IMG-20230318-WA0003

સરહદ સુરક્ષા જેવું જ અગત્યનું કામ જંગલો અને વન્ય પ્રાણીઓની સુરક્ષાનું છે

હર્યા ભર્યા વનોની વેદના: વન દાવાનળ

સરહદ સુરક્ષા જેવું અગત્યનું કામ જંગલો અને વન્ય પ્રાણીઓની સુરક્ષાનું છે
 

નિષ્ઠાવાન વન સેવકો જંગલોમાં વિવિધ કારણોસર લાગતી આગને સૂઝબૂઝ સાહસ અને પરિશ્રમથી હોલવી જંગલોની અને વન્ય જીવોની સાચવણી કરે છે

જંગલોમાં લાગતો દવ અટકાવવામાં લોક જાગૃતિ અને સહયોગ અનિવાર્ય છે
 

વડોદરા

સરહદસુરક્ષાનું કામ સર્વોચ્ય અગત્યનું છે. જો કે સુરક્ષાની ફરજને ક્રમ આપવાનો હોય તો કદાચ આપણા વનો અને વન્ય જીવોની સુરક્ષાના કામને બીજો ક્રમ આપી શકાય. આમ પણ બહુધા દેશની અને રાજ્યોની સરહદો ગીચ જંગલો વચ્ચેથી નીકળે છે એટલે જંગલોને સાચવવાથી સરહદ સાચવવામાં મદદ મળે છે. જંગલોને ઉછેરવાથી ઘણી વધુ કપરી જવાબદારી જંગલોને સાચવવાની છે.એમાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે જે પૈકીનો એક પડકાર છે દવ નિયંત્રણ એટલે કે જંગલમાં લાગતી આગને બુઝાવીને,ફેલાતી અટકાવીને હરિયાળી અને વન્ય જીવનને બચાવવાની કામગીરી.

  શહેર કે ગામડામાં આગ લાગે ત્યારે અગ્નિ શમન દળની સેવાઓ લઈ શકાય છે જે પાણી,ક્યારેક જરૂરી અગ્નિ શામક રસાયણોનો છંટકાવ કરીને,વિવિધ અગ્નિ શામક અદ્યતન સાધનોની મદદથી આગને કાબૂમાં લે છે.આ લોકોને તેની તાલીમ મળેલી હોય છે.

   પરંતુ જંગલમાં આગ લાગે,ઊંડાણના વિસ્તારમાં લાગે,ડુંગરાળ વિસ્તારમાં લાગે ત્યારે ત્યારે અગ્નિ શામક વાહન અને કર્મચારીઓની સેવાઓ નહિવત લઈ શકાય.
   ત્યારે આ કામ ક્ષેત્રીય વન અધિકારીઓ અને વનકર્મીઓએ પોતાની સૂઝ બુઝ કુશળતા અને હાજર તે હથિયારની મદદથી કરવું પડે છે.

      આગ અટકાવવા વન વિભાગ લાઈન ઓફ ફાયર એટલે અગ્નિ રેખા બનાવે  છે :ખાસ કરીને પાનખર પછી અને હોળીની આસપાસ જંગલોમાં દવ ફાટી નીકળવાની શક્યતા વધી જાય છે.તેને અટકાવવાની તકેદારી રૂપે વનકર્મચારીઓ  લાઈન ઓફ ફાયર એટલે આગ નિવારવા માટે સાફ કરેલી જગ્યાઓના આડા ઉભા પટ્ટાઓ બનાવે છે જે આગને વધુ વિસ્તારોમાં ફેલાતી અટકાવે છે.

  ખાસ કરીને પાનખરને લીધે સૂકા પાંદડાને લીધે આગ લાગવાની શક્યતાઓ વધી જાય છે. સળગતી બીડીનું એક ઠુંઠું કે ઠંડી ઉડાડવા પ્રગટાવેલુ તાપણું પણ મોટી ચિંગારીની ગરજ સારે છે અને પાંદડાંની લાંબી પહોળી ચાદર પથરાયેલી હોવાથી ગણતરીના સમયમાં જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાઈ જાય છે.

   વિદેશોમાં તો જંગલની આગ હોલવવા હેલિકોપ્ટરની મદદ લેવામાં આવે છે.જો કે પૂર્વ પટ્ટીના આપણા ક્ષેત્રીય વનોમાં સંનિષ્ઠ વનકર્મીઓની સાવચેતી ,તકેદારી અને ઝાડની ડાળીઓ, વાંસના દંડા ને સાધનો તરીકે વાપરીને આગ બુઝાવવાની પરિશ્રમ જ જંગલોને બચાવે છે.
   માનવીય નિષ્કાળજીની સાથે કેટલીક આસ્થાને આધીન ડુંગરને નવડાવવા જેવી બાધા માન્યતાઓ પણ ઘણીવાર જંગલમાં આગનું નિમિત્ત બને છે.
    વનની આગને કુદરતી અને માનવીય એ બે શ્રેણીઓ માં વહેંચવામાં આવી છે:
   વન વિભાગમાં તળિયેથી શરૂ કરી ટોચ સુધી ૩૬ વર્ષનો લાંબો કાર્ય અનુભવ ધરાવતા પૂર્વ નાયબ વન સંરક્ષક શ્રી કાર્તિક મહારાજા કહે છે જંગલોમાં બહુધા માનવીય દખલ ,બેદરકારી કે ભૂલોથી અને અન્યથા કુદરતી રીતે આગ લાગે છે.એટલે જંગલને બાળીને ખાખ કરતા દાવાનળ ને કુદરતી અને બિન કુદરતી એ બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે.
કુદરતી કારણો..
  કુદરતી કારણો જોઈએ તો વન વિસ્તારમાં જ્વાળામુખીના પર્વતો આવેલા હોય અને તે ફાટે તો ભારે આગ લાગી શકે.જો કે આપણા દેશમાં આ શક્યતા લગભગ નથી.આ ઉપરાંત તોફાની પવનોને લીધે ડાળીઓ અને સૂકા વૃક્ષો એકબીજા સાથે ઘસાવા થી કે પત્થરો એકબીજા સાથે ઘસાવાથી તણખા ઝરે અને એનાથી આગ લાગે એ શક્ય છે.ખાસ કરીને વાંસના જંગલોમાં આ જોખમ ખૂબ વધી જાય છે.
માનવીય બેદરકારી:
     રાત્રિના સમયે જંગલ વિસ્તારમાંથી મશાલ જેવા સળગતા પદાર્થો લઈને પસાર થતાં લોકોથી પણ દવ લાગવાની શક્યતા વધે છે તે તરફ સંકેત કરતાં તેમણે જણાવ્યું કે હોળી સમયે જ વહેલી સવારે મહુડાના ફૂલ ખરે છે.તે સહેલાઇથી ભેગા  કરી શકાય એ માટે લોકો મહુડાના વૃક્ષ નીચેની જગ્યાના ઝાડી ઝાંખરા અને ઘાસને બાળે છે.તેનાથી આગ જંગલના અન્ય વિસ્તારોમાં પ્રસરી શકે છે.આ ઉપરાંત જંગલ વિસ્તારમાં બીડી કે સિગારેટ પી ને સળગતા ઠૂંઠા ફેંકવાની કે તાપણાં પેટાવવાની બેદરકારી પણ જંગલમાં દવ લાગવાની શક્યતા વધારે છે.
   વધુમાં,જંગલને અડીને આવેલા મહેસૂલી વિસ્તારોમાં ખેતરોનું ખેત કચરું બાળવા લગાવવામાં આવતી આગ યોગ્ય તકેદારી ન લેવાય તો જંગલને લપેટમાં લે છે.
  જંગલમાંથી પસાર થતી વીજ લાઈનોમાં ઝરતા તણખા કે પસાર થતાં વાહનો,રેલવેમાંથી પ્રગટતા તણખા પણ આગ લગાડી શકે છે.
  જંગલની આગ થી જે તે વિસ્તારની જમીન નબળી પડે છે,એમાં તિરાડો પડે છે,આવી તિરાડો વાળી જમીનનું વરસાદ થી ધોવાણ થતાં જમીનનું પડ પાતળું થાય છે.આવા વિવિધ નુકશાન જંગલની આગ થી થાય છે.
ગ્રાઉન્ડ ફાયર થી ક્રાઉન ફાયર:જમીન સે આસમાં તક આગ હિ આગ...
   જ્યારે જંગલ ની આગ જમીનના સ્તરે હોય ત્યારે એને ગ્રાઉન્ડ ફાયર કહે છે.પણ આ આગ થી જ્યારે વૃક્ષો સળગે અને મોટા મોટા ઝાડવાની ટોચ સુધી આગ ફેલાય એને ક્રાઉન ફાયર તરીકે ઓળખવામાં આવે છે જે ખૂબ વિનાશક હોય છે.
વન વિભાગના દવ નિયંત્રણ પ્રયત્નો:
      વન વિભાગ ફાયર લાઈનો તૈયાર કરવા ઉપરાંત જંગલ વિસ્તારના નિવાસીઓ નો આગ નિયંત્રણમાં સહયોગ લેવા શિબિરો યોજી,હાટ મેળાઓમાં પ્રચાર કરી,આગ નિવારક તકેદારીઓ નું લોક શિક્ષણ આપે છે અને ડુંગર નવડાવવા જેવી પરંપરાઓ ના ભયસ્થાનો થી લોકોને વાકેફ કરે છે.વન વિસ્તારમાં વસતા અને વનો પર નભતા લોકોનો સહયોગ આ સમસ્યાને ઓછી કરી શકે છે.
   વન વિભાગના સુત્રો  કહે છે કે માં પ્રકૃતિને રીઝવવાનો સાચો રસ્તો જંગલોની સાચવણી નો છે. વન વિભાગ આ માટે જંગલ વિસ્તારમાં વસતા લોકો ને વિવિધ રીતે જાગૃત કરવાના પ્રયત્નો કરે છે.
   છોટાઉદેપુર વન વિભાગમાં તાજેતરમાં જંગલમાં લાગેલા દવને લગભગ ત્રણ દિવસના ઉજાગરા કરીને પરિક્ષેત્ર વન અધિકારી શ્રી નિરંજન રાઠવા અને તેમની ટીમે કાબૂમાં લીધો. હોળી પહેલાંનું લગભગ આખું અઠવાડિયું આ ટીમને વિવિધ રેન્જમાં લાગેલી જંગલની આગ બુઝાવવા સખત દોડાદોડી કરવી પાડી.ખૂબ સાહસિક અને મહેનત માંગી લેતી આ કામગીરી અંગે તેમનું કહેવું છે કે,આગ બુઝાવીને અમે કોઈ ઉપકાર નથી કર્યો,જંગલને વન ચોરો થી બચાવવા જેટલી અગત્યની અમારી જવાબદારી વનમાં લાગેલા દવને હોલવવા ની છે.આ કામગીરીમાં વન વિસ્તારના ગામોના સરપંચો અને જાગૃત ગ્રામજનોના સહયોગ ને તેઓ બિરદાવે છે.
   વન વિસ્તારના ગામોના અર્થ તંત્રનો મહત્વનો આધાર જંગલની હરિયાળી અને વન પેદાશો છે.વન્ય જીવો એ જંગલની શોભા છે.ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકો જંગલની અગત્યતા સમજીને આગ ન લાગે તેની કાળજી લે,છતાં પણ કોઈ કારણોસર આગ લાગવાની નાનકડી ઘટના પણ બનતી જણાય તો તુરત જ વન વિભાગને જાણ કરે,પોતે જાતે આગ ને હોલવવા નો પ્રયત્ન કરે, જંગલને નુકશાન કરે એવી માન્યતાઓ માં થી મુક્ત થાય અને જંગલને સાચવવાના કામમાં વન વિભાગનો સહયોગ કરે એ ઇચ્છનીય છે. 
    દવ એ હર્યાભર્યા જંગલને ખાખ થવાની કરુણ વેદના આપતી ઘટના છે. ત્યારે જંગલ છે તો જીવન છે એ વાત કોઈએ ભૂલવી ન જોઈએ.