પોતાની ગાયકીથી લોકોના દિલમાં અલગ જગ્યા બનાવી
હિન્દી ફિલ્મોના મહાન ગાયક અને સૂર સમ્રાટ મોહંમદ રફીનું અવસાન (1980)
લગ્નમાં ‘આજ મેરે યાર કી શાદી હૈ’ જ્યાં સુધી ના વાગે ત્યાં સુધી લોકોને એવું લાગે છે કે કંઈક અધૂરું છે.
આજે તા. 31 જુલાઈ
Today : 31 JULY
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર
* હિન્દી અને ઉર્દુ કથા સાહિત્યને નૂતન દિશા આપનાર ‘ઉપન્યાસ સમ્રાટ’ મુનશી પ્રેમચંદ (ધનપતરાય શ્રીવાસ્તવ)નો ઉત્તરપ્રદેશમાં જન્મ (1880)
તેમણે 15 નવલકથા, 300 વાર્તા ઉપરાંત નાટકો, ચરિત્રો, અનુવાદ જેવાં વિવિધ પ્રકારનાં સાહિત્યનું સર્જન કર્યું અને સામાજિક સમસ્યાઓને સ્પર્શતી વાર્તાઓ અને નવલકથાઓ લખીને ભારતમાં અદભુત જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું, જેમાં ગોદાન, પ્રતિજ્ઞા, નિર્મલા, ગબન, શતરંજ કે ખિલાડી, ઇદગાહ વગેરે પ્રેમચંદની કેટલીક યાદગાર કૃતિઓ છે
* ભારતમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં જન્મેલ અને સેન્ટ લુઇસ યુનિવર્સિટીમાં અર્થ અને વાતાવરણીય વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ રહેલ ભારતીય-અમેરિકન વાતાવરણીય વૈજ્ઞાનિક ગાંડીકોટા વી. રાવનું મેક્સિકો ખાતે અવસાન (2004)
પદ્મશ્રીથી સન્માનિત અને ભારતીય ઉપખંડના સૌથી પ્રભાવશાળી ગાયકોમાંના એક એવા હિન્દી ફિલ્મોના મહાન ગાયક અને સૂર સમ્રાટ મોહંમદ રફીનું અવસાન (1980)
‘ગાંવ કી ગૌરી’ ફિલ્મ માટે તેમણે પ્રથમ ગીત ગાયું અને ત્યારબાદ 40 વર્ષ દરમિયાન 8 હજારથી વધારે ગીતો ગાયા તેમને 5 રાષ્ટ્રીય પુરસ્કાર અને 6 ફિલ્મફેર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતાં
લગ્નમાં ‘આજ મેરે યાર કી શાદી હૈ’ જ્યાં સુધી ના વાગે ત્યાં સુધી લોકોને એવું લાગે છે કે કંઈક અધૂરું છે. મોહમ્મદ રફીએ ‘બાબુલ કી દુઆં લેતી જા’થી લઈને ‘કર ચલે હમ ફિદા જાન ઓ તન સાથીયો’ સુધી પોતાની ગાયકીથી લોકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી છે.
* જલિયાંવાલા બાગના હત્યાકાંડના 21 વર્ષ પછી 13 માર્ચ, 1940માં રોયલ એશિયન સોસાયટી, લંડનના હોલમાં જનરલ ડાયરની હત્યા કરનાર ઉધમસિંહને ફાંસી આપવામાં આવી (1940)
ઉધમસિંહ ત્યાંથી ભાગ્યા નહી અને આત્મસર્મપણ કરી દીધા બાદ 4 જૂન, 1940નાં રોજ ફાંસીની સજા જાહેર કરાઈ અને 31 જુલાઈ, 1940ના રોજ પેન્ટનવિલે જેલમાં તેમને ફાંસી આપવામાં આવી
* પદ્મભૂષણથી સન્માનિત ભારતનાં સ્થાપત્યવિદ અને કળા ઇતિહાસકાર મધુસૂદન અમીલાલ ઢાંકીનો પોરબંદરમાં જન્મ (1927)
તેમને એશિયાટિક સોસાયટી ઑફ બોમ્બે દ્વારા કેમ્પબેલ મેમોરિયલ ગોલ્ડ મેડલ, રણજિતરામ સુવર્ણ ચંદ્રક, કુમાર ચંદ્રક અને ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર ઉપરાંત ગુજરાત ઇતિહાસ પરિષદ દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
* લોકશૈલીના મોટા ગજાના સમર્થ સર્જક લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકલાના પરમ ઉપાસક અને ભાવનગરની કોલેજમાં ગુજરાતી અને સંસ્કૃતના પ્રધ્યાપક ખોડિદાસ પરમારનો ભાવનગરમાં જન્મ (1930)
લોકકલાના ક્ષેત્રમાં ગુજરાતમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ખોડિદાસ પરમારનું લલિતકલા અકાદમી - દિલ્હીનો પુરસ્કાર, એકૅડમી ઑફ ફાઇન આટૅસ ઍન્ડ ક્રાફટ સોસાયટી - દિલ્હીનાં આઠ પારિતોષિક તેમજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીનાં પારિતોષિકોથી તેમનું સન્માન થયું છે
તેમણે લોકસાહિત્યના વિષયમાં પી.એચ.ડી કર્યું હતું
ખોડીદાસે ગુજરાતના ખ્યાતનામ કલાગુરુ સોમાલાલ શાહ પાસેથી ઈ.સ. ૧૯૪૮થી ઈ.સ. ૧૯૫૧ સુધી ચિત્રકલાની તાલીમ લીધી હતી
* કોસંબી મેપ ફંક્શનની રજૂઆત કરીને જિનેટિક્સમાં યોગદાન આપનાર આંકડાશાસ્ત્રી, ફિલોલોજિસ્ટ, ઈતિહાસકાર અને પોલીમેથ દામોદર ધર્માનંદ કોસંબીનો ગોવા ખાતે જન્મ (1907)
* રાજસ્થાન રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે 17 વર્ષ સુધી (1954-71) સેવા આપનાર મોહન લાલ સુખડિયાનો જન્મ (1916)
* જાપાની વંશના ભારતીય વ્યાવસાયિક ફૂટબોલર અરાતા ઇઝુમીનો જાપાનમાં જન્મ (1982)
* ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મ અભિનેત્રી મુમતાઝ (માધવાણી)નો મુંબઈમાં જન્મ (1947)
તેમની યાદગાર ફિલ્મોમાં બંધન (1969), આદમી ઔર ઇન્સાન (1969), સચ્ચા જુઠા (1970), ખીલોના (1970), તેરે મેરે સપને (1971), હરે રામા હરે કૃષ્ણ (1971), અપના દેશ (1972), લોફર (1973), ઝિલ કે અસ પાર (1973), ચોર મચાયે શોર (1974), આપ કી કસમ (1974), રોટી (1974), પ્રેમ કહાની (1975) અને નાગિન (1976) વગેરે છે
* બેલારુસિયન પ્રોફેશનલ ટેનિસ ખેલાડી વિક્ટોરિયા ફાયડોરોવના અઝારેન્કાનો જન્મ (1989)
તેઓ સિંગલ્સમાં 2012ના અંતે વિશ્વના નંબર 1 ખેલાડી હતા અને અઝારેન્કાએ 20 ડબ્લ્યુટીએ સિંગલ્સ ટાઇટલ, આઠ ડબ્લ્યુટીએ ડબલ્સ ટાઇટલ, અને ત્રણ મિશ્ર-ડબલ્સ ખિતાબ જીત્યા છે
* પદ્મશ્રીથી સન્માનિત ભૌતિકશાસ્ત્રી અને ભારતીય ટેકનોલોજી સંસ્થાન, ખડગપુરના ભૂતપૂર્વ ડિરેક્ટર કસ્તુરી લાલ ચોપરાનો પંજાબ રાજ્યમાં જન્મ (1933)
* ઝવેરી, ફિલ્મ નિર્માતા અને અભિનેતા એટલાસ રામચંદ્રનનો કેરળ રાજ્યમાં જન્મ (1942)
* કન્નડ ફિલ્મોના ગાયક અભય જોધપુરકરનો મધ્ય પ્રદેશમાં જન્મ (1991)
* બૉલીવુડ ફિલ્મ અભિનેત્રી કિયારા (આલિયા) અડવાણીનો મુંબઈમાં જન્મ (1992)
તેની નોંધપાત્ર ફિલ્મોમાં કબીર સિંગ, ફગલી, એમ. એસ. ધોની, ઇન્દુ કી જવાની, ગુડ ન્યુઝ, લક્ષ્મી, ભૂલ ભુલાઈયા 2, જુગ જુગ જીઓ વગેરે છે
* બોલીવુડ અને હોલીવુડ ફિલ્મોમાં અભિનેતા આયુષ ટંડનનો મુંબઈમાં જન્મ (1998)
તેની નોંધપાત્ર ફિલ્મોમાં લાઈફ ઓફ પાઈ, બાજીરાવ મસ્તાની, છોટે નવાબ 7 ખૂન માફ વગેરે છે
* પદ્મશ્રીથી સન્માનિત અને 1000 થી વધુ ટોલીવુડ ફિલ્મોના તેલુગુ કોમિક અભિનેતા અલ્લુ રામા લિંગૈયા પલાકોલનું હૈદરાબાદ ખાતે અવસાન (2004)