રોસ્કોપિક સર્જન પણ છે. આરોગ્ય ક્ષેત્રે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારની વિવિધ આરોગ્યલક્ષી મહત્વની સુવિધાઓ જેમકે ‘આયુષ્યમાન ભારત યોજના’ તેમજ અન્ય સિદ્ધિઓ, સામાજિક આરોગ્ય અને આરોગ્ય ક્ષેત્રની ગુણવત્તા અને તબીબી પ્રવાસન જેવી બાબતો પર સમારોહમાં માહિતી આપી ભારતનું તબીબી ક્ષેત્રે સફળ પ્રતિનિધિત્વ કર્યું હતું.

     શ્રી નચિકેત જોશી, ખદ્દરગ્રામ ઈન્ટરનેશનલના સ્થાપક અને કોર્ડીનેટરે જણાવ્યું હતું કે, કોન્ક્લેવ ભારત-બ્રિટિશ સહયોગ અને બંને રાષ્ટ્રો વચ્ચેના સંવાદને પ્રોત્સાહન આપવા માટેનો મહત્વપૂર્ણ મંચ બન્યો છે.

      ઈન્ડો-યુરોપિયન બિઝનેસ ફોરમના સ્થાપક વિજય ગોયલે કોન્ક્લેવને મૂલ્યવાન સમર્થન પૂરૂ પાડ્યું હતુ, તેમજ હેરો ટાઉનના મેયર, બ્રિટિશ કાઉન્સીલરશ્રી રામજી ચૌહાણ તથા લંડન બોરો ઓફ સાઉથવાર્કના મેયર, બ્રિટિશ કાઉન્સીલરશ્રી સુનિલ ચોપરા સહિત પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

-૦૦-