એમ.બી.એ. થયેલા આદિવાસી યુવાને ‘કિસાનમાર્ટ’નો નવતર પ્રયોગ કરી ગામના ૩૦ યુવાનોને પગભર કર્યા
સુરત જિલ્લાના મહુવા તાલુકાના માછીસાદડા ગામના એમ.બી.એ. થયેલા આદિવાસી યુવાને ‘કિસાનમાર્ટ’નો નવતર પ્રયોગ કરી ગામના ૩૦ યુવાનોને પગભર કર્યા
ખાનગી કંપનીની રૂ.૧ લાખ પગારની નોકરી છોડી યુવાને ગૃહઉદ્યોગ શરૂ કરતા ગ્રામજનોને રોજગારી મળી
કેન્દ્ર સરકારની પીએમઈજીપી યોજના થકી દાળમિલ સ્થાપિત કરવા રૂ.૧૨ લાખની લોન મેળવી, જેમાં રૂ.૬ લાખ સબસિડી મળી
વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ પેકિંગ મશીનરીની ખરીદી માટે રૂ.૨.૫૦ લાખની લોન મળી, જેમાં રૂ.૮૩ હજાર સબસિડી પ્રાપ્ત થઈ
નરેન્દ્રભાઈના સાથ સહકારથી હાટબજારમાં લઘુ ઉદ્યોગ શરૂ કરીને ગામના પાંચ યુવાનોએ પોતાની માલિકીના વાહન ખરીદ્યા
ગામના ખેડૂતોને વર્મી અને બાયો કમ્પોસ્ટના ઉપયોગથી સજીવ ખેતી તરફ વાળવા વિનામૂલ્યે ટ્રેનિંગ પણ આપી રહ્યા છે
(ખાસ લેખ: મેહુલ વાંઝવાલા)
સુરત
સુરત જિલ્લાના મહુવા તાલુકાના માછીસાદડા ગામના એમ.બી.એ. થયેલા આદિવાસી યુવાન નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલે ખાનગી કંપનીની મહિને રૂ.૧ લાખના પગારની નોકરી છોડી ગ્રામજનોને પગભર કરતા વિભિન્ન પ્રકલ્પો શરૂ કર્યા. જે થકી તેમણે જાતે આત્મનિર્ભર બની ગામના અન્ય ૩૦ યુવાનોને પણ રોજગારીનો અવસર પૂરો પાડ્યો. તેમણે નોકરી છોડ્યા બાદ કચરા-માટીમાંથી વર્મી અને બાયોકમ્પોસ્ટ ખાતર બનાવાનું શરૂ કર્યું. અને પીએમઈજીપી (પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ) તેમજ વાજપાઈ બેન્કેબલ યોજનાનો લાભ લઈ ‘કિસાનમાર્ટ’નો નવતર પ્રયોગ પણ શરૂ કર્યો, જેમાં દાળમિલ દ્વારા દાળ, કઠોળ અને મરી મસાલાનું પેકેજિંગ કરી વેચાણ કરવાનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો. જેના દ્વારા ગામના ૩૦ યુવાનોને રોજગારીનો અનેરો અવસર આપી સમાજ કલ્યાણનું કાર્ય પણ કર્યું. ઉપરાંત, તેઓ આધુનિક મશીનરી વસાવીને સાબુ અને વોશિંગ પાવડરની બનાવટ કરી વેચાણ કરી રહ્યા છે.
પોતાના અનુભવ વિષે વાત કરતાં નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, એમ.બી.એ.ના અભ્યાસ બાદ તેમણે ૧૨ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરની શેરબજારની કંપનીમાં નોકરી કરી હતી. એ સમય દરમિયાન શેરબજારના ઉતાર-ચઢાવ સાથે લોકોના અને ખાસ કરી યુવાઓના જીવનમાં થતી ઉથલપાથલ અને મુંઝવણ જોઈ હું હતાશા અનુભવતો હતો, અને સમાજને ઉપયોગી બની યુવાનોને નવી દિશા ચીંધવાના હકારાત્મક અભિગમ અને કઈંક નવું કરવાના ઉત્સાહ સાથે નોકરી છોડવાનો નિર્ણય લીધો. વતનના ગામ પરત ફરી આદિવાસી બાંધવો, આમનાગરિકો અને ખેડૂતોની સમસ્યા પર અભ્યાસ શરૂ કર્યો.
વધુમાં તેમણે જણાવ્યું કે, ખેતીમાં બેફામ વપરાતા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાની જમીન અને પાક પર વિપરીત અસર થાય છે, જે લાંબાગાળે ખેડૂતોને નુકસાનકારક છે. તેમજ ઝેરી રસાયણો, દવાઓ વગર ખેતી શક્ય ન હોવાની ખેડૂતોની માન્યતાને વેગ આપવામાં કેમિકલ, ફર્ટીલાઈઝર કંપનીઓ પણ સામેલ હોવાનું જણાયું હતું. વાતને આગળ વધારતા તેમણે કહ્યું કે, ખેતી સરળ વ્યવસાય છે, પરંતુ કેટલીક નફાખોર કંપનીઓ પોતાનું આર્થિક હિત સાધવા દુષ્પ્રચારનો આશ્રય મેળવે છે એવું મેં અનુભવ્યું છે. જેથી ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિથી થતી ખેતી તરફ વાળવાના વિચાર સાથે વર્મી કમ્પોસ્ટ(અળસિયા દ્વારા તૈયાર થતાં ખાતર)નો નાના પાયે વ્યવસાય શરૂ કર્યો. ઘરઆંગણાની દેશી ગાયોના છાણનો ઉપયોગ કરી બનાવેલા વર્મી કમ્પોસ્ટને ગુણી દીઠ રૂ.૨૦૦ ના રાહત દરે વેચાણ શરૂ કર્યું અને ધીમે ધીમે સફળતા મળતી ગઈ.
સતત ૧૦ વર્ષ વર્મી કમ્પોસ્ટનો વ્યવસાય કર્યા બાદ અનાજ અને કઠોળના ભાવોમાં થયેલો વધારો અને ઓછી ગુણવત્તાના પ્રશ્નો સામે આવ્યા. જેના સમાધાનરૂપે દાળમિલ શરૂ કરી ગુણવત્તાયુક્ત કઠોળ, દાળનું પેકેજિંગ શરૂ કર્યું. ખાસ કરીને, પાણી વગરના વિસ્તારમાં થતી ૨૨ પ્રકારની દાળ, કઠોળ, મસાલાની જથ્થાબંધ ખરીદી કરી પેકેજિંગ શરૂ કર્યું. જેમાં કઠોળ અને દાળના રૂ.૨૦ અને મસાલાના રૂ.૧૦ના પેકેટ બનાવી દુકાન મારફતે રિટેલ વેચાણ શરૂ કર્યું હતું. વેચાણ વધારવા માટે ‘કિસાનમાર્ટ’નો નવો પ્રયોગ કરી ‘ફાર્મ ટુ હોમ’(ખેતરથી ઘરે)ના કોન્સેપ્ટ સાથે ગામના ૧૬ યુવાનોની ટીમ દ્વારા હાટબજારમાં અન્ય દુકાનો કરતા સસ્તા અને ઉચ્ચગુણવતાયુક્ત દાળ, કઠોળ, મસાલાનું વેચાણ શરૂ કર્યું. મારા આ પ્રયાસને લોકોએ આવકાર્યો, જેના પરિણામે હાટબજારમાં કાર્યરત કેટલાક યુવાનોએ ટુંક સમયમાં સ્વકમાણીથી ફોર વ્હીલ ટેમ્પાની પણ ખરીદી કરી હતી. ઉપરાંત કિસાનમાર્ટ થકી ગામની ૧૪ મહિલાઓને પણ નિયમિત આવક આપતા ગૃહઉદ્યોગની તક મળી હતી.
ઉદ્યોગને આગળ વધારવાની સાથે સમસ્યાઓ ઉદ્દભવતી હોય છે, ત્યારે બહોળો અનુભવ એ સમસ્યામાંથી બહાર લાવે છે એમ જણાવતા નરેન્દ્રભાઈએ ઉમેર્યું કે, રાસાયણિક ખાતરયુક્ત લીલોચારો આરોગતી ગાયોના છાણમાં રહેતા બેકટેરિયા નાશ પામે છે, જેથી ખેતરને ઉપયોગી થાય એવું ખાતર બનાવવામાં સમસ્યા ઉભી થતી હતી. આ બાબતે નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા તેમણે બાયોકમ્પોઝથી ખાતર બનાવવાની પ્રેરણા આપી. જેને અનુસરી છેલ્લા એક વર્ષથી બાયોકમ્પોઝથી ખાતર બનાવી રહ્યો છું. તેની ૫૦ કિલોની બેગ રૂ.૨૦૦ ના દરે વેચાણ કરીએ છીએ. બજારમાં ૪ થી ૫ હજારની કિંમતની બાયોકમ્પોઝની કીટ તેઓ માત્ર રૂ.૪૦૦માં ગ્રાહકોને આપીએ છીએ, જેનાથી ખેડૂતોને ચમત્કારિક પરિણામો મળી રહ્યા છે.
ગૃહઉદ્યોગ માટે નરેન્દ્રભાઈએ લીધેલી સરકારની અનેકવિધ યોજનાઓના લાભો વિષે તેઓ જણાવે છે કે, દાળમિલની સ્થાપના માટે પીએમઈજીપી (પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ) યોજના અન્વયે મશીનરી માટે રૂ.૧૨ લાખની લોન મેળવી છે. જેમાં રૂ.૬ લાખની સબસિડી મળી હતી. તેમજ પેકિંગ મશીનરીની ખરીદી માટે વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ રૂ.૨.૫૦ લાખની લોન મળી હતી, જેમાં પણ રૂ.૮૩ હજાર સબસિડી મળી છે.
‘ગામ સમૃદ્ધ તો રાજ્ય અને દેશ સમૃદ્ધ’ એવા રાજ્ય સરકારના સૂત્રને અનુસરી સરકારની યોજનાઓના માધ્યમથી લઘુઉદ્યોગો સ્થાપ્યા છે, અને ગ્રામજનોને રોજગારી માટે નિમિત્ત બનવામાં સંતોષની લાગણીનો અનુભવ થઈ રહ્યો હોવાનું તમણે જણાવ્યું હતું.
નરેન્દ્રભાઈએ ૭૦૦ લોકોને સજીવ ખાતર બનાવવાની ટ્રેનિંગ આપી ૧૮ જેટલા યુનિટ શરૂ કરાવ્યા છે, તેમજ સરકારના કૃષિ મેળા, કૃષિ મહોત્સવોમાં ભાગ લઈ નાનીમોટી યોજના કે લઘુઉદ્યોગોની માહિતીનું આદાન-પ્રદાન કરી સતત લોકોને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરતા રહે છે.
. . . . . . . . . .