આણંદ જિલ્લાના ૧૦૭ તળાવોના મત્સ્ય પ્રવૃત્તિના ઇજારા રદ કરાયા
કડક કાર્યવાહી..
આણંદ જિલ્લાના ૧૦૭ તળાવોના મત્સ્ય પ્રવૃત્તિના ઇજારા રદ કરાયા
તળાવ ઇજારા નીતિ-૨૦૦૩ મુજબ મત્સ્ય પ્રવૃત્તિનો ઇજારો ધરાવતા ઇજારદારોને કડક સંદેશો પાઠવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપના
આણંદ,
આણંદ જિલ્લાના ગામોમાં આવેલ ગ્રામ પંચાયત હસ્તકના તળાવો મત્સ્ય પ્રવૃત્તિ માટે તળાવ ઇજારા નીતી-૨૦૦૩ અંતર્ગત ઇજારેથી આપવા માટે જે તે ગ્રામ પંચાયતો તેમના હસ્તકના તળાવો મત્સ્ય પ્રવૃત્તિ માટે આપવા માટે સહમતી ઠરાવ કરે છે. આ ઠરાવ જે તે ગ્રામ પંચાયત જિલ્લાની મદદનીશ મત્સ્યઉદ્યોગ નિયામકની કચેરીને મોકલી આપે છે.
જિલ્લાની મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી દ્વારા જિલ્લામાંથી ગ્રામ પંચાયતોના સહમતી ઠરાવો જિલ્લાની જિલ્લા વિકાસ અધિકારીશ્રીના ચેરમેનપદે રચવામાં આવેલ શ્રી મત્સ્ય ખેડૂત વિકાસ સંસ્થામાં મૂકવામાં આવે છે. જિલ્લામાંથી પ્રાપ્ત થયેલ ગ્રામ પંચાયત હસ્તકના તળાવોમાં મત્સ્ય પ્રવૃત્તિ માટે સ્પર્ધાત્મક ટેન્ડરીંગથી સ્પર્ધાત્મક ભાવો મંગાવવામાં આવે છે. જેમાં આવેલ સૌથી વધુ ભાવ ભરનારને જે તે ગ્રામ પંચાયતનું તળાવ પાંચ વર્ષ માટે મત્સ્ય પ્રવૃત્તિ માટે તળાવ ઇજારા નીતિ-૨૦૦૩ અંતર્ગત શરતો અને બોલીઓને આધીન ઇજારાથી આપવામાં આવે છે.
જે તે ઇજારદારને તળાવ ઇજારા નીતિ-૨૦૦૩ મુજબ મત્સ્ય પ્રવૃત્તિ માટે તળાવનો પાંચ વર્ષ માટે ઇજારો આપવામાં આવ્યા બાદ ઇજારા મુજબની રકમ દર વર્ષે મત્સ્યોદ્યોગ કચેરીમાં નિયત કરવામાં આવેલ સમયમર્યાદામાં ભરવાની રહેતી હોય છે. જે તે ઇજારદાર દ્વારા મત્સ્યોદ્યોગ કચેરીમાં જમા કરાવવામાં આવેલ રકમ મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા જે તે ગ્રામ પંચાયતને ચૂકવવામાં આવે છે. પરંતુ તળાવ ઇજારા નીતિ-૨૦૦૩ મુજબ જિલ્લાના ૧૦૭ ઇજારદારો કે જેઓએ ટેન્ડર પધ્ધતિથી ટેન્ડરની શરત અને બોલીઓને આધીન ઇજારો મેળવ્યા બાદ શરતોનો ભંગ કરી નિયત સમયમર્યાદામાં ઇજારાની રકમ મત્સ્યોદ્યોગ કચેરીમાં ન ભરતાં આવા ઇજારદારોના ચેરમેનશ્રી મત્સ્ય ખેડૂત વિકાસ સંસ્થા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપનાએ મત્સ્ય પ્રવૃત્તિના ઇજારા રદ કરી દઇને તળાવ ઇજારા નીતિ-૨૦૦૩ મુજબ મત્સ્ય પ્રવૃત્તિનો ઇજારો ધરાવતા જિલ્લાના અન્ય ઇજારદારોને કડક સંદેશો પાઠવ્યો છે કે, તળાવ ઇજારા નીતિ-૨૦૦૩નું જો જે તે ઇજારદાર દ્વારા શરતો અને બોલીઓનો ભંગ કરવામાં આવશે તો તેઓની સામે કડક હાથે કામગીરી કરવામાં આવશે.
*****